સૌરાષ્ટ્રમાં ધંધા-રોજગાર-યાર્ડ ફરી ધમધમ્યાં

મગફળી-કપાસની આવકથી છલકાતાં યાર્ડ - કાપડ, રેડીમેડ, સોની બજાર, અૉફિસો વગેરે સ્થળોએ કામકાજની શરૂઆત
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 20 નવે.
લાભપાંચમના શુભ દિવસથી તમામ ધંધા-રોજગાર અને સૌરાષ્ટ્રના યાર્ડ ધમધમતા થઇ ગયા છે. જોકે ખૂલતામાં સપ્તાહાંત નજીક આવી જતા હવે સોમવારથી બજારમાં ફરી ધમધમાટ થશે. અગાઉ દિવાળીના શુભ મુહૂર્તમાં સોદા આટોપાયા બાદ તમામ વેપારી, ઉદ્યોગ જગત, ખેડૂતો મીની વેકેશન જેવા રજાના માહોલમાં હતા. હવે ફરી નવા ઉત્સાહ સાથે વેપારમાં જોતરાઇ ગયા છે. 
લાભપાંચમથી તમામ ધંધામાં  નવેસરથી શરુઆત કરવા માટેના મુહૂર્ત થયા હતા. કોરોનાના કહેર વચ્ચે ધંધા ફરીથી પાટે ચડી રહ્યા છે ત્યારે નવા વર્ષમાં સારાવાના થાય તેવી પ્રાર્થના દરેક વેપારીઓએ કરી હતી. 
 યાર્ડો ખૂલી જતા મગફળી અને કપાસની ચિક્કાર આવક હતી. કપાસની આવક સવા લાખ મણ સુધી પહોંચી છે જ્યારે મગફળી ફરીથી એકથી સવા લાખ ગુણી વચ્ચે ઠલવાવા લાગી છે. ગોંડલ અને રાજકોટમાં લાભપાંચમે ખૂબ આવક થયા પછી નવી આવકો બંધ કરી દેવામાં આવી છે.  
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ગુરુવારે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સૌથી ઊંચા ભાવે રૂ.1485માં મગફળી  વેચાઈ હતી. એ કારણે યાર્ડમાં મગફળીની આવક વધી છે. ગુરુવારે 20 હજાર ગુણી મગફળીની આવક થતાં નવી આવક માટે પ્રવેશ બંધી કરવામાં આવી છે. 
ઉલ્લેખનીય છેકે દિવાળી અગાઉ ખેડૂતોને પૈસાની જરુરિયાત હતી એ કારણે મગફળી અને કપાસની ધૂમ વેચવાલી આવી રહી હતી. જોકે હવે પૈસાની જરુરિયાત સંતોષાઇ ગઇ છે અને પૂરતી ખરીદી પણ કરી લીધી છે એટલે હવે ખેત પેદાશોની આવક ઘટશે તેમ વેપારીઓ કહે છએ.  
દિવાળી પૂર્વે કપડાં બજાર અને સોની બજારોમાં રોનક હતી. હૈયે હૈયુ દળાય તેટલી ભીડ હતી પણ હવે આ બજારોમાં મુહૂર્ત થયા પછી કાગડાં ઉડતા હોય તેવો માહોલ રહેશે. કારણકે લોકોએ દિવાળીમાં ધૂમ ખરીદી કરી લીધી છે. બીજી તરફ સોનું ખરીદવા ધનતેરસે લોકો ઉંચા ભાવ ચૂકવીને પણ જતા હતા એ પછી અત્યારે સોનું સસ્તું થયું છે પણ લેનારા બહુ ઓછાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer