વડોદરામાં રેમડેસિવિરનાં કાળાંબજાર

અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા.2 એપ્રિલ
છેલ્લા ચાર દિવસથી વડોદરા શહેરમાં રેમડેસિવિર ઈન્જેકશનની અછત ઉભી થઈ છે જેના કારણે કેટલીક હૉસ્પિટલો આ અછતના બહાને મનફાવે તેવા ચાર્જ વસૂલી રહી છે જોકે આ ટેમ્પરરી અછત છે.  બે ત્રણ દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી. આ અછત અંગે કેટલાક મેડિકલ સ્ટોર સંચાલકોનું કહેવું છે કે હોળી ધુળેટીની રજાના કારણે લોજિસ્ટિક બંધ રહેતાં માગ પ્રમાણે જથ્થો આવ્યો નથી. ઉપરાંત ગુજરાતમાં મોટાભાગનો સપ્લાય નાગપુર અને હૈદ્રાબાદથી આવે છે. મહારાષ્ટ્ર કોરોનાના કેસોમાં ભારે વધારાના પગલે ત્યાં ડિમાન્ડ વધી જતાં ગુજરાતમાં જથ્થો ઓછો આવી રહ્યો છે. તેમ જ છેલ્લા એક સપ્તાહમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં દસ ગણો વધારો થયો છે. જે સ્પીડમાં દર્દીની સંખ્યા વધી રહી છે તે સ્પીડમાં સપ્લાય નથી આવી રહ્યો . 
કોરાનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થતા મોટાભાગના દર્દીઓને રેમડેસિવિર ઈન્જેકશનના છ ડોઝ આપવામાં આવે છે. આ ઈન્જેકશનના પાકિંગ ઉપર આમ તો રૂા.5500ની એમઆરપી લખેલી હોય છે પણ આ કપરાકાળમાં ગુજરાતના મોટાભાગના શહેરમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ ઍસોસિયેશન દ્વારા દર્દીઓને રાહત થાય તે માટે આ ઈન્જેકશન ટૅકસ સાથે રૂા.1650માં વેચવાનો નિર્ણય કરાયો છે અને આ ભાવે જ મેડિકલ સ્ટોરમાંથી ઈન્જેકશન મળી રહ્યા છે. 
પરંતુ ખાનગી હોસ્પિટલોમાં પરિસ્થિત બદલાઈ જાય છે. ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બહારથી ઈન્જેકશન લાવવાની મનાઈ કરવામાં આવે છે એટલું જ નહી પરંતુ બહાર રૂા.1650માં મળતા રેમડેસિવિરના નર્સિગ ચાર્જ સહિત રૂા.6000 સુધી વસૂલવામાં આવે છે. ડોઝ આપવાના હોવાથી દર્દીને રેમડેસિવિરનો કોર્સ રૂા.36,000માં પડે છે. હોસ્પિટલો જો 1650 ઉપરાંત ચાર્જ મળીને (નફા સાથે) રૂા.2000માં પણ ઈન્જેકશન આપે તો દર્દીને છ ઈન્જેકશનના કુલ કોર્સના રૂા.12,000 ખર્ચ થાય પણ તેના બદલે રૂા.36,000 વસુલાતા હોવાથી એક દર્દી દીઠ ફકત રેમડેસિવિરમાં જ હોસ્પિટલો રૂા.24,000ની કાળી કમાણી  કરી રહી છે. ઉલ્લેખનીય છે કે મોટાભાગની હોસ્પિટલો ઉત્પાદકો પાસેથી જ આ ઈન્જેકશનની ખરીદી કરે છે અને હોસ્પિટલોને આ ઈન્જેકશન માત્ર રૂા.1100માં પડે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer