ઊંઝા યાર્ડમાં કામકાજનો પુન: પ્રારંભ

માર્ચ એન્ડિંગ દરમિયાન આવકો ચાલુ  
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 2 એપ્રિલ
ઊંઝા ગંજ બજાર ખાતે માર્ચ એન્ડિગના કારણે ગત 27 માર્ચથી 1લી એપ્રિલ સુધી બજાર બંધ રહ્યું હતું અને આજથી બજાર ચાલુ થયું છે. પરંતુ બંધ બજારે વેપારીઓના અનુસાર જીરું, વરિયાળી અને ઇસબગુલની આવકો ચાલુ રહી હતી. જે વેપારીઓ અંગત ગોડાઉનમાં ભરતા હતા. જેના લીધે ખાનગીમાં પણ વેપાર ચાલુ રહ્યો હોવાના અહેવાલ છે. દરમિયાન ત્રણેય મુખ્ય જાતો જેમ કે જીરું, ઇસબગુલ અને વરિયાળીમાં રૂા. 25થી 50 સુધીની નરમાઇ આવી હતી. વેપારીઓ માને છે કે બજારમાં સોમવારથી નિયમિત રીતે હરાજીનો પ્રારંભ થશે. જોકે ખૂલતી બજારે આશરે 85 હજાર ગૂણી જીરુંની આવક થઇ હતી. જીરુંમાં ખુલતા બજારમાં 50થી 55 હજાર ગૂણીના વેપાર થયા હતા. 
જીરુંની સિઝનલ ઘરાકી એપ્રિલના અંત સુધી જોરશોરથી રહેવાની ધારણા છે અને બાદમાં વેચાણનો આધાર નિકાસ પર રહેશે. રજાઓ દરમિયાન અમુક વેપારીઓએ બારોબાર સોદા કર્યા હોવાનું જાણવા મળ્યું છે. જીરુંમાં જનરલ ભાવ રૂા. 2450થી 2750 અને સારા બોલ્ડ માલના રૂા. 2850થી 2950ના ભાવ છે. જ્યારે પ્રિમીયમ માલના રૂા. 3200 જેટલા ભાવ છે. હવે જીરુંની આવકોમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.  
વરિયાળીમાં 15 હજાર બોરીની આવક થઇ હતી. એપ્રિલમાં આવકો વધતા ભાવ ઘટવાનો અંદાજ છે. તેના ભાવ રૂા. 1900થી 3500 છે. જ્યારે સાબરકાંઠાના બેસ્ટ કલર માલના રૂા. 1950થી 2350 ચાલી રહ્યા છે. જ્યારે આબુરોડની વરિયાળીના રૂા. 3000થી 3500 ચાલી રહ્યા છે.  
ઇસબગુલમાં આશરે 12થી 15,000 બોરીની આજે આવકો થઇ હતી. તેના ભાવ રૂા. 1850-1900ની આસપાસ ચાલી રહ્યા છે. તેમાં સિઝનલ ઘરાકી સારી હોવાનું વેપારીઓ જણાવે છે. દરમિયાનમાં ધાણાની બજાર ટકેલી છે. અજમામાં હવે જામનગરની આવક બંધ થઇ ગઇ છે. અજમામાં સ્થાનિકમાંથી પરચૂરણ આવકો થાય છે. તેમાં પણ બજાર ઘસારાતરફી છે. તેના ભાવ રૂા. 1900થી 2300 ચાલી રહ્યા છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer