જીએસટી છતાં પ્રોફેશનલ ટેક્સ સામે લઘુ ઉદ્યોગ ભારતીનો વિરોધ

જીએસટી છતાં પ્રોફેશનલ ટેક્સ સામે લઘુ ઉદ્યોગ ભારતીનો વિરોધ
સરકારને નજીવી આવક છતાં આંટીઘૂટીવાળા આ ટેક્સની જોગવાઇ ચાલુ રખાતા આશ્ચર્ય 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 11 સપ્ટે. 
વન નેશન વન ટેક્સનું સૂત્ર લઇને જીએસટીનો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. જોકે જીએસટી પછી પણ ગુજરાતમાં પ્રોફેશનલ ટેક્સ ચાલુ રહેવાથી વેપાર ઉદ્યોગ ઉપર વધારાનું ભારણ આવે છે તેમ લઘુ ઉદ્યોગ ભારતીનું માનવું છે. પ્રોફેશનલ ટેક્સને લીધે સરકારને ખાસ આવક પણ થતી નથી છતાં વેરો ચાલુ રખાતા મુખ્ય પ્રધાનને આ વેરો દૂર કરવા કહેવાયું છે. 
અધ્યક્ષ શ્યામ સલૂજા કહે છે,  પેઢી ઉપર લગતા પ્રોફેશનલ ટેક્સ ઉઘરાવવાની સાત જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈને ગ્રામ પંચાયત સુધીના લોકોની હોય છે. બધા જ કર્મચારીઓ પાસેથી ટેક્સ ઉઘરાવે છે.  નિયમમાં આંટીઘૂંટી હોવા છતાં પણ ગુજરાતના વેપારીઓ અને પેઢી સંચાલકો ટેક્સ ભરી રહ્યા છે, જો કે જીએસટી આવ્યા બાદ તેને નાબૂદ કરવો જોઈએ અને જે વધારાનું ભારણ હોવાથી તેને દૂર કરવું જોઈએ, એનાથી લાખો કર્મચારીઓને કોરોનાના કપરા કાળમાં ફાયદો થશે. 
સંગઠનનું માનવું છે કે કાયદો જૂનો હોવાના કારણે તેમાં કેટલીક સ્પષ્ટતા પણ નથી.. જેમ કે એક પેઢી ઉપર પ્રોફેશનલ ટેક્સ લાગે તો બીજી શાખા ઉપર તે લાગે કે નહિ તે મુદ્દે અસમંજસસ છે, આના કારણે અધિકારીઓ ટેક્સ વસૂલી લે છે અને સંચાલકો મને કમને ભરી પણ દે છે. 
જીએસટી લાગુ થયો ત્યારે જ સરકારે ચોખવટ કરી હતી કે બીજા ટેક્સ નાબૂદ કરીશું પરંતુ તેવું ન થયું. પ્રોફેશનલ ટેક્સ બાકી રહી ગયો. સંગઠને એક રસ્તો પણ બતાવ્યો છે કે જે તે મહાપાલિકાથી લઈને ગ્રામ પંચાયત તેના પ્રોફેશનલ ટેક્સની વર્તમાન વાર્ષિક આવકની રકમને અલગથી ન ઉઘરાવતા તેને કોમર્શિયલ કે ઔદ્યોગિક પ્રોપર્ટી ટેક્સના બિલની અંદર જ ભાગે પડતી રકમ ઉમેરી લેવી જોઈએ. તેનાથી લાભ એ થશે કે અલગથી વેરો ભરવામાંથી મુક્તિ મળશે અને પ્રોપર્ટીના યુનિટ દીઠ રકમ વહેંચાઈ જશે જેથી પેઢી દીઠ રકમ ઓછી આવશે. 
સરકાર સમક્ષ આમ તો આ ટેક્સ મુદ્દે અવાર નવાર અનેક રજૂઆતો થઇ છે. છતાં સરકારે ક્યારેક ધ્યાન આપ્યું નથી ત્યારે  હવે આગામી દિવસોમાં આ અંગે શો નિર્ણય લેવાય છે તે જોવાનું રહ્યું,

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer