મુંબઈ સહિતના શહેરો માટે કાંદાનો 500 ટનનો જથ્થો છુટો કરાશે

એજન્સીસ
નવી દિલ્હી, તા. 15 સપ્ટે.
મોટા શહેરોમાં કાંદાના ભાવમાં 50 ટકા જેટલો વધારો થવાથી કેન્દ્ર સરકારે અમુક શહેરોમાં ભાવ ડામવાના હેતુથી 500 ટન કાંદાનો જથ્થો છૂટો કરવાનો નિર્ણય કર્યો છે. આવતા અૉક્ટોબર અને નવેમ્બર મહિનાઓમાં તહેવારોની મોસમ સમયે કાંદાના ભાવ વધે નહીં તે માટે સરકારે વધુ પગલાં લેવાની યોજના ઘડી હોવાનું આ બાબત સાથે સંકળાયેલા ત્રણ અધિકારીઓએ જણાવ્યું હતું.
જે શહેરોમાં બફર સ્ટોકમાંથી કાંદાનો પુરવઠો થવાનો છે. તેમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા, હૈદરાબાદ, અમદાવાદ, પુણે અને ઇન્દોરનો સમાવેશ થાય છે. તે સાથે ઇશાન ભારત અને જમ્મુ - કાશ્મીરના અમુક સ્થળોએ પણ સ્ટોક પુરવઠો થશે, એમ તેમણે જણાવ્યું હતું.
ડિરેક્ટર જનરલ અૉફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ ગઇકાલે કાંદાની નિકાસ ઉપર તાત્કાલિક અમલમાં આવે તે રીતે પ્રતિબંધ મૂક્યો હતો. 
પ્રધાનોના આંતરિક જૂથે અમુક શહેરોમાં કાંદાના ભાવમાં તીવ્ર ઊછાળો થવાના પગલે બફર સ્ટોકમાંથી 500 ટન કાંદાનો પુરવઠો કરવાનો નિર્ણય લીધો હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. આ કાંદાનો પુરવઠો અમુક શહેરોમાં જ થશે, એમ તેમણે ઉમેર્યું હતું. 
જોકે, કાંદામાં ભાવ વધારો દેશમાં એક સમાન નથી, દિલ્હીમાં તેનો ભાવ 33 ટકા વધી કિલોએ રૂા.40 બોલાયો હતો. 
નિકાસમાં વધારો થવાથી કાંદાના ભાવમાં વધારો થયો હોવાનું એક કારણ છે. ગયા અૉગસ્ટ માસમાં કાંદાની નિકાસ 3 લાખ ટનની થઇ હતી જે ગયા વર્ષે સમાન ગાળામાં 1.26 લાખ ટનની થઇ હતી. કાંદાના ભાવ વધતાં સરકારે હસ્તક્ષેપ કર્યો છે એવો સંકેત આપવા માટે બફર સ્ટોકમાંથી 500 ટન કાંદા રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. 
ગયા અૉગસ્ટમાં મંડીઓમાં કાંદાના ભાવમાં 154 ટકાનો વધારો થયો હતો, જ્યારે સપ્ટેમ્બરમાં 200 ટકાનો વધારો નોંધાયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer