નેપાળ ભારત પાસેથી 20,000 ટન ખાંડની આયાત કરશે

નેપાળ ભારત પાસેથી 20,000 ટન ખાંડની આયાત કરશે
સીમાવિવાદની કડવાશ દૂર કરવામાં ખાંડ નિમિત્ત
વિશેષ પ્રતિનિધિ દ્વારા  
મુંબઈ, તા. 11 સપ્ટે. 
સીમાવિવાદના મુદ્દે પડોશી દેશ નેપાળ સાથે સરહદે તણખાં ઝર્યાં બાદ હવે ખાંડ બંને દેશો વચ્ચેના સંબંધો મીઠા બનાવવામાં નિમિત્ત બની રહી છે. બરાબર તહેવારના દિવસોમાં ખાંડની તીવ્ર અછતથી પરેશાન નેપાળ હવે આશરે 20000 ટન સાકર ભારતથી આયાત કરી રહ્યું હોવાના અહેવાલ છે. રેલવે માર્ગે 8700 ટન ખાંડ ઉત્તર પ્રદેશથી નેપાળ રવાના પણ  થઈ ગઈ છે.  
નેપાળમાં સાકરની તીવ્ર ખેંચ છે અને ભારતને નિકાસની ઉજળી તક છે એવા અહેવાલો થોડા સમય પહેલા પ્રકાશિત થયા હતા. હવે નોર્ધન રેલવેના ફ્રેઇટ અૉપરેશન વિભાગે સૌ પ્રથમવાર ઉત્તર પ્રદેશનાં બિજનૌર, મોરાદાબાદ તથા બરેલીથી પાંચ રેક ભરીને 8700 ટન ખાંડ નેપાળ રવાના કરી હોવાના સમાચારને પુષ્ટિ આપી છે. નોર્ધન તથા નોર્થ-સેન્ટ્રલ રેલવેના જનરલ મૅનેજરે જણાવ્યું હતું કે ઝોનલ તથા ડિવિઝન સ્તરે બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ શરૂ કરવાનો આ ફાયદો થયો છે. 
આ ઉપરાંત નેપાળનાં અખબારોમાં પણ સમાચાર પ્રકાશિત થયા છે કે નેપાળ સરકારની સંસ્થા સ્ટેટ ટ્રાડિંગ કોર્પોરેશન (એસટીસી)એ નેપાળવાસીઓને તહેવારોમાં ખાંડનો જથ્થો મળી રહે તે માટે 20,000 ટન ખાંડની આયાત ભારતીય કંપની પાસેથી કરવાનો નિર્ણય કર્યો છે. વૈશ્વિક ટેન્ડર મારફતે ભારતની કંપનીને આ ઓર્ડર અપાયો હોવાનું જાણવા મળે છે. જોકે, હાલમાં રવાના થયેલી આ 8700 ટન ખાંડનો ઓર્ડર એસટીસીની 20,000 ટન ખાંડની આયાતની જાહેરાતનો જ ભાગ હતો કે કેમ તે જાણી શકાયું નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer