સુરતની 80 ટકા કાપડ માર્કેટોમાં ધમધમાટ

સુરતની 80 ટકા કાપડ માર્કેટોમાં ધમધમાટ
પ્રથમ વખત દિવાળી વૅકેશન ટૂંકુ રહ્યું : લગનસરાં, ક્રિસમસ અને પોંગલની ખરીદીનો બજારમાં કરંટ  
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 20 નવે. 
કોરોનાને કારણે માર્ચથી જૂન માસ દરમ્યાન કાપડમાર્કેટો બંધ રહ્યા બાદ દિવાળી સુધરી હતી. વેપારમાં આવેલો સુધારો દિવાળી વેકેશન બાદ ખુલતામાં પણ જોવા મળી રહ્યો છે. પ્રથમ વખત દિવાળી વેકેશન ટૂંકુ રહ્યા બાદ ગુરુવારથી 80 ટકા કાપડ માર્કેટ પૂરા ઉત્સાહ સાથે ખુલી છે અને સોમવાર સુધીમાં તમામ માર્કેટો રાબેતામુજબ શરૂ થઇ જશે તેવી આશા વેપારીઓએ વ્યક્ત કરી છે. 
સામાન્ય રીતે કાપડ માર્કેટોમાં દિવાળી વેકેશન એકાદ સપ્તાહનું રહેતું હોય છે. કોરોનાને કારણે અગાઉ પણ દુકાનો લાંબો સમય બંધ રહી હોવાથી આ વખતે વેપારીઓ દિવાળી વેકેશન લાંબુ પાડવાના મૂડમાં ન હતા. દિવાળી તહેવારના એક મહિના અગાઉથી જ બજારમાં ખરીદીનો કરંટ રહેતા મોટાભાગનાં વેપારીઓ ત્રણ થી ચાર દિવસનું જ દિવાળી વેકેશન પાડ્યું છે.  
સુરત મર્કેન્ટાઇલ એસોસીએશનનાં પ્રમુખ નરેન્દ્ર સાબુ કહે છે કે, બજારમાં ખરીદીનો કરંટ છે. વેપારીઓનો ઉત્સાહ જોવા મળ્યો છે. દિવાળી અગાઉ લો રેન્જની પ્રિન્ટ સાડી-ડ્રેસમાં ડિમાન્ડ હતી. હવે, લગ્નસરાની સીઝન શરૂ થતાં બહારગામના વેપારીઓએ હેવી રેન્જની ખરીદી શરૂ કરી છે. હેવી ડાઇંગ અને વર્કમાં ડીમાન્ડ છે. જેથી આગામી દિવસોમાં જોબવર્ક કરનારાઓને મોટા કામ મળી રહેશે. જો કે, આ સાથે થોડી ચિંતા પણ છે જે પ્રકારે કોરોનાના કેસની સંખ્યા વધી છે તે જોતાં સરકારે અમદાવાદમાં કેટલાક નિયંત્રણો લાદ્યા છે. સુરતમાં પણ કોઇ નિયંત્રણ લાદવામાં આવે તો વેપારને અડચણ આવી શકે છે. અમે આશા રાખીએ છીએ કે સુરતમાં કોરોનાનો ફેલાવો અટકે અને વેપારની ગાડી પૂરપાટ દોડે. 
ફોસ્ટાનાં ડાયરેક્ટર રંગનાથ શારડા કહે છે કે, દિવાળીનાં તહેવારોમાં બજારમાં રોનક રહેતાં વેપારીઓનો ઉત્સાહ વધ્યો છે. લગ્નસરા, ક્રીસમસ અને પોંગલની ખરીદી કાપડમાર્કેટોમાં શરૂ થતાં વેપાર સુધરશે. અમારું માનવું છે કે, કાપડમાર્કેટોને રાબેતામુજબ થતાં એકાદ સપ્તાહનો સમય લાગશે. કેટલાક વેપારીઓ દિવાળીના તહેવારોની ઉજવણી કરવા વતન ગયા હોવાથી સુરત પરત ફર્યા નથી. સપ્તાહના અંતિમ દિવસોમાં વેપારીઓ 5રત ફરે તેમ છે. આગામી સપ્તાહથી કામકાજ સુધરશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer