કોરોનાનો કહેર : ભારે વાહનો-બસ સર્વિસના ધંધાને ફટકો

કોરોનાનો કહેર : ભારે વાહનો-બસ સર્વિસના ધંધાને ફટકો
અનિલ પાઠક 
અમદાવાદ, તા. 2 એપ્રિલ 
ગુજરાતમાં કોરોના કેસોમાં  પુન: ઉછાળો થતાં 6000 જેટલા પેટ્રોલ પંપો પરથી પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં 15થી 20 ટકાનો ઘટાડો છેલ્લાં ત્રણ અઠવાડિયામાં થયો છે. તેથી ઓછામાં ઓછા રૂા.20 થી 30 કરોડનો વકરો ઘટયો છે. 
રાજ્યના પેટ્રોલ પંપોની આ સ્થિતિ વધારે ચાલે તો નાના મોટા પેટ્રોલ પંપો બંધ કરવાનો વારો આવે એવું થઇ શકે છે તેવી ભીતિ અમદાવાદમાં સૌથી વેચાણ કરતાં વેપારી રાજીવ પરીખે વ્યકત કરી છે. તેઓના જણાવ્યા અનુસાર માર્ચ અગાઉના બે માસમાં 100 કરોડનું વેચાણ થઇ ગયું હતું. પરંતુ હવે તેમાં 20 ટકાનો ઘટાડો થયો છે જે ચિંતાજનક બાબત છે.  
તેઓના જણાવ્યા અનુસાર અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં પેટ્રોલિયમ પેદાશો પર ઓછામાં ઓછા 10 થી 15 ટકા વેટ ઓછો છે પરંતુ તેમાં ઘટાડાની હવે કોઇ શકયતા નથી સરકારને આ પેદાશો પરથી ઓછામાં ઓછા 1000 કરોડના વેટ ત્રણથી ચાર દિવસના ગેપ બાદ પ્રાપ્ત થયા છે.  
રાજ્યમાં ઓછામાં ઓછી 20 થી 25,000 ટ્રકો અને ભારે વાહનો દોડે છે અને તેવી જ રીતે ખાનગી લકઝરી બસો અને એસટી બસો થઇ 5000 પેસેન્જરોની આવન-જાવન કરતી હોય છે. પરંતુ કોરોનાના કારણે ટ્રકો અને બસો બંનેની મોબિલિટી ઘટી ગઇ છે. પાડોશી રાજ્યોમાં દોડતી ઇન્ટર સ્ટેટ બસ સર્વિસ પણ લગભગ બંધ જેવી હાલતમાં છે.  ત્યારે ઓછામાં ઓછા  ટ્રાન્સર્પોર્ટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે કાર્યરત કુલ 80 હજારથી 1 લાખ મજૂરો અને સ્ટાફ ડ્રાઇવરો-કંડકટરો ક્લિનરો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. 
આમ ટ્રાન્સર્પોટરોએ લોકડાઉન બાદ અને ખાનગી બસ ઓપરેટરોએ ફ્રેઇટ ચાર્જિસ અને ટિકિટ ભાડાંમાં 5 થી 10 ટકાનો વધારો કર્યો હતો પરંતુ હવે લગભગ લોકડાઉન જેવી સ્થિતિ થઇ રહી છે અને તેથી તેઓનું ભાવિ ધૂંધળુ બની રહ્યું છે.
કોરોનાના કેસોમાં ઓચિંતો ભારે ઉછાળો આવતાં આ ઉદ્યોગનું ભાવિ ડામાડોળ બન્યું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer