ચીન સામે ભારતની ચાણક્ય નીતિ સફળ

ચીનના પ્રમુખ શી જીનપિંગ સામે આપણે ચાણક્ય નીતિ અજમાવીને સફળતા મેળવી છે. કોરોના મહામારીની આપત્તિમાં લદ્દાખ સરહદ ઉપર દાદાગીરીનો જવાબ આપવા આપણે સાવધાન અને સજ્જ છીએ. તે પુરવાર કરવા તૈયાર છીએ. સંરક્ષણ માટે આપણી સાથે અમેરિકા છે અને જપાન, ફ્રાન્સ તથા અન્ય દેશો સાથે સંરક્ષણ કરાર થયા છે. આમ છતાં આગામી મહિનાઓમાં ચીન આક્રમણ કરે તો તેને ભાર પડશે. ભારતે ચીનના અર્થતંત્ર સામે મોરચો ખોલ્યા પછી હવે અમેરિકાએ અનુસરણ કર્યું છે અને અન્ય દેશોને પણ કહ્યું છે કે ચીનની કંપનીઓને દેશનિકાલ કરો. હવે ચીનને અર્થતંત્રની મંદીનો ભય પણ લાગે છે. મહામારી પેદા કરીને રાજકીય, લશ્કરી વિસ્તારવાદનો લાભ ઊઠાવતા ચીનને હવે મહામારીની `આડ-અસર' થઈ રહી છે. રસી-વેક્સિન બનાવવામાં બાજી મારી હોવાની બડાશ મારે છે, પણ રશિયાએ ચીન કરતાં ભારતની ભાગીદારી પસંદ કરી છે - તે નોંધપાત્ર છે. રશિયા ચીનને સમજાવે છે - અને ભાગીદારીનો સ્પષ્ટ સંકેત છે. ડિપ્લોમસીમાં ભારતે ચીનને શેહ આપી છે - ચેકમેટ કર્યું છે!
ઘરઆંગણે મુખ્ય વિપક્ષ - કૉંગ્રેસને રાષ્ટ્રહિતની પરવા નથી - ચીનની ટીકા કરવા અને ભારત સરકારનું સમર્થન કરવા માટે શબ્દો નથી - પણ મોદી સરકારની મુશ્કેલી વધારવા અને લોકોનો જુસ્સો વધારવાને બદલે ગુસ્સો વધારવાના પ્રયાસ થાય છે!
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય સમસ્યાને બદલે તુચ્છ રાજકારણ ચાલી રહ્યું છે. એક આશાસ્પદ યુવા અભિનેતા અને અભિનેત્રીના નામે વિવાદ શરૂ કરીને બિહાર, બંગાળ અને હિમાચલ પ્રદેશમાં મહારાષ્ટ્રની બદનામી થઈ રહી છે. ડ્રગ માફિયાની પકડ બૉલીવૂડ પછી પોલીવૂડ ઉપર છે?
સોમવારથી સંસદનું વર્ષાસત્ર શરૂ થાય છે. તેમાં ઉપરોક્ત વિષયો ઊઠાવાશે - સરહદની સ્થિતિ, મહામારી અને બેરોજગારી-અર્થતંત્રની મંદીના જવાબ સરકારે આપવા પડશે.
કૉંગ્રેસ પ્રશ્નોત્તરીના સમયની માગણી કરે છે, પણ પ્રશ્નો તો પૂછાશે અને ચર્ચા પણ થશે.
સંસદીય ઇતિહાસમાં વર્ષાસત્ર અનોખું નોંધાશે. સભ્યોની તબીબી તપાસ, આવન-જાવનના માર્ગ નિશ્ચિત અને મર્યાદિત સભ્યો બેઠકો ગૃહ ઉપરાંત ગેલેરીઓમાં પણ હશે. સામાન્ય સંજોગોમાં સભ્યોની સંખ્યા વધ્યા પછી બેસવાની અગવડ પડતી હોય છે - અત્યારના સંજોગોમાં મોકળાશ છે - સભ્યોને સંવાદ-વિવાદમાં સંયમ જાળવવામાં સ્પીકર સાહેબને ઘણી મુશ્કેલી પડે છે - આ વખતે હોઠે તાળાં નથી પણ મોંઢા ઉપર પટ્ટી જરૂર હશે. ઉશ્કેરાટમાં સ્પીકર ભણી અથવા અન્ય સભ્યો સામે ધસી આવવાની જરૂર નહીં રહે. રાહુલ ગાંધી હવે અચાનક દોડીને વડા પ્રધાનના ગળે નહીં વળગે-શારીરિક (સામાજિક નહીં) અંતર અનિવાર્ય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer