`ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ''માં ગુજરાત પાછળ રહેવાનું કારણ

`ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ''માં ગુજરાત પાછળ રહેવાનું કારણ
ઉદ્યોગ સાથે અપૂરતું સંકલન 
વ્યાપાર ટીમ 
અમદાવાદ, રાજકોટ, તા. 11 સપ્ટે. 
ગુજરાતમાં દર બે વર્ષે વાઇબ્રન્ટ ઉત્સવ યોજાય છે. કરોડો રુપિયાના એમઓયુ કરવામાં આવે છે. એની સામે અન્ય રાજ્યોમાં આવા કોઇ ઉત્સવો નથી છતાં ઉદ્યોગોને વધુ સંખ્યામાં આકર્ષી શક્યા છે. બીજા રાજ્યોમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની સ્થિતિ ગુજરાત કરતા ઘણી સારી હોવાનું કેન્દ્રના સર્વેમાં બહાર આવ્યું છે. જાણીતા ઉદ્યોગપતિ શેલૈષ પટવારી કહે છે, સરકારનું ઉદ્યોગો સાથે સંકલન પૂરતુ નથી. કોઇ પણ સમસ્યામાં પ્રધાનોને હાજર રાખીને સ્થળ પર જ નિરાકરણ લાવવું જોઇએ. આમાં મુખ્યપ્રધાનની સારી જાહેરાતો પણ ટ્વીસ્ટ કરીને અંતે અધિકારીઓ દ્વારા બહાર લાવવામાં આવે છે.  આ અંગે મુખ્યપ્રધાને પણ ગંભીરતા દાખવીને જોવુ પડશે.  
એફઆઇએના સેક્રેટરી અજીત શાહે જણાવ્યુ હતું કે સરકાર ઇચ્છે છે પરંતુ વહીવટી સ્ટાફ ખોટા અર્થઘટન કરે છે તેના કારણે આપણને ક્રમ જાળવી રાખવામાં મુશ્કેલી નડી છે. ઇઝ ઓફ ડુઇંગમાં આપણે પાછળ ગયા હોવાનું એક કારણ આઇએએસ અધિકારીથી માંડીને ક્લાર્ક સુધીના કર્મચારીઓનું વર્તન હકારાત્મક નથી એ પણ ગણી શકાય. દરેક વિભાગમાં આવું થાય છે. સરકારે કડકાઇ કરવી જોઇએ. અમે એફઆઇએ તરફથી સરકારને રજૂઆત કરવા જઇ રહ્યા છીએ જેથી ઇઝ ઓફ ડુઇંગમાં વધુ પારદર્શિતા લાવી શકાય.  
ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ધનસુખ વોરા કહે છે, નવા ઉદ્યોગો શરુ કરવા અને બિઝનેસને સરળતાથી ચલાવવામાં ગુજરાતમાં સમસ્યા તો છે જ. નવા આવનારને લાયસન્સ લેવામાં ય ઘણી વખત ફાંફા પડે એટલી લાંબી પ્રક્રિયા છે. એક છત્ર હેઠળ બધી સગવડ મળે તેવી કોઇ વ્યવસ્થા નથી. ખાસ કરીને કંપનીઓને માટે લાલ જાજમ બિછાવાય છે પણ નાનો ઉદ્યોગકાર આવે તો અમલદારશાહીનો ભોગ બને છે. જમીનો મળવાની સમસ્યા છે. લઘુ કે મધ્યમ ઉદ્યોગ શરુંકરવા ઇચ્છતા સાહસિકને મોંઘી જમીનો ફાળવાય છે.જીઆઇડીસીમાં પણ કન્સેસન નથી મળતું, બીજી તરફ મોટા ંઉદ્યોગને ટોકન ભાવથી જમીન ફાળવાય છે. 
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાના કહેવા પ્રમાણે ગુજરાત સરકાર ઉદ્યોગોને આકર્ષવા માટે થતા માર્કેટીંગમાં ક્યાંક ઉણી ઉતરતી હોવાનું દેખાય છે. નિયમોમાં પણ કદાચ વધારે જડતા હોવાનું દેખાય છે.  
વાયબ્રન્ટ ઉત્સવમાં અનેક એમઓયુ થાય છે પણ સાકાર ઘણા નથી થતા તેની પાછળનું કારણ વહિવટી પ્રક્રિયા હોઇ શકે છે. વહીવટી પ્રક્રિયા સરળ બને તે માટે સરકારે મજૂર કાયદામાં છૂટ આપી છે. ઔદ્યોગિક નીતિ પણ સારી લાવી છે એ જોતા આવનારા વર્ષમાં ઇઝ ઓફ ડુઇંગમાં આગળનો ક્રમ મેળવી શકાય તેમ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer