અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 એપ્રિલ
રાજ્યમાં લૉકડાઉન થાય કે અંકુશો વધે, એપીએમસી બજારમાં ધંધો ચાલતો રહેશે, તેવો વિશ્વાસ અગ્રણી વેપારીઓએ `વ્યાપાર' સમક્ષ વ્યક્ત કર્યો છે.
બોમ્બે મૂડીબજાર કરીયાણા મર્ચન્ટ્સ ઍસોસિયેશન અને નવી મુંબઈ મર્ચન્ટ ચેમ્બરના ચૅરમૅન કીર્તિભાઈ રાણાએ કહ્યું કે, ગયા વર્ષે માર્ચ-એપ્રિલમાં લૉકડાઉન ચાલુ હતું ત્યારે પણ એપીએમસીના વેપારીઓએ લોકોને અનાજ કઠોળની ખેંચ વર્તાવા દીધી નહોતી. એપીએમસીમાં પણ મહામારીની અસરને કારણે ઘણા માથાડી કામગારો, દલાલ ભાઈઓ, વેપારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હજી પણ કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં નથી. હવે લૉકડાઉનના બદલે કડક નિયંત્રણો આવશે તો વેપારીઓ સરકારને સહકાર આપશે. આવા સંયોગોમાં દલાલો, વેપારીઓ અને તેમના કર્મચારીઓને પરિવહનમાં મુશ્કેલીઓ આવશે પણ જીવનાવશ્યક વસ્તુઓનો પુરવઠો અવિરત થતો રહે તેની તકેદારી રાખવામાં આવી છે.
મૂડી બજારના અગ્રણી વેપારી અશોક એન્ડ કંપનીના અશોક દત્તાણીએ કહ્યું કે, ફરી લૉકડાઉન આવે તો અત્યારે જે સરળતાથી કામકાજ થઈ રહ્યંy છે તે નહીં થઈ શકે. અમે ગ્રાહકોમાં ફરી લૉકડાઉનનો ભય જોઈ રહ્યા છીએ. તેમને લૉકડાઉન કોઈ સંજોગોમાં જોતું નથી. તેમણે ખરીદી બંધ કરી દીધી છે. બજારમાં આજે કોઈ ઘરાક દેખાતો નથી. દલાલોને પૂછીએ તો તેઓ કહે છે કે પહેલાં સ્પષ્ટતા થવા દો પછી જોઈએ. ગયા વર્ષે કડક લૉકડાઉનમાં કામ તો થયું પરંતુ જે કર્મચારીઓ વાશીમાં રહેતા હોય તેઓ આવી શકતા અને પોસ્ટ ઓફિસથી ડિલિવરીઓ થતી. ત્યારબાદ કામકાજે સારી ગતિ પકડી હતી. આ વર્ષે પરિસ્થિતિ એવી છે કે ગ્રાહકોએ માલ તો રાખ્યો જ છે પરંતુ એટલો સ્ટોક પણ લોકો પાસે નહીં હોય કે તેઓ મહિનો ચલાવી શકે. અમારા કામકાજમાં કોઈ ખલેલ આવશે નહી.
કિરીટ શાહે કહ્યું કે, જો સંપૂર્ણ લૉકડાઉન થશે તો કામકાજ ઉપર અસર પડશે કારણ કે જો દુકાનો જ બંધ હશે તો લેવાલી કઈ રીતે થશે. આઠથી 15 દિવસનું લૉકડાઉન આવે તો હોલસેલ બજારમાંથી ખરીદી જ કોણ કરશે? જો જાહેરાત થાય કે આગામી પાંચ છ દિવસમાં લૉકડાઉન થશે તો આ વચ્ચેના દિવસોમાં ખરીદી સારી રહેશે પરંતુ જો લૉકડાઉન લાંબુ ચાલ્યું તો બજાર અટકી પડશે. સરકાર વેચાણ સંબંધિત કેટલી છૂટ આપે તે પણ મહત્વનું છે. વેચાણ માટે ચાર-પાંચ કલાક આપે તો પણ કામકાજ ચાલતું રહે. પરિવહનમાં વિધ્ન ન આવે તે માટે અમને કાર્ડ આપ્યાં હતાં તેવી રીતે આ વખતે પણ કાર્ડ આપવાં જોઈએ.
ધાણાના અગ્રણી વેપારી અશ્વિન રાજગોરે કહ્યું કે, આમ તો લૉકડાઉનમાં અનાજ-મસાલા જેવી જીવનજરૂરિયાત વસ્તુ સંબંધિત પ્રતિબંધો ન હોવાથી કામકાજ અવિરત ચાલતું રહેશે.
એપીએમસી સ્થિત સાબુદાણા અને શિંગદાણાના અગ્રણી વેપારી મહેશ ચંદારાણાએ કહ્યંy કે, છેલ્લા ઘણા દિવસોથી લૉકડાઉન ફરી થવાની વાતો થઈ રહી છે, પરિણામે ગ્રાહકોએ પણ માલ ભરી દીધા છે. આજે પણ ઘરાકી સારી રહી હતી. મારા મતે સામાન્ય રીતે માર્ચના અંતે ઘરાકી ઓછી હોય છે પરંતુ આ વખતે પરિસ્થિતિ ઉલટી છે. પાઈપલાઈન પણ ફૂલ છે. આજની તારીખમાં પણ વેચાણ ચાલુ છે.
રાજેશ છેડાએ કહ્યંy કે, કડક લૉકડાઉનમાં પણ અનાજની બજાર તો ખુલ્લી જ રહેશે. ગયા વર્ષના સમાન ગાળામાં કડક લૉકડાઉનમાં પણ એપીએમસીમાં કામકાજ ચાલું હતું. આથી ફરી લૉકડાઉન થાય તો પણ સલામતિને ધ્યાનમાં રાખીને એપીએમસીનું કામકાજ ચાલુ જ રહેશે.
બોઈલ્ડ ચોખાના વેપારી જયંત રામાણીએ કહ્યું કે, કડક લૉકડાઉનમાં પણ એપીએમસીનું કામકાજ ચાલુ રહેશે, અગાઉ પણ લૉકડાઉન દરમિયાન શરૂઆતના અઠવાડિયામાં મુશ્કેલીઓ આવી પરંતુ તે પછી કામકાજ ચાલું હતું.
નારિયેળના વેપારી દિલીપ શાહે કહ્યું કે, ગયા વર્ષે પણ કડક લૉકડાઉનમાં અમારું કામકાજ ચાલું હતું આથી ફરી લૉકડાઉન થાય તો પણ પરિસ્થિતિમાં પણ ખાસ કોઈ ફરક પડશે નહીં.