ઉંઝા માર્કેટ યાર્ડમાં સેસ કૌભાંડ

ઉંઝા માર્કેટ યાર્ડમાં સેસ કૌભાંડ
કેશ ઉઘરાવતા કર્મચારી દ્વારા ચેરમેન અને સેક્રેટરી સામે આક્ષેપો  
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 15 સપ્ટે. 
ઉંઝા માર્કાટિંગ યાર્ડ વિવાદમાં સપડાયું છે. યાર્ડમાં જણસી ઉપર ઉઘરાવવામાં આવતી કરોડોની સેસ બારોબાર મોકલી દેવાતી હોવાનો આરોપ ખુદ ઉંઝા માર્કાટિંગ યાર્ડમાં કેશ કલેકશન વિભાગમાં કામ કરતા એકાઉન્ટન્ટ દ્વારા લગાવવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. પૈસાની આવી હેરફેર માટે ચેરમેન અને સેક્રેટરી સામે આરોપો મૂકાતા ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે યાર્ડના સંચાલકો કહે છે કે આ આરોપો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. ગાંધીનગરમાં આ અંગે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને પૂછવામાં આવ્યું તો તેમણે આ મુદ્દાનો માધ્યમો મારફત ખ્યાલ આવ્યો છે. કશું હશે તો અમે તપાસ જરુર કરાવીશું એમ જણાવ્યું હતુ. 
કરોડોનું સેસ ચોરી કૌભાંડ થયાનો આરોપ લગાવનાર કેશ કલેક્શન વિભાગના કર્મચારી સૌમિલ પટેલનું કહેવુ છેકે, માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને સેક્રેટરીએ મને ચેમ્બરમાં બોલાવી સૂચના આપવામાં આવી હતી કે સેસની રકમ રોકડામા આવે તેમાં અમુક રકમ ચોપડે બતાવી બાકીની રકમ યાર્ડના ચેરમેન દિનેશભાઇના ખાસ માણસને આપી દેવી.  છેલ્લા દોઢ વર્ષમાં સેસની રકમ ચોપડે ન દર્શાવીને બારોબાર આપી દેવાઇ છે તેનો આંકડો આશરે રુ. 15 કરોડ જેટલો થાય છે તેવો આરોપ સૌમિલ પટેલે લગાવ્યો છે.  
જોકે આ અંગે અમે માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ નો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે સૌમિલ પટેલ ખુદ અંગત કેમેરા લગાવી, રેકોર્ડીંગ કરી રહ્યો હતો.  પોતે જ આ પ્રકારની પ્રવૃત્તિ કરતો હતો તેને અમે પકડી અને છેતરાપિંડીની ફરિયાદ પોલીસમાં આપી છે એ કારણે તે આમ કહી રહ્યો છે. વાસ્તવમાં  તેના આરોપમાં કોઈ તથ્ય નથી. જે રોકડની તે વાત કરે છે જેનો ઉપયોગ તો અમે વિવિધ સામાજિક પ્રવૃતિઓ પાછળ કરતા આવીએ છીએ માટે આરોપ સદંતર ખોટા છે. 
જોકે આ સામે સૌમિલ પટેલ કહે છે હું એવા ડરથી વિડિયો રેકોર્ડિંગ કરતો હતો કે ભવિષ્યમાં સેસની આ રકમની તમામ જવાબદારી પોતાના માથે આવી ના પડે. આ પ્રકારની લેતીદેતીના અનેક રેકોર્ડીંગ તેની પાસે મોજૂદ છે એટલે યાર્ડ દ્વારા તેના પર દબાણ કરાઇ રહ્યાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે.  જોકે હજુ આ માત્ર આરોપ છે પરંતુ હકીકત સામે આવે ત્યારે ખબર પડે કે ખરેખર આમાં કોણ કોણ સંડોવાયેલું છે અને આ આરોપ સાચા છે કે કેમ?  એ પણ તપાસનો વિષય છે.  
 છેલ્લા સવા વર્ષથી ઊંઝા એપીએમસીના ચેરમેન બદલાયા છે, નવા શાસકો આવ્યા છે. ઊંઝા માર્કાટિંગ યાર્ડ એશિયાનું સૌથી મોટું મસાલા માર્કેટ છે. અહીં જીરુ,વરિયાળી રાયડો, ઇસબગુલ સહિતની જણસી આવે છે અને પ્રત્યેક બોરી ઉપર માર્કાટિંગ યાર્ડ 40 રૂપિયાની સેસ ઉઘરાવે છે અને આ રકમ માર્કેટીંગ યાર્ડના વિકાસ માટે અને ખેડૂતના હિતમાં વાપરવામાં આવે છે. 
સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ કહે છે કે 'ખોટા આરોપ લગાવનાર કર્મચારી સૌમિલ પટેલ સતતવિવાદોમાં જ રહ્યો છે અને અલગ-અલગ જગ્યાએ અમે તેની ફરિયાદ પણ કરી છે એટલે તેના આરોપમાં કોઈ દમ નથી. માર્કેટીંગ યાર્ડના ચેરમેન દિનેશ પટેલનો અને સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેઓ  મળી નહોતા શક્યા. જોકે આ આરોપો સાચા પુરવાર થાય તો માર્કાટિંગ યાર્ડના ક્ષેત્રમાં અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ પૂરવાર થશે,. 
ખેડૂતોના હિતમાં કામ કરતી સરકાર જ્યારે આખા પ્રકરણની તપાસ કરશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે તેમ કહેવાય, બાકી ત્યાં સુધી તો આરોપ અને પ્રતિઆરોપ જ છે પરંતુ ઊંઝા માર્કાટિંગ યાર્ડ વિવાદોમાં આવ્યું છે ત્યારે સરકાર પણ આમાં ઊંડી ઉતરશે તેવું એવું લાગે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer