કર્ફ્યુથી આર્થિક પ્રવૃત્તિઓને ફરી ફટકો પડશે

કર્ફ્યુથી આર્થિક પ્રવૃત્તિઓને ફરી ફટકો પડશે
સરકાર દિવાળીના તહેવારમાં બજારોમાં લોકોને નિયંત્રિત કરવામાં થાપ ખાઇ ગઇ  
અનિલ પાઠક 
અમદાવાદ.તા. 20 નવે. 
ઉત્સવપ્રિય ગુજરાતની પ્રજા અને એટલી જ ઉત્સવપ્રિય ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર તહેવારોની પરિસ્થિતિમાં મગ્ન થઇ જતાં સોમવાર સુધી અમદાવાદમાં જનતા કફર્યુ લગાવવો પડયો છે  અને પરિણામ સ્વરૂપ છેલ્લા બે મહિનાથી પાટે ચડેલી આર્થિક પ્રવૃત્તિઓને પુન: ફટકો પડયો છે. 
અમદાવાદની આ પરિસ્થિતિમાં રાજ્યના આર્થિક પાટનગરમાં ત્રણ દિવસનો બંધ વ્યાપાર- ધંધાને કરોડો રૂપિયાનું નુકસાન કરશે. અમદાવાદના બજારોમાં આ લગ્નગાળાની સીઝનમાં ખરીદી કરવા આવનારા 50 હજારથી 1 લાખ લોકો 3 દિવસ નહી આવે એટલે તમામ મોટા બજારો ખાસ કરીને ટેક્ષટાઇલ્સ, જ્વેલરીમાં ધીરે ધીરે ગોઠવાયેલી ઘરાકી હાલ પુરતી બંધ થઇ જશે. 
રાજ્ય સરકારે લગ્ન સમારંભમાં 200 મહેમાનોની મંજુરી આપતાં એકલા અમદાવાદમાં જ મોટી સ્ટાર હોટેલો બુક થઇ ગઇ છે પરંતુ આ પરિસ્થિતિમાં હવે હોટલો વાળા અને જેમણે લગ્નો માટે લાખ્ખો રૂપિયા ખર્ચી બુકીંગ કરાવ્યા છે તેવા લોકો ઘાંઘા થઇ ગયા છે. આ પરિસ્થિતિમાં શું થશે તે કહેવું ખૂબ જ કઠીન છે. 
બીજી બાજુ કોરોનાની ઝંપટમાં આવી ગયેલા લોકો સારી ખાનગી હોસ્પિટલોમાં દોડાદોડી કરી રહ્યા છે. કેટલાંક ખાનગી સર્વિસીસ ચલાવતા આયોજકોને તડાકો પડી ગયો છે. સોશિયલ ચાર્જીસ લઇ તેઓ આ પરિસ્થિતિનો મોટો આર્થિક લાભ લઇ રહ્યા છે. રાજ્ય સરકારે પરિસ્થિતિનો તાગ કાઢવા તાબડતોબ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અને અન્ય વ્યાપારી અગ્રણીઓ સાથે ઝુમ મીટીંગ શરૂ કરી છે કારણકે સરકાર દિવાળીના તહેવારમાં શહેરના મોટા બજારોમાં લોકોને નિયંત્રિત કરવામાં થાપ ખાઇ ગઇ છે. 
કેટલાક અગ્રણીઓનું માનવું છે કે બે ચાર દિવસમાં બધુ ઠેકાણે પડી જશે અને ધંધા રોજગાર પુન: ધબકતા થઇ જશે. હવે જોવાનું એ રહ્યું કે કોણ સાચુ પડે છે. 
દિવાળીના તહેવારમાં બહાર ઉપડી ગયેલા લોકો તાબડતોબ પરત ફરી  રહ્યા છે. જો કે વેકેશનમાં મોટા રીસોર્ટસવાળી અને એરલાઇન્સ વાળા અને ટ્રાવેલ કંપનીઓને ડબલ નફો થયો છે અને આમા ઉત્સવપ્રિય ગુજરાતીઓને અને સરકારને સહન કરવું પડી  રહ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer