બ્રાસ પાર્ટ્સ એકમોને નવા અૉર્ડર મળવા શરૂ થવાની આશા

અમારા પ્રતિનિધિ દ્વારા    
મુંબઈ, તા 2 એપ્રિલ   
જામનગર બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગમાં ગયે મહિને માર્ચ અંતના લીધે કામકાજ થોડું ધીમું રહ્યું હતું. યુરોપથી બિનલોહ ધાતુ ભંગારની આયાત ઘટી હોવાથી સ્થાનિક બજારમાં પિત્તળ ધાતુ અને પાર્ટ્સના ભાવ ઊંચા મથાળે જળવાયા હોવાનું બજાર અગ્રણીઓએ જણાવ્યું હતું.   
વાહન, હેવી એન્જીનીયરીંગ, ઈલેક્ટ્રીકલ્સ અને ગુજરાત-દિલ્હીના રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટું વેચાણ ધરાવતા જામનગરના ઉદ્યોગીઓને હવે નવા ઓર્ડર મળવાનું ધીમે ધીમે શરૂ થવાથી આશા છે. ગુજરાતમાં કચ્છ-અમદાવાદ-વડોદરા અને દિલ્હીના રીયલ એસ્ટેટ ક્ષેત્રના ઓર્ડરો ચાલુ રહ્યા હોવાનું ઉદ્યમીઓ જણાવે છે, પરંતુ દેશની બહુરાષ્ટ્રીય કંપનીઓના ઓર્ડરો એપ્રિલ મધ્યથી શરૂ થવાની સંભાવના છે.  
બીજી તરફ લંડન મેટલ એક્સચેંજ ખાતે છેલ્લા પખવાડીયાથી ધાતુના ભાવ ધીમી વધઘટે ફરતા હોવાથી સ્થાનિક આયાતકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યું છે. અગાઉ 'વ્યાપારે' અનેકવાર આપેલા નિર્દેશ મુજબ ડોલરની મજબૂતીથી સ્થાનિકમાં બિનલોહ ધાતુની આયાત ઘટી હતી. જામનગર ખાતે ડિસેમ્બર ત્રિમાસિકની સરખામણીએ માર્ચ ત્રિમાસિકમાં બિનલોહ ધાતુ ભંગારની આયાતમાં 30 ટકાનો ઘટાડો થયો હોવાનું અગ્રણી આયાતકાર સંગઠનનાં  સૂત્રોએ જણાવ્યું હતું.   
જામનગર એક્ઝીમ મર્ચન્ટ્સ એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જોષીએ જણાવ્યું હતું કે 'ચીનનો વૃદ્ધિદર સ્થિર થવાને લીધે બિનલોહ ધાતુ બજારની તેજીમાં આવરોધ સર્જાયો છે. મારા અનુભવ પ્રમાણે આગામી બે મહિના બિનલોહ ધાતુના વૈશ્વિક બજારમાં મોટી તેજીની શક્યતા નથી. ચીનની નવી ખરીદી શરૂ થવા સુધી બજારમાં તાંબા અને જસતના ભાવ દબાણ હેઠળ ટૂંકી વધઘટે અથડાઈ જવાની સંભાવના છે.'

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer