પાકિસ્તાનની ગુલાંટ કે પછડાટ

ભારતથી પાંચ લાખ ટન ખાંડ તથા જૂન મહિના સુધીમાં કપાસ અને સૂતર આયાત કરવાની જાહેરાત નાણાપ્રધાન હમાદ અઝહરે કર્યા પછી ચોવીસ કલાકમાં જ ગુલાંટ મારીને આ નિર્ણય રદ કરવાની જાહેરાત થઈ છે. પાકિસ્તાનની આ ગુલાંટથી આપણને કોઈ નુકસાન નથી. નુકસાન હોય તો તે પાકિસ્તાનના ગરીબ અને મધ્યમ વર્ગને છે. કિલોદીઠ રૂા. 100 થી 110ના ભાવે જનતા ખરેખર `ખાંડ ખાય છે!' યાર્ન અને કપાસની અછતના કારણે નાની મોટી મિલો બંધ પડી છે! અછત અને ભાવવધારાના કારણે ઈમરાન ખાન સામે બળાપો કાઢતાં લોકોનાં દૃશ્યો પાકિસ્તાની ટીવી ચૅનલો ઉપર જોવા મળે છે. આયાતની જાહેરાત થઈ ત્યારે લોકોએ આવકારીને ભારત સાથે સંબંધ સુધારવાની હિમાયત કરી હતી.
વાસ્તવમાં નવા નિમાયેલા યુવા નાણાપ્રધાન હમાદ અઝહરે આયાત છૂટની જાહેરાત કરી ત્યારે એક પત્રકારે પ્રશ્ન પૂછયો હતો કે, કાશ્મીરના મુદ્દે ભારત સાથે સમાધાન થયા વિના વ્યાપાર સંબંધ ફરીથી શરૂ થશે? નાણાપ્રધાનનો જવાબ હતો, `વ્યાપાર સંબંધ સુધરે અને આયાત છૂટ અપાય તેના પરિણામે આમઆદમી ઉપર (ભાવ વધારાનો) બોજ હળવો થાય તેમાં કોઈ નુકસાન નથી'.
પાકિસ્તાનના વડા પ્રધાન ભારત સાથે સંબંધ સુધારવા માગે છે - અને આ મતલબના નિવેદન પણ કર્યા છે. વિદેશ પ્રધાન શાહ મહમૂંદ કુરેશી કહે છે કે, ભારત સાથે સંબંધ સુધારવાની શરૂઆત થઈ છે અને વ્યાપાર શરૂ થશે એમ લાગતું હતું પણ- વડા પ્રધાન ઈમરાન ખાન સહિત સૌનો અભિપ્રાય એવો છે કે, જ્યાં સુધી ભારત પાંચમી અૉગસ્ટ, 2019ના રોજ -કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવાના નિર્ણયની ફેરવિચારણા કરે નહીં ત્યાં સુધી સંબંધ સુધારવાનો પ્રશ્ન નથી!
પાકિસ્તાન સરકારની આ ગુલાંટ પાછળ ત્યાંના લશ્કરી અફસરોનું દબાણ હશે જ. દરમિયાન માનવ અધિકાર ખાતાનાં પ્રધાન શીરીન મેઝારી - જેઓ ભારત વિરોધી તરીકે જાણીતા છે એમણે જાહેરમાં વિરોધ કર્યે કે આયાતનો નિર્ણય આર્થિક સંકલન કમિટીએ લીધો છે પણ કેબિનેટની મંજૂરી મળે તો જ સરકારનો નિર્ણય ગણાય. આ પછી કેબિનેટની બેઠક મળી અને નિર્ણય ફેરવી તોળાયો! હકીકતમાં બંને દેશો વચ્ચે વાતાવરણ સુધરી રહ્યંy છે, હજુ ગયા મહિને જ બંને દેશોના સેના-અફસરોએ મળીને અંકુશ રેખા ઉપર યુદ્ધ વિરામ જાળવવાનો નિર્ણય લીધો હતો -આમ સંજોગો અનુકૂળ હોવાથી નાણાપ્રધાને નિર્ણય લીધો. આમ છતાં વડા પ્રધાન ઈમરાન ખાનની મંજૂરી વિના જાહેરાત કરવાની ભૂલ કોઈ કરે નહીં. ઈમરાન ખાન હવે આમઆદમીનો રોષ જોઈ રહ્યા છે તેથી મંજૂરી આપી જ હશે.
આ ગુલાંટનો માર આમજનતા ઉપરાંત ઈમરાન ખાન અને એમના નાણાપ્રધાનને પણ પડશે. જ્યારે ભારત કાશ્મીર જેવા આંતરિક મામલામાં કોઇ ખેરખાંની દખલ કદી સ્વીકારે નહીં અને આવી શરત હોય તો સંબંધ સુધરે નહીં. આ ગુલાંટ છે કે ઈમરાન ખાનની પછડાટ?

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer