જીરુંમાં 20 લાખ ગૂણી પુરાંત રહેવાની ધારણા, ઇસબગુલમાં સ્ટોકની વેચવાલી

વરિયાળીમાં 3 લાખ ગૂણી કેરીઓવર થવાની સંભાવના
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 20 નવે. 
ઊંઝા બજાર ખાતે  કામકાજોનો પ્રારંભ થઇ ગયો છે.  પરંતુ ખાસ વેપારના અભાવે બજાર સુસ્ત રહ્યા હતા. હવે શિયાળુ વાવેતર શરૂ થઇ ગયા છે. જીરામાં વાવેતર વધવાની ધારણા છે, તો સામે 20 લાખ બોરી કેરીઓવર રહેવાનો અંદાજ છે. વરિયાળીમાં પણ 3 લાખ બોરી કેરીઓવર થવાની શક્યતા હોવાથી આગળ જતા તેજી થવાની શક્યતા સેવાતી નથી. ઇસબગૂલમાં વાવેતર વધવાની શક્યતાએ ખેડૂતો અને સ્ટોકિસ્ટોની પક્કડ ઢીલી થતી જાય છે.  વિદશી ગ્રાહકો વેઇટ એન્ડ વોચ કરી રહ્યા છે. તલમાં નવા માલની આવકોનો પ્રારંભ થઇ ગયો છે. 
ઊંઝા બજારમાં જીરામાં સાતથી આઠ હજાર બોરીઓની આવકો ચાલુ થઇ ગઇ છે. તો સામે સ્ટોકિસ્ટોની વેચવાલી પણ ચાલુ છે. હાલમાં નવ હજાર બોરીના વેપાર થાય છે. જીરામાં હલકી ગુણવત્તાવાળા માલના રૂ. 2300, મીડિયમ માલના રૂ. 2450 અને સારા માલના રૂ. 2500થી 2600 તેમજ બોલ્ડ માલના રૂ. 2700 ચાલી રહ્યા છે. જીરામાં વાવેતર પર ધારણા અનુસાર કાપ મૂકાવાની શક્યતા વેપારીઓ જોતા નથી. તેમાં કદાચ 15થી 20 ટકા કપાત થાય તો સામે 20 લાખ બોરીનો સ્ટોક કેરીઓવર થશે તેથી ભાવ ઊંચકાવાની શક્યતા દેખાતી નથી.  
વરિયાળીમાં જનરલ ભાવ રૂ. 1000થી 1800 ચાલી રહ્યા છે. જ્યારે આબુ  રોડની વરિયાળીના રૂ. 2400થી 3300 ચાલી રહ્યા છે.  આવકો નહીવત હોવાથી સ્ટોકના માલના  બેથી અઢી હજાર બોરીના વેપાર થાય છે. નવા માલના ભાવ પણ રૂ. 2700ની આસપાસ રહેવાની ધારણા સેવાઇ રહી છે.  
ઇસબગૂલમાં બજાર ટકેલી છે. તેના ભાવ હાલમાં રૂ. 2350થી2500 ચાલી રહ્યા છે. ઇસબગૂલમાં વાવેતર વધવાની ધારણાએ અને ભાવ ટૂંકાગાળામાં રૂ. 60થી 70 ઘટતા જે લોકોએ માલ સંગ્રહી રાખ્યો હતો તે વેચવા માંડ્યા છે. ઇસબગૂલમાં વિદેશી ગ્રાહકો હજુ પણ ભાવ ઘટવાની રાહ જોઇ રહ્યા છે. રાજસ્થાનમાં બાડમેર જીલ્લામાં ઝાલોર સાઇડ ઇસબૂગલનું વાવેતર વધુ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.  
રાયડામાં હજુ બજાર ટાઇટ છે,ભાવ રૂ. 1100 ચાલી રહ્યા છે. એરંડામાં પણ રૂ. 875થી 900નો ભાવ ચાલી રહ્યો છે. તલમાં હાલમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી નવા તલની આવકો શરૂ થઇ ગઇ છે. તલના હલકા માલના રૂ. 1600થી 1700, મીડિયમના રૂ. 1800 અને સારા માલના રૂ. 2000થી 2100 ચાલી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer