ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડાનો વેગ ધીમો પડયો : જુલાઈમાં 10.4 ટકા

ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડાનો વેગ ધીમો પડયો : જુલાઈમાં 10.4 ટકા
જીએસટી ઈ-વે બિલ, રેલવે પરિવહન, બંદરો પર માલની હેરફેર સહિતના ક્ષેત્રોની કામગીરી સુધરી
નવી દિલ્હી, તા. 11 સપ્ટે.
ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો ચાલુ રહ્યો છે, પરંતુ તેનું પ્રમાણ ઓછું થતું જાય છે. જુલાઈ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનનનો આંક વાર્ષિક ધોરણે 10.4 ટકા ઘટયો છે, જ્યારે જૂનમાં 16.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. લોકડાઉન હળવો કરાતો જાય છે. તેમ તેમ ઔદ્યોગિક ઉત્પાદન ધીમે ધીમે બેઠું થતું જાય છે. ઔદ્યોગિક ઉત્પાદનનાં આંકમાં મે મહિનામાં 33.8 ટકા અને એપ્રિલમાં 57.8 ટકાનો તોતિંગ ઘટાડો નોંધાયો હતો.
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે બહાર પાડેલા આંકડા અનુસાર જુલાઈ મહિનામાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના ઉત્પાદનમાં વર્ષાનુવર્ષ 11.1 ટકાનો, ખાણકામ ક્ષેત્રના ઉત્પાદનમાં 13 ટકાનો અને વીજળીના ઉત્પાદનમાં 2.5 ટકાનો ઘટાડો થયો હતો. 
ઔદ્યોગિક ઉત્પાદનનો આંક એપ્રિલમાં 54, મેમાં 89.5 અને જૂનમાં 108.9 હતો તે જુલાઈમાં વધીને 118.1 થયો હતો.
ગયે મહિને સરકારે જૂન મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનનો આંક જાહેર કરતી વખતે કહ્યું હતું કે, હાલના આંકડાઓની કોરોના અગાઉના સમય સાથે સરખામણી કરવી અયોગ્ય છે.
જુલાઈમાં જીએસટી ઈ-વે બિલ, રેલવે પરિવહન, બંદરો પર માલની હેરફેર, આંતરિક વિમાની પ્રવાસીશોની સંખ્યા, પેટ્રોલ, ડીઝલ તથા વિમાની બળતણનો વપરાશ જેવા અન્ય નિર્દેશાંકોની કામગીરી જૂનના પ્રમાણમાં સારી રહી હતી, પરંતુ તે સુધારો નજીવો જ હતો. 
વાર્ષિક ધોરણે-2019ના જુલાઈની સરખામણીમાં- આ વર્ષે જુલાઈમાં ઔદ્યોગિક ઉત્પાદનના ત્રણે મહત્ત્વના ઘટકો-ખાણકામ, મેન્યુફેક્ચરિંગ અને વીજળી-સંકોચાયા છે. જોકે, જૂન કરતાં ઓછા પ્રમાણમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના 23 પેટા ઘટકોમાંથી બે સિવાયના બધા વર્ષાનુવર્ષ ઘટાડો દર્શાવે છે. દવાઓની નિકાસ માગ તેમ જ સેનિટાઈઝર અને સુરક્ષાત્મક સાધનો માટેની માગ વધવાથી દવા ઉદ્યોગના ઉત્પાદનમાં 34 ટકાનો પ્રભાવશાળી વધારો થયો છે. જૂન મહિનામાં દવા ઉદ્યોગું ઉત્પાદન માત્ર 2.45 વધ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer