ક્રૂડ તેલમાં સીધો બદલો : માલભરાવો ફરી બન્યો શિરદર્દ

ક્રૂડ તેલમાં સીધો બદલો : માલભરાવો ફરી બન્યો શિરદર્દ
ઇબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 11 સપ્ટે. 
એશિયન બજારોમાં ધીમી પડી ગયેલી ક્રૂડ તેલની માગ, અમેરિકામાં ઉનાળુ ડ્રાઈવિંગ મોસમનો અંત અને ઓપેક અને સાથી દેશોએ પુરવઠામાં કરેલા વધારાની અસર નવો ભાવ ઘટાડો નજીક હોવાનો સંકેત આપે છે. સાવધાની પસંદ કરતા રોકાણકારો તો કહે છે કે ઇતિહાસની સૌથી મોટી મહામારી અને વિમાની બળતણની માગનો ઘટાડો એકબીજા સાથે હોડમાં ઉતર્યા છે. લાગે છે કે ક્રુડ તેલનો સામાન્ય ભાવ 40-45 ડોલર નહિ પણ 35-40 ડોલર થઇ જશે.  
બ્રેન્ટ ક્રુડ તેલ ગત સપ્તાહે 5.6 ટકા ઘટ્યા પછી બુધવારે કામકાજ દરમિયાન નવેમ્બર વાયદો 39.36 ડોલર થયો હતો. બ્રેન્ટમાં સીધો બદલો પણ જોવાયો છે, જે સૂચવે છે કે માલભરાવાની સ્થિતિ પાછી ફરી રહી છે, જેમાં હાજર કરતાં વાયદાના ભાવ વધુ બોલાતા હોય. બુધવારે અમેરિકન બેન્ચમાર્ક ડબલ્યુટીઆઈ ઓક્ટોબર વાયદો ઘટીને 36.17 ડોલર થયા પછી 37.17 ડોલર બોલાયો હતો. મંગળવારે આ વાયદામાં 8 ટકાનું ગાબડું પડ્યું હતું. બંન્ને વાયદા ત્રણ મહિનાના તળિયે ગયા છે.  
ટૂંકાગાળાનાં ફન્ડામેન્ટલ્સ નબળાં જણાય છે. માગ વધવાનું કોઈ ચિન્હ જણાતું નથી. માલભરાવો અને ફાજલ ઉત્પાદનક્ષમતા પણ ઉંચે ગયા છે. 
રિફાઇનરીઓના નફા ઘસાઈ ગયા છે. આ વર્ષના માર્ચ મહિનાથી લોકડાઉન થયા પછી તો ધંધાધાપા પણ મોટાપાયે અસર પામ્યા છે. આને લીધે છેલ્લા ચાર મહિનાથી કોમોડીટી બજારમાં ઉચાટનું વાતાવરણ સર્જાયું છે. ઓપેક અને સાથી દેશોના ઉત્પાદનકાપે થોડી ધરપત આપી હતી, પણ રોજેરોજ જાહેર થતા નબળા આર્થિક આંકડા થકી લોકમાનસ સાવ ખરડાઈ ગયું છે. ક્રુડ ઓઈલની માગ વધે તેવી અપેક્ષામાં કોઈ દમ દેખાતો નથી.  
જુલાઈથી અમેરિકાના રોજગારીના આંકડામાં સહેજ સુધારો જોવાયો છે, પણ તે મૂળસ્થિતિમાં આવવાની શક્યતા નહીવત હોવા સાથે ડોલર મજબૂત થઇ ગયો છે. આખરી ફટકો ઓપેકના કહેવાતા નેતા સાઉદી અરેબિયાએ ગત સપ્તાહે માર્યો હતો: તેણે બજાર હિસ્સો વધારવા વેચાણભાવ ઘટાડી નાખ્યા. 
હજુ તો એક સપ્તાહ પહેલાં, ઉનાળુ ડ્રાઈવિંગ મોસમ પૂરી થવા અગાઉ જ અમેરિકન રિફાઇનરીઓએ ક્રૂડ તેલનો વપરાશ પાંચ ટકા ઘટાડ્યો હતો. તેજીમાં આવેલો ડોલર ઇન્ડેક્સ 93 પોઈન્ટ ટચ કરી ગયો છે. બીજી તરફ વોલ સ્ટ્રીટ શેરબજારમાં વધુ ગાબડાં અટક્યાં છે. આ બંને ઘટનાઓએ ક્રુડના તેજીવાળાઓ માટે ચેતવણી સમાન છે. અહી પ્રશ્ન એ છે કે તેજીવાળા લેણ ખંખેરવાનું ચાલુ રાખશે? જો હા, તો ભાવ કેટલા નીચે જઈ શકે? 
ટેકનીકલ એનાલીસ્ટ કહે છે કે મંગળવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 39.10 ડોલરની ટેકાની સપાટી નજીક પહોચી ગયો હતો. બુધવારે તે નજીવો સુધર્યો. પણ અહી યાદ રાખો 31 ઓગસ્ટથી ક્રૂડ તેલના ભાવ હજી પ્રમાણમાં નીચી ટોચ અને નીચા તળિયા આસપાસ જ ફરી રહ્યા છે. આથી કહી શકાય કે ટૂંકાગાળામાં  તેલનો ઝોક મંદીતરફી થઇ ગયો છે. બુધવારનો સુધારો લાંબો ટકે તેવી કોઈ સંભાવના અત્યારે નથી દેખાતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer