અમદાવાદ ઍરપોર્ટ પર અડધી કલાકના કારપાર્કિંગ ચાર્જમાં વધારો

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ,તા. 2 એપ્રિલ 
અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણી કંપનીમાં આવતા અનેક ફેરફારો આવી રહ્યા છે. જેમાં 1 એપ્રિલથી પાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. એરપોર્ટનું સંચાલન કરતી અદાણી કંપનીએ કાર પાર્કિંગ ચાર્જમાં બમણા અને ટૂ-વ્હીલર પાર્કિંગ ચાર્જમાં ચાર ગણા વધારા સાથે એરપોર્ટ પર પિકઅપ ડ્રોપ ટાઇમ પાંચ મિનિટનો કરી દેવાતાં વિરોધ થયો છે. જોકે પ્રથમ અડધા કલાકથી લઈને બે કલાક અને 24 કલાકના પાર્કિંગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. 
1 એપ્રિલથી એરપોર્ટ પર આવતાં-જતાં વાહનો માટે માત્ર પાંચ મિનિટનો ફ્રી ટાઇમ આપ્યો છે, જેને કારણે હવે આવતા-જતા કારચાલક પાસેથી 30 મિનિટના રૂા. 90 અને બે કલાકના રૂા. 150 વસૂલાશે. ટૂ-વ્હીલરના 30 મિનિટના રૂા. 30 અને બે કલાકના રૂા. 80 ચૂકવવા પડશે. 
એરપોર્ટમાં રોડ પર તૈયાર થનારા પાર્કિંગ ટોલ બૂથથી ટર્મિનલ સુધી જઈને પરત આવવામાં 7થી 8 મિનિટનો સમય લાગતો હોવાથી એરપોર્ટના એરાઇવલ અને ડિપાર્ચર વિસ્તારમાં આવતાં વાહનોના પણ પાર્કિંગ ચાર્જ ચૂકવવા પડશે. એરપોર્ટના ઓટો સ્ટેન્ડમાં આવતા રિક્ષાચાલકોએ પાર્કિંગમાં ઊભા રહેવાના રૂા. 60 ચાર્જ ચૂકવવો પડશે તેમ જ એરપોર્ટ પર આવતાં પ્રી-પેઇડ ટેક્સીચાલકોને પણ ભાવવધારાની જાણ કરાઈ છે, જેથી પ્રી-પેઇડ ટેક્સીચાલકો પાસેથી 1 એપ્રિલથી રૂા. 120ને બદલે રૂા. 150 વસૂલાય એવી શક્યતા છે. જોકે હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer