હીરાઉદ્યોગમાં મંદીએ વધુ એકનો ભોગ લીધો

હીરાઉદ્યોગમાં મંદીએ વધુ એકનો ભોગ લીધો
જયસુખ ગજેરા દસ વર્ષથી હીરાના કારીગરો માટે લડતા હતા
કોરાના 5હેલાથી જ હીરાઉદ્યોગમાં મંદીનું વાતાવરણ બન્યું હતું. કોરોનાકાળમાં સ્થિતિ વધુ કથળી છે
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત તા. 11 સપ્ટે.,  
કોવિડ-19 મહામારીના કારણે વૈશ્વિક મંદી આવી છે. લકઝરીયસ ચીજવસ્તુઓના લીસ્ટમાં આવતા હીરાની જ્વેલરી-આઇટમોના વેચાણને મોટો ફટકો પહોંચ્યો છે. જેના કારણે હીરાઉદ્યોગમાં પાછલા કેટલાક સમયથી કામકાજમાં ઘટાડો આવ્યો છે. કોરોનાને કારણે લાખો લોકોને રોજગારી આપતો હીરાઉદ્યોગ નાજૂક તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. એ કારણે પાછલા દિવસોમાં આર્થિક સંકડામણમાં તેર જેટલા રત્નકલાકારોએ આપઘાત કર્યો છે. ગઇકાલે હીરાના કારીગરોનો અવાજ બની ચૂકેલા રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ આર્થિક ભીંસમાં આપઘાત કરતા ઘેરી મંદીનો વધુ એક સબળ પૂરાવો મળ્યો છે. 
કોરાનાકાળમાં આર્થિક સંકડામણથી કંટાળીને અંદાજે 13થી વધુ હીરાના કારીગરોએ આપઘાત કરી લીધાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. એવામાં હીરાના કારીગરો માટે વર્ષોથી લડત આપી રહેલાં સુરત રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખભાઇ ગજેરાએ આર્થિક સંકડામણમાં અંતિમ 5ગલું ભરી લેતા હીરાના કારીગરોમાં હડકંપ મચી જવા પામ્યો છે. જયસુખભાઇએ કામરેજ પાસે તાપી નદીના પૂલથી મોતની છલાંગ લગાવી હતી.  
જયસુખભાઇએ ક્યા કારણોસર નદીમાં અંતિમ છલાંગ લગાવી તેનું સચોટ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. 5રંતુ, શોકગ્રસ્ત પરિવાર પાસેથી મળેલી માહિતી મુજબ આર્થિક સંકડામણમાં જયસુખભાઇએ અંતિમ પગલુ ભરી લીધું હોવાનું તારણ બહાર આવ્યું છે. હીરાના કારીગરોના પ્રશ્ને સતત લડત આપી રહેલા જયસુખભાઇએ આપઘાત કરી લેતા સમગ્ર હીરાઉદ્યોગ શોકમાં ગરકાવ થયો છે. 
જીજેઇપીસીના ગુજરાત રીજનના ચેરમેન દિનેશભાઇ નાવડિયા કહે છે કે, હીરાઉદ્યોગએ એક કર્મનિષ્ઠ વ્યક્તિ ગુમાવ્યો છે. કારીગરો માટે સતત લડત આપી રહેલાં જયસુખભાઇએ કંપનીઓ અને હીરાના કારીગરો વચ્ચે વધુ વિવાદો પેદા થાય નહિ અને હીરાના કારીગરોનો પ્રશ્નોનું ઝડપભેર સમાધાન આવે તે માટે ઘણી મહેનત કરી હતી. અંતિમ પગલાથી હીરાઉદ્યોગ સ્તબ્ધ થયો છે.  
ડાયમંડ વર્કર સંઘના ઉપપ્રમુખ ભાવેશભાઇ ટાંક કહે છે કે, કોરાના 5હેલાથી જ હીરાઉદ્યોગમાં મંદીનું વાતાવરણ બન્યું હતું. કોરોનાકાળમાં સ્થિતિ વધુ કથળી છે. આપઘાતની ઘટના ઘણી જ દુ:ખદાયક છે.  
તેમણે ઉમેર્યું હતું કે, સરકાર હવે રત્નકલાકારો સામુ જુએ, રત્ન કલાકાર પોતાની જિંદગીના કિંમતી વર્ષો હીરાઉધોગ અને સરકારના વિકાસમાં  ખર્ચી નાખે છે. તેમ છતા પોતાનો કોઈ જ વિકાસ થતો નથી જેથી આર્થિક સંકટ કાયમી રહે છે. છેલ્લે પરિસ્થિતિ સામે હારી થાકી ને આપઘાત કરી જીવન ટૂંકાવી લે છે. આ સંજોગોમાં સરકારે હવે સમય રહેતા બાજી સંભાળી રત્નકલાકારો માટે પ્રોત્સાહક યોજના અને પેકેજની જાહેરાત કરવી જોઇએ. જયસુખભાઇના આપઘાત પાછળનું સચોટ કારણ પણ તપાસવું રહ્યું. 
ઉલ્લેખનિય છે કે, મંદીમાં બેરોજગાર બનેલા હીરાના કારીગરોની આર્થિક સંકડામણ વધી રહી છે ત્યારે સરકારે પ્રોત્સાહક જાહેરાત અને પગલા લેવાની જરૂર છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી જાહેરાત કરાઇ નથી પરંતુ સ્થાનિક સંગઠન ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશને હીરાના કારીગરોને રોજગારી આપવા માટે 5હેલ કરી છે.
ડીઆઇસીએફ દ્વારા હીરાની પેઢીઓને ક્યા કારીગરોની જરૂર છે તેની વિગતો એકત્ર કરી જરૂરીયાતમંદ કારીગરોના ડેટા સાથે મેચ કરીને બેરોજગાર કારીગરોને કામ અપાવવાની શરૂઆત કરાઇ છે. અત્યાર સુધી 150 જેટલા રતનકલાકારોએ કામ પણ મળ્યું છે. આ ઉપરાંત, ડીઆઇસીએફ અમેરિકાના સ્થાયી થયેલા હીરાઉદ્યોગના સાહસિકોની મદદ થકી જે કારીગરોએ આપઘાત કર્યો છે તેઓના પરિવારને આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer