સરકાર સવા બે માસ પછી ખરીદશે ટેકાના ભાવે મગફળી

સરકાર સવા બે માસ પછી ખરીદશે ટેકાના ભાવે મગફળી
યાર્ડમાં નવી મગફળીનો પુરવઠો અત્યારથી વધવા લાગ્યો : ભાવાંતર યોજના માટે ફરી માગ ઉઠી 
નીલય ઉપાધ્યાય 
રાજકોટ.તા.11 સપ્ટે. 
મગફળીના ઐતિહાસિક ઉત્પાદનના અંદાજો વચ્ચે રાજ્ય સરકારે લાભપાંચમથી ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. સરકાર રુ. 1055માં મણ લેખે મગફળી ખરીદશે. જોકે આ વર્ષે અધિક માસને લીધે લાભપાંચમ 19 નવેમ્બરે છે. ટૂંકમાં ખરીદી આડે હજુ સવા બે માસ પસાર કરવાના છે. એ પૂર્વે ખેડૂતોની ઢગલાબંધ મગફળી ટેકા કરતા સસ્તાં ભાવે વેચાઇ જવાનો ભય છે. બીજી તરફ વેપારી વર્ગ ટેકાના ભાવે ખરીદી કરવાની પળોજળમાં પડવાને બદલે ભાવાંતર લાગુ કરવાની માગ કરી રહ્યો છે.  
મે મહિનામાં મગફળીના વાવેતર થઇ ગયા હતા. જેની આવકો હાલ શરું થઇ ગઇ છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં રોજ 15થી 20 હજાર ગુણી આવવા લાગી છે. વરસાદ ન પડે તો અઠવાડિયામાં જ આવક 25-30 હજાર ગુણીની સપાટીએ પહોંચી જશે. ખેડૂતો ટેકાની ખરીદીની રાહ જોયા વિના વેંચવા લાગી જશે. અત્યારે ઝીણી મગફળી આવે છે પરંતુ જાડી મગફળી પણ હવે સપ્ટેમ્બર અંતમાં બજારમાં આવવાની શરુ થશે. ત્યારે આવકોના ઢગલાં થશે. સરકારે લાભપાંચમનો દિવસ જોયો છે પણ અધિકમાસ છે તે જોયું નથી એવું વેપારીઓ અને ખેડૂતો કહે છે. અઢી માસમાં ઘણો માલ બજારમાં આવી જાય તેમ છે. ખેડૂતોને નવી મગફળીનો ભાવ મણે રુ. 700-950 વચ્ચે ગુણવત્તા અનુસાર મળે છે. સૂકો માલ આવે ત્યારે રુ. 1000 મળવાની શક્યતા છે. 
એ જોતા ખેડૂતો ટેકાના ભાવે ખરીદી થાય તેની રાહ જૂએ તેવું જણાતું નથી. 
વેપારીઓ કહે છે, સરકારને અમે ત્રણ વર્ષથી રજૂઆત કરીને ખરીદીને સ્થાને ભાવાંતર યોજના લાગુ કરવા માટે કહી રહ્યા છીએ. પરંતુ માગણી બહેરા કાને અથડાઇ રહી છે. ટેકાના ભાવની ખરીદીને લીધે પુરવઠામાં વિક્ષેપ પડતો રહે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોદા કરવામાં મુશ્કેલી પડે છે. સરકારી ખરીદીને લીધે બજારમાં પુરવઠો પૂરતા પ્રમાણમાં આવતો નથી. એ કારણે મિલો અને દાણાના કારખાના ચલાવવામાં સમસ્યા થાય છે અને ભાવની ખોટી વધઘટ થાય છે. વળી, છેલ્લે નાફેડના ઓશિયાળા બનીને રહેવું પડે છે. નાફેડની વેચાણ નીતિ મનસ્વી હોય છે. 
તેના કરતા ખેડૂત યાર્ડમાં માલ વેંચી નાંખે અને ભાવફરક સરકાર ખેડૂતને સીધો ખાતામાં જમા આપી દે તો બજારમાં પુરવઠો તરલ રહેશે. વળી, ખેડૂતોને પણ પૂરતો લાભ મળશે. સરકાર એક ખેડૂત પાસેથી 2500 કિલો મગફળી જ ખરીદ કરવાની છે એટલે સરકારને ભાવફરક ચૂકવવાથી ખર્ચ પણ ઓછું થશે. ટેકાની ખરીદીમાં સરકારનો મોટો સ્ટાફ રોકાઇ રહે છે. બારદાન, ગોદામ, હેરફેર, સાચવવાનું ખર્ચ, ખરીદનાર સંસ્થાનું કમિશન વગેરે મોટી કામગીરી કરવાની આવે છે. અંતે બજારમાં વેચતી વખતે નાફેડને ભાગ્યે જ સારો ભાવ મળે છે. મોટેભાગે ખોટ કરીને વેચવાની આવે છે. એ કારણે ભાવાંતર જરુરી છે. પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં ભાવાંતર ચાલે છે ત્યારે ગુજરાતમાં શા માટે આ યોજના લાગુ કરાતી નથી તેવો સવાલ પણ અભ્યાસુ વેપારીઓ કરી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer