કંડલા બંદરની માળખાકીય સુવિધા વધારવા રૂ 1500 કરોડની મહત્ત્વાકાંક્ષી યોજના

કંડલા બંદરની માળખાકીય સુવિધા વધારવા રૂ 1500 કરોડની મહત્ત્વાકાંક્ષી યોજના
અમારા પ્રતિનિધિ તરફથી
ભુજ, તા. 2 એપ્રિલ
દીનદયાલ પોર્ટ ટ્રસ્ટે તેના હસ્તકના કંડલા બંદરે માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા અને સુધારવા માટે રૂપિયા 1500 કરોડની ત્રણ વર્ષની એક મહત્ત્વાકાંક્ષી યોજના હાથ ધરી હોવાનું દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના ચૅરમૅન એસ. કે. મહેતાએ `વ્યાપાર' સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું. આ આયોજનમાં માર્ગોને પહોળા કરવા અને તેને સુધારવા, બંદર પર લાઇટો વધારવા, બેકઅપ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરીને તેનો વપરાશ શરૂ કરાવવા પર ખાસ ધ્યાન અપાઇ રહ્યંy છે.  સાથોસાથ દિવસમાં બંદરે લાખો ટ્રકોની આવનજાવન રહે છે, તેના પાર્કિંગની જગ્યા વધારવા અને સુધારવાનાં કામો પણ હાથ ધરાઇ રહ્યાં છે.   
બંદર પર ડ્રેજિંગની કામગીરીને માટીનાં પ્રમાણ સાથે નહીં, પણ પાણીના ડ્રાફ્ટ સાથે સાંકળી લેવાનો એમ મહત્ત્વનો નિર્ણય લેવાયો હોવાની માહિતી પણ મેહતાએ આપી હતી.
જળમાર્ગે ઉતારુ પરિવહન 
ભારતમાં દરિયાઇ માર્ગે ઉતારુઓના પરિવહન માટે ભારે ક્ષમતાઓ રહી હોવા છતાં તેના માટે જોઇએ એટલી સુવિધા ઉપલબ્ધ ન હોવાની હકીકતમાં સુધારો કરવાની જવાબદારી કેન્દ્ર સરકારે ડીપીટીને સોંપી છે. આ સંદર્ભમાં પોર્ટ દ્વારા હજીરાથી ઘોઘા રોરો ફેરી સેવાનું પ્રાયોગિક ધોરણે સંચાલન હાથ ધરાયું છે.  આમાં દસ સપ્તાહમાં એકાદ લાખ ઉતારુઓએ લાભ લીધો હોવાથી તે પ્રયોગ સફળ રહ્યો છે.  હવે ઘોઘાથી દહેજ, હજીરાથી મૂળ દ્વારકા, પીપાવાવથી હજીરા માટે આયોજનની તૈયારી થઇ રહી હોવાની માહિતી મેહતાએ આપી હતી.   
ભાવિ આયોજનમાં કચ્છનો પણ સમાવેશ 
કચ્છમાં દરિયાઇ પ્રવાસનની શક્યતાઓ રહેલી છે, તેના પર ડીપીટીને લાંબા સમયથી રસ રહ્યો છે.  હવે આ બાબતે કામ હાથ ધરાઇ રહ્યંy હોવાનું ચૅરમૅને એક સવાલના જવાબમાં કહ્યંy હતું.  આ સંદર્ભમાં હવે મુંદરાથી વાડીનાર, માંડવીથી ઓખા, માંડવીથી મુંબઇ વચ્ચે દરિયાઇ વ્યવહાર શરૂ કરવાની કવાયત હાથ ધરાઇ હોવાની માહિતી પણ તેમણે આપી હતી.   
માંડવી બંદર મથક બની શકે 
અગાઉ મુંબઇ અને કરાચી સાથે સ્ટીમર વ્યવહારથી સંકળાયેલાં માંડવી બંદરે હાલના બેક વોટરને આગળ વધારીને ઉતારુ સેવા ફરી શરૂ કરી શકાય તેમ છે એમ ડીપીટીના અધ્યક્ષે કહ્યંy હતું. આ સંદર્ભમાં સાગરમાલા વિકાસ પ્રાધિકરણના ટોચના અધિકારીએ અમાસના ભરતીના પાણીની ગેરહાજરીમાં બંદરની સ્થિતિની જાત તપાસ કરી લેવાઇ હોવાની માહિતી પણ તેમણે આપી હતી.   
કચ્છ માટે ડીપીટી સતત સક્રિય હોવાનું ઉત્સાહ સાથે કહેતા સવાયા કચ્છી એવા આ અધિકારીએ આગામી સમયમાં કચ્છના સાગરકાંઠેથી દરિયાઇ વ્યવહાર ફરી ધમધમશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.   
કચ્છી વહાણવટાને ઉત્તેજન 
દરિયાઇ પરિવહનમાં ડંકો વગાડી રહેલાં ડીપીટીએ હવે કચ્છના વિખ્યાત દેશી વહાણવટાની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની નેમ વ્યક્ત કરી છે.  આ સંદર્ભમાં ઓલ્ડ તુણા બંદરે દેશી વહાણોને માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાઇ રહી છે.   
ખાસ તો કચ્છના દેશી વહાણવટાના સમૃદ્ધ વારસાનું પ્રતિબિંબ પાડતાં એક મ્યુઝિયમની કંડલા બંદરે શરૂઆત કરવાનો પણ ડીપીટીના અધ્યક્ષનો ઇરાદો છે.
તેઓ આ મ્યુઝિયમ દ્વારા કચ્છના આ ઇતિહાસના દસ્તાવેજીકરણ અને અન્ય દેશના સાગરખેડુઓ માટે તેનો ખજાનો ખોલવા માગતા હોવાનું મેહતાએ જણાવ્યું હતું.    
ગાંધીધામ સંકુલ પણ અગ્રસ્થાને 
કંડલા બંદરના વિકાસમાં ચાવીરૂપ રહેલાં ગાંધીધામ સંકુલ માટે પણ ડીપીટી સતત સક્રિય હોવાનું એક સવાલના જવાબમાં મેહતાએ કહ્યંy હતું.  તાજેતરમાં રોટરી ક્લબની સંગાથે હાથ ધરાયેલા વનીકરણના કાર્યક્રમમાં હવે રાજ્યના વન વિભાગના શહેરી વનીકરણના આયોજન માટે વધારાની 50 એકર જમીન ફાળવવામાં આવી છે. આમ ગાંધીધામ સંકુલમાં કુલ 80 એકરમાં લીલી હરિયાળી ઊભી કરાશે.   
સ્માર્ટ સિટીના અટકેલાં કામ અંગે પૂછતાં તેમણે કહ્યંy કે આ પ્રોજેક્ટ માટે જમીનના ભાવ અંતરાયરૂપ હોવાનું સામે આવ્યું છે.  આગામી દિવસોમાં ડીપીટીની લેન્ડ પોલિસીની સાથોસાથ ટાઉન પોલિસીને મંજૂરી મળી જશે. તે પછી સ્માર્ટ સિટીના પ્રોજેક્ટને વેગ મળી શકશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer