અમદાવાદમાં 1700 લગ્નો અટકી પડશે

અમદાવાદમાં 1700 લગ્નો અટકી પડશે
આયોજકોની સરકારને છૂટછાટ માટે વિનંતી : રાત્રિ કર્ફ્યુથી ડિસેમ્બરનાં લગ્નો સવારે લેવાં પડશે 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ,તા.20 નવે.
સરકારે દિવાળીના તહેવારોમાં કોઇ નિયંત્રણ મૂક્યાં નહીં, પરિણામે કોરોના સંક્રમણના કેસોમાં વિક્રમી વધારો થયો છે અને હવે વિક એન્ડમાં કર્ફ્યૂનો અમલ થતા અમદાવાદમાં શુભમુહૂર્તમાં 1700 જેટલા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તે રદ્દ કરી દેવામાં આવ્યું છે. લગ્ન ઇચ્છુક પરિવારોએ પાર્ટી પ્લોટમાં ભરેલી ડિપોઝીટ પાછી લેવા સંચાલકો પર દબાણ શરૂ કર્યું છે. જે પરિવારોએ લગ્નહોલ બુક કરાવ્યા હતા તે પરિવારો ફસાઇ ગયા છે. ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ, મંડપવાળા, કેટરીંગ તથા સંગીતના આયોજનો કરી આપતા લોકોએ સરકાર સમક્ષ છૂટછાટ આપવાની માગ કરી છે. અલબત્ત સરકાર તરફથી હજુ કોઇ પ્રત્યુત્તર આવ્યો નથી. 
અમદાવાદના સોલા ભાગવતમાં કેટલાક લગ્ન પ્રસંગ યોજવાના હતા તે પણ શનિવાર અને રવિવારે બંધ કરી દેવા પડ્યાં છે. જે પરિવારોએ એડવાન્સ રકમ આપી છે તેમની હાલત કફોડી બની છે. અમદાવાદના કેટલાક પાર્ટીપ્લોટ સંચાલકોએ ડિપોઝીટની રકમ આપવાનો પણ ઇન્કાર કરી દીધો છે. એકલા અમદાવાદમાં 22 નવેમ્બર થી 24 નવેમ્બર સુધી 1700 જેટલા લગ્ન સમારંભોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન રદ્દ કરવાથી ઇવેન્ટ મેનેજરો તેમજ પરિવારોને મોટું નુકશાન થયું છે. બે દિવસ સંપૂર્ણ કર્ફ્યૂ હોવાથી લગ્ન સમારંભ થઇ શકશે નહીં.  માંડ માંડ રોજગાર મળ્યો તેમાં કર્ફ્યુ આવતા સ્થિતિ કફોડી બની છે. 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સોમવાર થી અનિશ્ચિત મુદ્દત સુધી રાત્રીના નવ થી સવારના છ સુધી કર્ફ્યૂ લાદી દીધો છે પરિણામે નવેમ્બર અને ડિસેમ્બરના રાત્રીના લગ્ન પણ રદ્દ કરવા પડે તેમ છે. અમદાવાદમાં દિવાળીના તહેવારોની સજા લગ્ન ઇચ્છુક પરિવારો ભોગવી રહ્યાં છે. સાથે જ ઠંડી વધવાને કારણે પણ કોરોનાના કેસો વધશે તેવું જાણકારો કહે છે એટલે આમ પણ તહેવારોના કારણે સંક્રમણમાં વધારો થયો અને તેની સાથે હવે ઠંડીના કારણે તેમાં ઉમેરો થશે, એટલે તેને અટકાવવા તમામ પ્રકારના પગલા જરૂરી બન્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer