ટિમ્બરની આયાતમાં 40 ટકાનો જંગી ઘટાડો ચિંતાજનક

ટિમ્બરની આયાતમાં 40 ટકાનો જંગી ઘટાડો ચિંતાજનક
કોરોના સંક્રમણની કચ્છના આ મહત્ત્વના ઉદ્યોગને વ્યાપક અવળી અસર 
ઉદય અંતાણી 
ગાંધીધામ, તા.15 સપ્ટે. 
છેલ્લા છ મહિનાથી કોરોના વાયરસના સંક્રમણે સમગ્ર વિશ્વને અજગરી ભરડામાં લીધું છે. હજુ પણ  કયાં સુધી આ પરિસ્થિતિ ચાલશે તે પણ કહેવું મુશ્કેલ છે. કોરોનાની  અસર  કચ્છમાં આયાત થતા ટિમ્બર ઉપર પણ  વ્યાપક  પડી છે.  કંડલા અને મુન્દ્રા બંદરેથી  થતી  ટિમ્બરની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઓછી આયાત અને શ્રમિકોની તંગી, પરિવહનના ભાડામાં થયેલો જંગી વધારો સહિતની પરિસ્થિતિના કારણે એશિયાના સૌથી મોટા આ ઉદ્યોગને 18 ટકા જીએસટીની માર ઉપરાત વધારાનો મોટો આર્થિક ફટકો હાલ સહન કરવો પડયો છે. નાણાકીય વર્ષના અંતમાં કચ્છના બંદરો ઉપર થતી ટિમ્બરની આયાતમાં 30 થી 40 ટકાનો મોટો ઘટાડો નોંધાશે.   
કચ્છમાં કંડલા અને મુન્દ્રા બંદરેથી પ્રતિ વર્ષ 35 થી 36 લાખ કયુબીક મીટર   ટિમ્બર આયાત થાય છે. કચ્છમાં  ગાંધીધામ, ભચાઉ, અંજાર, મુન્દ્રા આ ચાર તાલુકાને ટિમ્બર ઝોન તરીકે  જાહેર કરાયા છે. જેના કારણે સેકડો સો મિલ અને પ્લાયવુડ  એકમોમાં હજારો શ્રમિકો  સીધી અને આડકતરી રીતે  રોજગારી મેળવી રહ્યા છે.   લોકડાઉન બાદ અનલોકના  ચાર તબક્કામાં ગાંધીધામથી દેશના શહેરોમાં  લાકડાના જથ્થાનું પરિવહન પણ શરૂ થઈ ગયું છે.  
કંડલા ટિમ્બર એસોસિએશનના પ્રમુખ નવનીત ગજ્જરના જણાવ્યા પ્રમાણે સમગ્ર વિશ્વમાં કોરોના કાળના કારણે કંડલા અને મુન્દ્રા બંદરેથી  થતી આયાતમાં 40 થી 50 ટકાનો ઘટાડો થયો છે. લેટીન અમેરિકા, આક્રિકા, કેનેડા અને યુરોપના દેશોમાંથી મુન્દ્રા બંદરે મહીને4500 થી પાંચ હજાર કન્ટેઈનરો આવતા હતાં. કોરોના ઈફેકટના કારણે   આ કન્ટેનરોની સંખ્યા ઘટીને 2500 થી 3000 જેટલી  થઈ ગઈ છે. છેલ્લા ત્રણેક મહિનાથી આ પરિસ્થિતિ હોવાનું તેમણે ઉમેર્યું હતું. 
એજ રીતે કંડલા બંદરે પણ આયાતી ટિમ્બરના કન્સાઈન્મેન્ટમાં  30 થી 40 ટકા જેટલો ઘટાડો થયો છે.   સામાન્ય દિવસોમાં કંડલા અને મુન્દ્રા બંદરેથી  મહીને 3 લાખ કયુબિક મીટર  ટિમ્બર આયાત થતું હતું. હાલ  ત્રણેક મહીનાથી દોઢથી બે લાખ કયુબિક મીટર જેટલી આયાત થતી હોવાનું તેમણે ઉમેર્યું હતું. હજુ પણ   આગામી 6 મહીના સુધી આ  પરિસ્થિતિ રહેવાનો અંદાજ હોવાનું જણાવી   દર વર્ષની સરખામણીમાં આ  વર્ષે પ થી 6 લાખ કયુબિક મીટર ટિમ્બરની આયાત ઓછી થવાની શકયતા વ્યકત કરી હતી. હાલ માલની અછત  છે અને માંગ પણ વધી રહી છે ત્યારે  લાકડાના ભાવભાં 10 થી 15 ટકા જેટલો વધારો થયો છે જેના કારણે   18 ટકા જીએસટીની માર વચ્ચે રોકાણમાં પણ વધારો થઈ ગયો છે. 
કન્ટેનરો અને  40 ફુટના  ટિમ્બરની આયાત ઘટતા પરિવહના ભાડા પણ વ્યાપક વધ્યા છે. અગાઉ મુન્દ્રાથી મોરબીનું ભાડુ રૂા. 10 થી 15 હજાર હતું તે વધીને રૂા. 25,000 જેટલું થઈ ગયું છે. રાજકોટ, અમદાવાદ , વાપીના ભાડા તો આનાથી પણ વધુ હશે. આ ઉપરાંત મુન્દ્રાથી ગાંધીધામના ભાડા પણ  વધ્યા છે.  આયાત ઘટતા ટીમ્બર પરિવહનમાં સંકળાયેલા અનેક ટ્રેઈલરોના પૈડા પણ થંભી ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.  લોકડાઉન બાદ વતન ચાલી ગયેલા 50 ટકા શ્રમિકો હજુ સુધી આવ્યા નથી. હાલ સો મિલોમાં કામ ચાલુ છે ત્યારે શ્રમિકોની અછતના કારણે પણ ભારે મુશકેલી પડી રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer