મોટાં ઔદ્યોગિક ગૃહોને બૅન્ક સ્થાપવા દો

મોટાં ઔદ્યોગિક ગૃહોને બૅન્ક સ્થાપવા દો
આરબીઆઈ પેનલની ભલામણ
એજન્સીસ નવી દિલ્હી, તા. 20 નવે.
મોટાં ઔદ્યોગિક ગૃહોને બૅન્કો સ્થાપવાની પરવાનગી આપવાની ભલામણ રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાની આંતરિક સમિતિએ કરી છે.
જોકે તેણે ઉમેર્યું છે કે બૅન્ક અને ઔદ્યોગિક જૂથની નાણાકીય અને અન્ય કંપનીઓ વચ્ચે સંલગ્ન ધિરાણ અને નાણાકીય વ્યવહારો અટકાવવા માટે બૅન્ક નિયમન ધારો, 1949માં જરૂરી ફેરફાર કર્યા પછી તેમ જ મોટાં ઔદ્યોગિક જૂથો પર દેખરેખ રાખવાની યંત્રણા મજબૂત બનાવ્યા પછી જ તેમને બૅન્કો સ્થાપવાની પરવાનગી આપવી જોઈએ.
રિઝર્વ બૅન્કની સમિતિએ એવી પણ ભલામણ કરી છે કે જે નોન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ રૂા. 50,000 કરોડથી મોટો લોન પોર્ટફોલિયો ધરાવતી હોય અને દસ વર્ષથી કાર્યરત હોય તેમને બૅન્ક બનવાની પરવાનગી આપવાનું વિચારવું. આ સૂચન પાછળનો તર્ક એવો છે કે કેટલીક એનબીએફસી હાલની અમુક બૅન્કો કરતાં પણ ઘણી મોટી છે; પરંતુ બૅન્કોનું નિયમન કડક રીતે થાય છે જ્યારે એનબીએફસી માટે નિયમનના ધોરણો પ્રમાણમાં હળવા છે.
સમિતિની ત્રીજી મહત્ત્વની ભલામણ ખાનગી ક્ષેત્રની બૅન્કોમાં પ્રમોટરોનું શૅરહોલ્ડિંગ ઘટાડવા વિશે છે. હાલના નિયમો અનુસાર ખાનગી બૅન્કોના પ્રમોટરોએ તેમનું શૅરહોલ્ડિંગ ઘટાડતા જઈને ત્રણ વર્ષમાં 40 ટકા અને 15 વર્ષમાં 15 ટકા સુધી લાવી દેવું જોઈએ. સમિતિએ પંદર વર્ષ પછી પ્રમોટરોને 26 ટકા શૅરહોલ્ડિંગ રાખવા દેવાની હિમાયત કરી છે. તેણે શૅરહોલ્ડિંગ અને વોટિંગ રાઇટ્સને અલગ કરવાની ભલામણ કરી છે જે માત્ર હાલની ખાનગી બૅન્કોને જ લાગુ નહીં પડે પણ બૅન્ક બનવા માગતી એનબીએફસી માટે પણ અવકાશ પેદા કરશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer