ક્રૂડ પામતેલના ભાવમાં તીવ્ર વધારો

ક્રૂડ પામતેલના ભાવમાં તીવ્ર વધારો
મેંગલોર, તા. 20 નવે.
લોકડાઉન પછીના સમયમાં ક્રૂડ પામતેલના ભાવ વાયદામાં 60 ટકા અને હાજરમાં પચાસ ટકા જેટલા વધી ગયા છે.
એમસીએક્સ પર સીપીઓ વાયદો 7 મેના રોજ રૂા. 572.40 બંધ રહ્યો હતો, જે 14 નવેમ્બરે રૂા. 918 બોલાયો હતો. એમસીએક્સ હાજર બજારમાં સીપીઓનો ભાવ તે સમયગાળામાં 10 કિલોના રૂા. 606.8થી વધીને રૂા. 916 થયો હતો.
એનાલિસ્ટ શુભ્રનીલ ડે કહે છે કે આ વર્ષે તેલીબિયાં અને ખાદ્ય તેલોએ સ્થાનિક તેમ જ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના કરતાં પણ વધારે વળતર આપ્યું છે. કોરોના મહામારીથી મલયેશિયાના પુરવઠામાં ખાંચરો, દક્ષિણ અમેરિકામાં સૂકું હવામાન અને ખોરાકનો સંગ્રહ કરવાની ચીનની ભૂખ જેવાં અનેક કારણોએ ખાદ્યતેલોની તેજીમાં ઈંધણ પૂરવાનું કામ કર્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ પામતેલના ભાવ વધવા માટે મુખ્યત્વે ઉત્પાદન ઘટાડાને જવાબદાર ગણાવાય છે. સિંગાપોર સ્થિત પામ અૉઈલ  એનાલિટિક્સના નિષ્ણાત સાથિયા વારકાએ એક અૉનલાઈન કૉન્ફરન્સમાં કહ્યંy કે, આ વર્ષના પ્રથમ નવ મહિનામાં ક્રૂડ તેલના ઉત્પાદનમાં ઈન્ડોનેશિયામાં 5.5 ટકાનો અને મલયેશિયામાં 4 ટકાનો ઘટાડો થયો હતો. મલયેશિયામાં લાંબા સમય સુધી સૂકું હવામાન, ગયા વર્ષ કરતાં ખાતરનો ઓછો વપરાશ અને કામદારોની સમસ્યાને લીધે ઉત્પાદન ઘટયું હતું. ઓક્ટોબરમાં મલયેશિયામાં ક્રૂડ પામતેલનું ઉત્પાદન 7.75 ટકા ઘટીને 17.4 લાખ ટન થયું હતું.
જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસિસના એનાલિસ્ટ ટીપી વિનોદે કહ્યું કે, માલખેંચ દરમિયાન તહેવારોની માગ નીકળવાથી તેજીને ટેકો મળી ગયો હતો. મલયેશિયામાં માલની અછત હતી ત્યારે ક્રૂડ પામતેલની નિકાસમાં વધારો થવાથી ક્રૂડ પામતેલના ભાવ મજબૂત થઈ ગયા હતા અને બીએમડી (બુર્સા મલયેશિયા ડેરિવેટિવ્ઝ) પર મલયેશિયન પામતેલ વાયદો આઠ વર્ષની ટોચ પર પહોંચ્યો હતો.
વારકાએ કહ્યંy કે, યુક્રેઈનનો નબળો પાક અને ભારતની સતત માગને કારણે અૉગસ્ટ અને સપ્ટેમ્બરમાં સૂર્યમુખી તેલના ભાવ વધી ગયા હતા. સૂર્યમુખી તેલ મજબૂત થઈ જતાં ક્રૂડ પામતેલની તેજીને જોમ મળ્યું હતું અને તેના હાજર તથા વાયદાના ભાવ ઉંચકાઈ ગયા હતા.
જો કે હવે આ મહિને શિયાળો બેસવાથી માગ ઠંડી પડી રહી છે. અને ભાવ ઢીલા પડવાની સંભાવના છે, એમ વિનોદે કહ્યું હતું. `એમસીએકસ ઉપર નવેમ્બરમાં ક્રૂડ પામતેલમાં વેચવાલી 
નીકળીને પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળે તેવો સંભવ છે. ભાવ બેતરફી વધઘટમાં રૂા. 830-950ની વચ્ચે ફરતા રહેશે તેવો અમારો અંદાજ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ પામતેલના ભાવ ટન દીઠ 2900-3200 રિંગીટ વચ્ચે રહેવાની અમારી ધારણા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer