અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 2 એપ્રિલ
શહેરમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. હીરાનગરી સુરતમાં ફરીથી હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે. કેટલીક ખાનગી હોસ્પિટલોમાં પાર્કિંગમાં બેડ નાખીને દર્દીઓ માટે સુવિધા ઉભી કરાઇ છે તો સરકારી હોસ્પિટલમાં વધુ બે માળ પર બેડ ગોઠવવામાં આવ્યા છે. 200 વેન્ટિલેટરની માગ આરોગ્ય વિભાગ પાસે કરવામાં આવી છે.
નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 10 માળની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જેમાં અગાઉ કોરોના સંક્રમણ નિયંત્રણ થતાં કેટલાક માળ બંધ કરી દેવાયા હતા. હવે ફરી એક વખત તમામ માળ કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવ્યા છે. તેમ જ સિવિલમાં પણ કેટલાક વોર્ડને કોવિડના દર્દીઓ માટે ખાલી કરાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
નવી સિવિલ કેમ્પસમાં કિડની હોસ્પિટલ બિલ્ડિંગમાં 800 બેડ શરૂ થતાં નવા બિલ્ડિંગમાં દર્દીઓ માટે ઓક્સિજન ટેન્ક ઉભી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેમ જ આરોગ્ય વિભાગ પાસે 200 વેન્ટિલેટરની માગ કરાઇ છે.
સુરતમાં રોજના 650થી વધુ લોકો કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. જાણકારોનું માનવું છે કે આ આંકડો ઘણો જ નાનો છે. વાસ્તવમાં હજારથી વધુ લોકો સંક્રમિત હોવાનું ખાનગીમાં કહેવાય રહ્યું છે. જે પ્રકારે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં રાતોરાત વધારો થઇ રહ્યો છે.
ગઇકાલે પણ ચાર લોકોનાં મોત કોરોનાને કારણે થયાં હતાં. શહેરમાં કોરોનાના ફૂંફાડાને કારણે વેપારની ગાડી મંદ થઇ છે. હીરાબજાર અને કાપડમાર્કેટમાં વેપાર નહિવત્ જેવા થયા છે. બન્ને સ્થળે લોકોની ભીડ પણ સામાન્ય બની છે.