સરકારે કાંદાની નિકાસ ઉપર પ્રતિબંધ શા માટે લાદ્યો ?

નવી દિલ્હી, તા. 15 સપ્ટે. 
દેશભરનાં બજારોમાં કાંદાના સતત વધી રહેલા ભાવને નિયંત્રણમાં લેવા કાપેલી, સ્લાઈસ કરેલી કે પાઉડર સ્વરૂપમાં હોય તેના સિવાયની કાંદાની વિવિધ જાતોની નિકાસ ઉપર સરકારે સોમવારે તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદ્યો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ એક નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું છે કે અત્યાર સુધી કાંદાની નિકાસ મુક્ત હતી, તે હવે પ્રતિબંધિત છે. આ નોટિફિકેશન સંક્રમણકાલીન વ્યવસ્થાની જોગવાઈઓને લાગુ પડશે નહીં. 
કાંદાની નિકાસ ઉપર પ્રતિબંધ લાદવાનું કારણ દેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પુરવઠો ખોરવાયો હોવાનું છે, તે ઉપરાંત અૉગસ્ટમાં ભારે વરસાદથી કર્ણાટકમાં કાંદાનો મોટા ભાગનો પાક ધોવાઈ ગયો છે. આ પાક સપ્ટેમ્બરમાં બજારોમાં આવવાનો હતો. મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદને કારણે કાંદાના પાકને નુકસાન થયું છે, આને પગલે કાંદાની વધતી જતી માગ સામે પુરવઠો ઘટી રહ્યો છે. ઉપરાંત, શ્રીલંકા અને બાંગ્લાદેશ સહિતના અન્ય દેશો તરફથી સમગ્ર વર્ષ દરમ્યાન માગ રહેતી હોવાને કારણે સ્થાનિક બજારોમાં ભારે દબાણ સર્જાય છે. 
લાસલગાંવ બજારમાં માર્ચથી સપ્ટેમ્બર દરમ્યાન કાંદાના સરેરાશ ભાવમાં 100 ટકાનો વધારો નોંધાયો છે. નાશિકમાં નિફાડ જિલ્લામાં કાંદાના ભાવ આ જ ગાળામાં પ્રતિ ક્વિન્ટલ રૂા. 1500થી બમણા વધીને રૂા. 3000 થયા છે. 
ઉપરાંત, ફુગાવો વધ્યો હોવાનું કારણ પણ કાંદાની નિકાસ ઉપર પ્રતિબંધ માટે જવાબદાર છે. ફુગાવાનો દર જુલાઈમાં 6.73 ટકાથી ઘટીને 6.69 ટકા થયો હોવા છતાં રિઝર્વ બેન્કના 6 ટકાના લક્ષ્યાંક કરતાં ઘણો ઊંચો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer