બળતણના વેચાણમાં એપ્રિલ પછીનો સૌથી મોટો ઘટાડો

બળતણના વેચાણમાં એપ્રિલ પછીનો સૌથી મોટો ઘટાડો
નવી દિલ્હી, તા. 11 સપ્ટે.
રાજ્ય સરકારો અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જાહેર કરાયેલા લોકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિઓ અને પરિવહન પર માઠી અસર થવાથી અૉગસ્ટ મહિનામાં બળતણના પવરાશમાં એપ્રિલ પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો, એમ સત્તાવાર આંકડા પરથી જણાય છે.
અૉગસ્ટ મહિનામાં તેલ પેદાશોનું વેચાણ 143.9 લાખ લિટર થયું હતું. જે જુલાઈના કરતાં 7.5 ટકા અને ગયા વર્ષના અૉગસ્ટના કરતાં 16 ટકા ઓછું છે. છ મહિનાથી તેલ પેદાશોનું વેચાણ વર્ષાનું વર્ષ ઘટતું રહ્યું છે.
એપ્રિલ મહિનામાં લોકડાઉનને કારણે બળતણની માગ વર્ષાનુવર્ષ 48.6 ટકા ઘટીને 94 લાખ લિટર થઈ ગઈ હતી. ત્યાર પછીના બે મહિનામાં - મે અને જૂનમાં - બળતણની માગમાં સાધારણ સુધારો જોવાયો હતો, પરંતુ જુલાઈથી તે ફરી ઘટવા લાગી છે.
દેશમાં સૌથી વધુ વપરાતા બળતણ ડીઝલનો વપરાશ અૉગસ્ટમાં 48.4 લાખ લિટર હતો, જે જુલાઈના 55.1 લાખ લિટરની સરખામણીમાં 12 ટકાનો ઘટાડો દર્શાવે છે, ડીઝલની માગમાં વર્ષાનુ વર્ષ 20.7 ટકાનો ઘટાડો થયો છે.
પેટ્રોલનું વેચાણ વાર્ષિક ધોરણે 7.4 ટકા ઘટીને 23.8 લાખ લિટર થયું હતું. જોકે, પ્રવાસીઓએ જોહર પરિવહન કરતાં ખાનગી વાહનોમાં પ્રવેશ કરવાનું વધુ પસંદ કરતાં જુલાઇના સરખામણીમાં પેટ્રોલના વપરાશમાં 5.3 ટકાનો વધારો થયો હતો.
રાંધણ ગૅસનું વેચાણ વાર્ષિક ધોરણે પાંચ ટકા ઘટીને 22 લાખ ટન થયું હતું, જ્યારે કેરોસીનની માગ 43 ટકા ઘટીને 1.32 લાખ ટન થઈ હતી.
બળતણનું વેચાણ મહામારી પહેલાના સ્તરે પહોંચતાં ઓછામાં ઓછા ત્રણચાર મહિના લાગી જશે, એમ ઉદ્યોગનાં સૂત્રોનું માનવું છે. અૉક્ટોબર-નવેમ્બરમાં દિવાળીના તહેવારો નિમિત્તે બળતણનો વપરાશ વધશે, પરંતુ કોરોના અગાઉના સ્તરે તે વર્ષના અંત પહેલા પહોંચે એવું લાગતું નથી.
અન્ય તેલ પેદાશોમાં મેપ્થાનું વેચાણ જુલાઈના મુકાબલે 16 ટકા અને વાર્ષિક ધોરણે 24 ટકા ઘટીને 10.7 લાખ ટન થયું હતું, રોડ બનાવવામાં વપરાતા ડામરનું વેચાણ 3.16 લાખ ટન હતું જે વર્ષાનુવર્ષ 39.1 ટકાનો વધારો દર્શાવે છે, પણ જુલાઈ કરતાં 18 ટકા ઓછું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer