અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ : વેપારીઓ રાજી, ઉદ્યોગોમાં નારાજગી

અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ  : વેપારીઓ રાજી, ઉદ્યોગોમાં નારાજગી
બજારોમાં ભીડ થશે તો લાંબો સમય બંધ રાખવાની નોબત આવી શકે છે 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 20 નવે. 
અમદાવાદમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થતાં સળંગ 57 કલાકનો કરફ્યું નાખવામાં આવ્યો છે ત્યારે ધંધા-રોજગાર સાથે જોડાયેલા મંડળોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. ભલે ઉતાવળે નિર્ણય લેવાયો હોય છતાં પણ લોકોની સુખાકારી અને આરોગ્યમાં કોઈ બાંધછોડ ના થાય તે માટે ઉદ્યોગો પણ સહકાર આપવા સામે આવ્યા છે અને વેપારી મહાજનો એ પણ પોતપોતાના સંગઠનોને વ્યક્તિગત અપીલ પણ કરી છે. 
ગુજરાતની સૌથી મોટી વેપારી સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ નટુભાઇ પટેલે એક બેઠક બોલાવી અને કર્ફ્યુ લાગુ થાય તે પહેલાં જ વેપારીઓને સૂચિત કર્યા હતા કે સમય મર્યાદામાં પોતાના ધંધા ચાલુ રાખવા અને પોતાના જ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાય તેના પૂરતા પગલાં લેવા જેથી ધંધો પણ જળવાઈ રહે અને કેસમાં પણ ઘટાડો થાય. એસોસીએશન દ્વારા તેનો અમલ પણ કરી દેવાયો છે.  
અમદાવાદ વેપારી મંડળના પ્રમુખ હર્ષદભાઈ ગીલીટવાલાએ પણ કર્ફ્યુ પહેલા જ પોતપોતાના વેપારીઓને સૂચિત કર્યા હતા કે અમદાવાદમાં કેસ વધતા જાય છે અને જો બજારોમાં ભીડ થશે તો લાંબો સમય બંધ રાખવાની નોબત પણ આવી શકે છે. આવા સંજોગોમાં જો વેપારીઓ વેપારીઓએ સચેત રહે અને ભીડ એકઠી ન થાય તેવા પગલા લે તો વેપાર-ધંધા પણ ચાલુ રહેશે. 
જોકે અમદાવાદથી દસ પંદર કિલોમીટરના એરિયામાં ચાલુ રહેતી નાની મોટી ફેક્ટરી જેમ કે કાપડની ફેક્ટરી, પાવરલુમની ફેક્ટરી, દવાની ફેક્ટરીઓ અને નાના-મોટા બીજા ઉદ્યોગોને ચાલુ છે. જેમાં હજારો માણસો ફરીથી કામે લાગ્યા છે તેઓ બે દિવસ બંધ રાખશે. જોકે મોટા ઉદ્યોગો કહે છે, પ્લાન્ટ બંધ કર્યા પછી ફરી શરૂ કરતાં એક કે બે દિવસ ફરી શરૂ કરતા બીજા લાગી જાય એટલે આ નિર્ણયથી તેઓએ દુ?ખ વ્યક્ત કર્યું હતું પરંતુ હાલ કેસ વધતા અમદાવાદ થી 10 કિલોમીટર આસપાસ ફેક્ટરી આવેલી છે ત્યાં જવા પર પણ પ્રતિબંધ હોવાથી નાછુટકે હવે તેમના પ્લાન્ટ બંધ રાખવાની ફરજ પડી છે. 
ગુજરાત ટ્રેડર્સ એસોસિયેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતુ કે સરકારનો નિર્ણય ઉતાવળીયો છે.  રાત્રે નવ કલાકથી કર્ફ્યુ લાદવાનું નક્કી કર્યુ તેના બદલે 11 કલાકથી રાખ્યુ હોત તો સારુ હતું. રાત્રિ કરફ્યુ લાદવાથી વધુ કંઇ ફેર પડે તેમ લાગતુ નથી. સરકારે ખરેખર તો પહેલેથી મંદિરો કે પર્યટક સ્થળોએ હરવા ફરવા પર પ્રતિબંધ લાદ્યો હોત તો સારુ પરિણામ મળ્યુ હોત. ભદ્રમાં દિવાળીમાં બજારમાં ભારે ભીડ થઇ ગઇ હતી. સરકારે પ્રજાને પદ્ધતિસરના નિર્ણયો લઇને કોરોનાને કાબૂમાં રાખવાની જરૂર છે. સરકારે અચાનક જાહેરાત કરતા અનેક લોકોના પ્રસંગો બગડશે તેમ લાગી રહ્યુ છે. સરકારે સમયસર અંકુશ ન મુક્યો તેનું આ પરિણામ છે. સરકારે પહેલા એવુ નિવેદન આપ્યુ હતું કે અમારી લોકડાઉનની કોઇ વિચારણા નથી અને હવે એકાએક આવો નિર્ણય લેતા તેનો ભોગ પ્રજાએ બનવું પડશે.  
મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે  અમે સરકારની સાથે છીએ. આ ઉપરાંત અમે જીસીસીઆઇ મારફતે અનેક સુચનો પણ કર્યા છે. સરકારે પહેલા ચૂંટણી અને તહેવાર હોવાથી છૂટ આપી હતી. હવે ફરી કરફ્યુ આવ્યો છે. રિટેલ શોપ સિવાય દરેક કાપડ માર્કેટમાં સાતમે ખુલતા હોય છે તેમજ દેવ દિવાળી સુધી માર્કેટ મોટે ભાગે નરમ રહેતા હોય છે. તેમાંયે શનિવાર અને રવિવારે લોકડાઉન આપ્યુ છે તેમાં લોકો સાચવી લે તો ઘણો ફાયદો થશે.  
અમદાવાદમાં બે દિવસ દરમિયાન થનારા લગભગ 1700 લગ્ન પણ મોકૂફ રહેશે. કેટારિંગ અને ડેકોરેશનવાળાઓએ એડવાન્સમાં પૈસા લઈ લીધા હતા પરંતુ અચાનક કર્ફ્યુ લાગતા જેમના લગ્ન છે તેઓ પણ મુસીબતમાં મુકાયા છે. માસ્ક વગર ફરતા લોકો માટે પણ અમદાવાદ કોર્પોરેશન હવે કડક બની છે.  સ્થળ ઉપર પકડાયા અને તપાસ થાય પણ નેગેટીવ આવે તો પણ દંડ ફટકારવાની તૈયારી રાખી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer