અમેરિકન શૅરબજારોમાં વેચવાલીથી સાવચેતીનો માહોલ

અમેરિકન શૅરબજારોમાં વેચવાલીથી સાવચેતીનો માહોલ
સાપ્તાહિક ધોરણે સેન્સેક્ષ 1.29 ટકા અને નિફ્ટી 1.15 ટકા વધ્યા
વ્યાપાર ટીમ 
મુંબઈ, તા. 11 સપ્ટે.
વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા અમેરિકામાં આર્થિક પેકેજની અનિશ્ચિતતાના કારણે ગઇકાલે ટેકનૉલૉજી શૅર્સમાં ભારે ધોવાણ થતાં આજે તેની અસર ભારતીય શૅર બજારો ઉપર જોવા મળી હતી. સપ્તાહના અંતિમ સત્રમાં સેન્સેક્ષ અને નિફ્ટી સાંકડી વધઘટના માહોલમાં રહ્યા હતા અને દિવસના અંતે સેન્સેક્ષ 14 પોઇન્ટ્સ વધીને 38,854.50 પોઇન્ટ્સ ઉપર અને નિફ્ટી પોઇન્ટ્સ 15 પોઇન્ટ્સ વધીને 11,464 પોઇન્ટ્સ ઉપર ફ્લેટ બંધ આવ્યા હતા. વીઆઇએક્સ ઇન્ડેક્સ આશરે 3 ટકા ઘટીને 20.68ના સ્તરે બંધ આવ્યો હતો. 
નિફ્ટીમાં ભારતી ઍરટેલ, બ્રિટાનિયા, ટાઇટન, એચડીએફસી લાઇફ અને હિન્દુસ્તાન યુનિલિવર ટૉપ ગેઇનર સાબિત થયા હતા, જ્યારે બીએસઇમાં એસબીઆઇ, કોફોર્જ, ઇમામી, જ્યુબિલન્ટ ફૂડ્સ, લૌરસ લૅબ અને સ્ટ્રાઇડ્સ ફાર્મા બાવન સપ્તાહની ટોચે હતા. 
બીજી તરફ, અદાણી પોર્ટ્સ, ઇન્ડસ ઇન્ડ બૅન્ક, એચસીએલ ટૅક.,એશિયન પેઇન્ટ્સ, પાવર ગ્રીડ, આઇશર મોટર્સ, એચડીએફસી બૅન્ક  અને એક્સિસ બૅન્ક સૌથી વધુ ઘટયા હતા.
સાપ્તાહિક ધોરણે સેન્સેક્ષ 1.29 ટકા અને નિફ્ટી 1.15 ટકા વધ્યા હતા. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 0.58 ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.52 ટકા વધીને બંધ થયા હતા. સેક્ટર મુજબ આઇટી ઇન્ડેક્સ 1.29 ટકા, પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ 0.79ટકા અને નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 0.63ટકા વધીને બંધ આવ્યા હતા.  
વૈશ્વિક બજારો 
અમેરિકામાં આર્થિક સહાય બાબતે કોઇ સ્પષ્ટ સંકેત નહીં મળતા અને સ્થાનિક બેરોજગારીના આંકડામાં સુધારો નહીં જણાતા મોટા ભાગના ઇન્ડેક્સ ગઇકાલે ભારે વેચવાલી સાથે બંધ થયા હતા. આજે એશિયન બજારોમાં જપાનનો નિક્કી, ચીનનો શાંઘાઇ અને હોંગકોંગ શૅરબજારો આશરે 0.75 ટકા વધ્યા હતા, જ્યારે યુરોપના બજારોમાં લંડન શૅરબજાર ખરીદી સાથે જ્યારે જર્મની અને ફ્રાંસના બજારો મામૂલી વેચવાલી સાથે ટેડ કરી હતાં.
કૉમોડીટીઝમાં બ્રેન્ટ ક્રૂડ 
પ્રતિ બૅરલ 19 સેન્ટ ઘટી 39.87 ડૉલર અને અમેરિકન ડૉલર મજબૂત થતાં સોનું પ્રતિ ઔંસ 11 ડૉલર ઘટી 1953.40 ડૉલર રનિંગ હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer