મહામારીના પ્રતિકાર માટે મહાનગર મુંબઈમાં લૉકડાઉનના પ્રશ્ને વિવાદ અને વિરોધ થયો તે વાજબી છે. અત્યારે પણ વ્યાપાર-ધંધા નામના જ ચાલે છે ત્યારે લૉકડાઉન થાય તો વ્યાપારી-દુકાનદારો ઉપરાંત છૂટક વ્યાપાર ઉપર નભતા લાખ્ખો લોકોની હાલાકીનો વિચાર કરવો જોઈએ. આ વિચાર કરીને જ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ તથા કૉંગ્રેસે પણ લૉકડાઉનનો વિરોધ કર્યો. અલબત્ત આંશિક લૉકડાઉન અનિવાર્ય હોવાથી વધુ નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. આ સાથે જ વૅક્સિનના પુરવઠાની વહેંચણી વધુ વ્યવસ્થિત કરવાની
જરૂર છે. વૅક્સિનના ઉત્પાદન તથા રાજ્યવાર વહેંચણીની માહિતી પારદર્શક રાખીને અને કેન્દ્ર તથા રાજ્યોનાં મુખ્ય શહેરોને બદલે જિલ્લાવાર જવાબદારી સોંપવાની શરૂઆત હવે થઈ છે. રાજ્ય સરકારોને વૅક્સિનના પુરવઠાની પસંદગીની છૂટ આપવાની માગણી પણ વાજબી છે. મુંબઈ જેવા મહાનગરમાં કૉવિશિલ્ડ ઉપરાંત કૉવૅક્સિનની પણ માગ છે. વૅક્સિન બનાવતી કંપનીઓ સરકારની દેખરેખ હેઠળ છે. વિશ્વમાં વ્યાપારી ધોરણે નિકાસ થઈ છે અને વડા પ્રધાન તરફથી જરૂરિયાતવાળા દેશોને `મદદરૂપે' પણ આપવામાં આવી છે. હવે આપણી જરૂરિયાતો ઉપર ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે.
રાજ્યો અને જિલ્લા-તાલુકા લેવલ ઉપર વધુ જવાબદારી અપાય તો મહામારીનો વ્યાપ અટકી શકે એવી રજૂઆત પણ વાજબી છે. ખાનગી હૉસ્પિટલોને મોકળાશ મળે તો વધુ ઝડપથી રસીકરણ થઈ શકે. આ સાથે જ લોકોનાં ઘેર ઘેર જઈને અભિયાન શરૂ થાય તો ઘણો ફેર પડશે. લોકોનો ભય દૂર કરવામાં ધર્મગુરુઓએ સારો ભાગ ભજવ્યો છે. હરિયાણામાં મોટી કંપનીઓમાં વૅક્સિન કૅમ્પ યોજે છે અને ચેન્નઈમાં અઢાર વર્ષથી ઉપરના સૌને વૅક્સિન અપાય છે. જેના કારણે એક્સપાયરી ડેટના કારણે વૅક્સિન- બરબાદ થાય નહીં.
મહામારીના આરંભમાં અને પછી લૉકડાઉન વખતે લોકોનો જે ઉત્સાહ અને જુસ્સો હતો તે હવે ઓસરી ગયો છે ત્યારે વડા પ્રધાનની અપીલ-સલાહ ઉપરાંત રાજ્યોને અપાતા માર્ગદર્શનમાં પણ વધુ મોકળાશ-છૂટછાટ અપાય તો અભિયાન જરૂર જલદી સફળ થશે.
આ સંદર્ભમાં મહારાષ્ટ્ર વધુ સક્રિય છે. અત્યારે દૈનિક સવા બે લાખ લોકોને વૅક્સિન ડૉઝ અપાય છે તે વધારીને ચાર લાખ કરવાનો લક્ષ્યાંક છે અને આ માટે કેન્દ્ર પાસે પ્રતિ સપ્તાહ 35 લાખ ડૉઝની માગણી કરવામાં આવી છે. 45 વર્ષની વય ઉપરના વર્ગને વૅક્સિન આપવાની શરૂઆત થતાં સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યારે મહારાષ્ટ્રમાં દસ લાખની વસતિ દીઠ 310 ઍક્ટિવ કેસ નોંધાય છે, જે વિશ્વના અન્ય દેશોની સરેરાશથી વધુ છે. યુરોપના દેશોમાં ઓછો વ્યાપ હોવા છતાં મહામારીનો ત્રીજો પ્રહાર શરૂ થયો છે. ફ્રાન્સમાં ત્રીજી વખત દેશવ્યાપી લૉકડાઉન છે.
આંકડાશાસ્ત્રીનું એવું અનુમાન છે કે એપ્રિલની 15થી 20 સુધીમાં મહામારીનો વ્યાપ સૌથી વધુ હશે. આપણે ઈચ્છીએ કે આવાં અનુમાન ખોટાં પડે છતાં સાવધાની અને તૈયારી રાખવી જ પડશે.