સ્વદેશી રમકડાંનું ઉત્પાદન લગભગ બંધ પડયું

સ્વદેશી રમકડાંનું ઉત્પાદન લગભગ બંધ પડયું
બીઆઈએસની મુદ્ત લંબાવવાની વિનંતી હજી સુધી અમાન્ય 
અમારા પ્રતિનિધિ દ્વારા  
મુંબઈ, તા. 11 સપ્ટે.  
સ્વદેશી રમકડાં માટે `વોકલ ફૉર લોકલ`નું આહ્વાન આપવાની કેન્દ્રની જાહેરાતો વચ્ચે છેલ્લા ત્રણ-ચાર દિવસમાં દેશભરમાં રમકડાંનાં મોટા ભાગનાં કારખાનાં બંધ થઈ ગયાં છે. ઉત્પાદકો રમકડાંના ઉત્પાદન માટે 1 સપ્ટેમ્બર '20થી ફરજિયાત લાગુ કરાયેલા બીઆઈએસ ધોરણોના અમલની તૈયારી કરી રહ્યા છે. તેમણે આ માટે થોડો વધુ સમય માગ્યો છે પરંતુ 1 સપ્ટેમ્બરની તારીખ લંબાવવાનો નિર્ણય કેન્દ્ર દ્વારા લેવાયો નથી. તેને લીધે આખરે નાછૂટકે રમકડાંના મુખ્ય ઉત્પાદક સંગઠનોએ કામકાજ બંધ રાખવાનું નક્કી કર્યું છે એમ ઉદ્યોજકોએ જણાવ્યું છે.   
અૉલ ઇન્ડિયા ટોય્ઝ મૅન્યુફેક્ચરર્સ ઍસોસિયેશનના પ્રમુખ કુકરેજાએ જણાવ્યું હતું કે `અમે જુલાઈ મહિનાથી કેન્દ્રના સંબંધિત તમામ મંત્રાલય અને બીઆઈએસના સતત સંપર્કમાં છીએ. રમકડાં ઉદ્યોજકોને બીઆઈએસ કેટલાક ફેરફાર સાથે માન્ય છે. પરંતુ લોકડાઉનને કારણે ચાર મહિના કામકાજ બંધ રહ્યું હોવાથી જરૂરી સુવિધા ઊભી કરવા અમે માત્ર તારીખ લંબાવવા વિનંતી કરતા રહ્યા છીએ. પરંતુ કમનસીબે આજ સુધી (9 સપ્ટે.) સરકારે કોઈ ઉત્તર આપ્યો નથી. અમે કાનૂન તોડીને રમકડાનું ઉત્પાદન કરવા માગતા નહીં હોવાથી અમારે મજબૂરીથી કામ બંધ કરવું પડયું છે. સરકાર અમારી તદન વાસ્તવિક સમસ્યા પણ સમજી શકી નથી તેનું અમને દુ:ખ છે.'  
ઉલ્લેખનીય છે કે જુલાઈ સામે ઓગષ્ટમાં સ્વદેશી રમકડાંની માગમાં ધરખમ વધારો થયો હતો. હવે સરકારી પ્રક્રિયાને લીધે નિર્ણયમા થઇ રહેલો વિલંબ રમકડાં ઉત્પાદનને માટે ઘાતક પુરવાર થયો છે. ઉત્પાદક સૂત્રોએ જણાવ્યું કે બીઆઈએસ દ્વારા અગાઉ જાહેર કરાયેલ પ્રત્યેક કારખાનાની રૂબરૂ ચકાસણીની પ્રક્રિયા જ હજુ સુધી શરૂ થઈ નથી. એટલે 1 સપ્ટેમ્બર પછી નવાં રમકડાં બનાવવાં ગેરકાયદેસર ઠરવાની આશંકા હોવાથી કોઈ જોખમ લેવા તૈયાર નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer