વૈશ્વિક સોનું નરમ, સ્થાનિકમાં ધીમો સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 20 નવે.
કોરોના વેક્સિનની ટ્રાયલમાં સફળતા હાંસલ થઇ રહી હોવાના સ્પષ્ટ સંકેતો વહેતા થતા સોનાની તેજીમાં પંકચર પડી ગયું છે. સળંગ બીજા સપ્તાહમાં સોનાનો ભાવ વૈશ્વિક બજારમાં નરમ પડી ગયો છે. આ લખાય છે ત્યારે ન્યૂયોર્કમાં 1865 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ સોનું રનીંગ હતુ. ચાંદી પણ ઘટીને 24.17 ડોલરના સ્તરે હતી. 
અમેરિકી ટ્રેઝરી વિભાગે પણ ઇમરજન્સી લોન પ્રોગ્રામ અટકાવી દીધો છે એટલે સોના પર નકારાત્મક અસર થઇ છે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્ટિવન નૂચિને અમેરિકી ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલને લખેલા પત્રમાં એવું જણાવ્યું છેકે, 455 અબજ ડોલર કે જે ટ્રેઝરીને માટે ફાળવવામાં આવ્યા છે તે કોંગ્રેસને રિએલોકેશન માટે આપવામાં આવે. આ ટિપ્પણી પછી વૈશ્વિક શેરબજારોમાં કડાકા બોલી ગયા હતા. ફેડરલ રિઝર્વ જો આસ્ટિસ્ટન્સ પ્રોગ્રામ સંકોચી લે તો સોના માટે નકારાત્મક સમાચાર ગણાશે.  
વિશ્લેષકો કહે છે, સોનામાં તેજી માટેનું એક જ કારણ હવે આવી શકે છે એ સ્ટિમ્યુલસ પેકેજનું હશે. જ્યાં સુધી સરકાર આવું કોઇ પેકેજ જાહેર ન કરે ત્યા  સુધી કોરોના વેક્સિન અને ડોલર જેવા મંદીના કારણ અસર કરશે. આવા સંજોગમાં સોનાનો ભાવ એક તબક્કે 1800 ડોલર સુધી પહોંચે તેવી પણ શક્યતા છે. 
ઓક્સફર્ડ યુનિવર્સિટી અને અસ્ટ્રાજેન્કા દ્વારા કોરોના વેક્સિનના પરિણામોમાં એવું ફલિત થયું છેકે તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ઉમર લાયક લોકો અને ખાસ તો વયોવૃધ્ધ લોકોને પણ તેની સારી અસર થઇ છે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રુ. 150ના સુધારામાં રુ. 52150 અને મુંબઇમાં રુ. 63 વધતા રુ. 50407 હતો. ચાંદી રાજકોટમાં એક કિલોએ રુ. 550 વધી રુ. 62350 અને મુંબઇમાં રુ. 522 વધતા રુ. 62027 હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer