સોનાના ભાવ આસમાને છતાં ઓગષ્ટમાં આયાત બમણી

સોનાના ભાવ આસમાને છતાં ઓગષ્ટમાં આયાત બમણી
નવી દિલ્હી, તા. 15 સપ્ટે. 
સોનાના સ્થાનિક  ભાવ આસમાને ગયા હોવા છતાં તહેવારોની માગની આશાના સહારે ઓગષ્ટ મહિનામાં સોનાની આયાત બમણી થઇ ગઈ હતી એમ સરકારી સૂત્રોએ જણાવ્યું છે.   
તહેવારોની મોસમની શરૂઆત થવાથી ગયે મહિને સોનાની આયાત 35.5 ટન થઇ હતી, જે ગયા વર્ષના ઓગષ્ટમાં 14.8 ટન હતી, એમ સરકારની અંદરનાં જાણકાર સૂત્રોએ કહ્યું હતું. નાણાંખાતાના પ્રવક્તા રાજેશ મલ્હોત્રાએ આ વિશેની પૃચ્છાનો જવાબ આપ્યો ન હતો. આ વર્ષના જુલાઈ મહિનામાં સોનાની આયાત 25.5 ટન  હતી.  
આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિનામાં સોનાની આયાત વર્ષાનુવર્ષ 80 ટકા ઘટી ગઈ હતી. ત્યાર બાદ કોરોનાને કારણે આર્થિક પ્રવૃત્તિઓ અને માલની હેરફેર પરનાં નિયંત્રણો ક્રમશ: હળવાં કરાતાં સોનાની આયાતમાં પણ સુધારો જોવાયો હતો. થોડાં જ સપ્તાહમાં દિવાળીના તહેવારો અને  લગનસરાની શરૂઆત થવામાં છે. આ તહેવારોમાં સોનાની માગ સામાન્ય રીતે સૌથી વધુ હોય છે, કેમ કે તે વખતે સોનુ ખરીદવું અને ભેટ આપવું શુકનિયાળ મનાય છે.    
આમ છતાં સોનાના ભાવ વિક્રમ સપાટીએ પહોંચ્યા છે અને આ વર્ષે દેશની રાષ્ટ્રીય આવકમાં ચાર દાયકામાં પ્રથમ વાર ઘટાડો થવાનો સંભવ છે ત્યારે સોનાની માગ બહુ વધી જવાની શક્યતા ઓછી હોવાનું મનાય છે.   
`બજારમાં સખત નાણાભીડ છે અને ભાવ પણ ખૂબ ઊંચા છે એટલે ગ્રાહકો તેમની ખરીદી મર્યાદિત કરી નાખે તેવો સંભવ નકારી શકાય નહિ`, એમ ઇંડિટ્રેડ ડેરિવેટીવ્ઝના હરીશ ગલ્લીપેલ્લીએ જણાવ્યું હતું. `હવે આગળ ઉપર આયાતમાં વધુ વધારો થાય એમ મને લાગતું નથી,` એમ તેમણે ઉમેર્યું હતું.      
સોનાનું વેચાણ સામાન્ય વેચાણના 15 ટકાથી સુધારીને 20 ટકા જેવું થયું છે, પરંતુ હાલ ચાલતો શ્રાદ્ધપક્ષ સોનુ ખરીદવા માટે અપશુકનિયાળ મનાય છે, એમ ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના પ્રમુખ એન. અનંત પદ્મનાભને જણાવ્યું હતું. ઓક્ટોબરની મધ્યમાં નવરાત્રી સુધી ઘરાકીમાં જોર આવવાની શક્યતા નથી, એમ તેમણે કહ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer