સુએઝ કેનાલ કટોકટી દૂર થતાં જહાજી નૂર ઘટી ગયાં

સુએઝ કેનાલ કટોકટી દૂર થતાં જહાજી નૂર ઘટી ગયાં
ઇબ્રાહિમ પટેલ 
મુંબઈ, તા. 2 એપ્રિલ 
સુએઝ કેનાલમાં ફસાયેલું માલવાહક જહાજ 'એવર ગીવન' આખરે તરતું થઈ જવાથી કેનાલમાં થયેલો જહાજોનો ભરાવો હળવો થવા લાગ્યો છે. આ ઘટનાએ આખા વિશ્વની પુરવઠા ચેઇનને ખોરવી નાખી અને તેલવાહક જહાજો તેમ જ સૂકો માલ (ડ્રાય બલ્ક) લઇ જતાં જહાજોના નૂર આસમાને પહોંચાડી દીધાં. કેનાલ ઓથોરિટીના કહેવા મુજબ ગત વર્ષે દૈનિક 50ની સરેરાશથી 19,000 જહાજો આ ચેનલમાંથી પસાર થયા હતાં. જગતનો 12 ટકા સમુદ્રી વેપાર આ કેનાલ પર નભે છે. `એવર ગીવન` તરતું થયું ત્યાં સુધીમાં કેનાલના બંને કાંઠે આશરે 450 જહાજો જમા થઇ ગયાં હતા. આ ભરાવો દૂર થતાં હજી સમય લાગશે. પરંતુ કેનાલ ખુલ્લી થવાથી જહાજોનાં નૂર્મ ઝડપી ઘટાડો થયો છે. કેપસાઈઝ, પાનામેક્સ અને સુપ્રામેક્સ જહાજોનાં નૂરનો ઇન્ડિકેટર ગણાતો બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ બુધવારે 57 પોઇન્ટના ઘટાડે 2046 થઇ ગયો હતો.          
અગાઉ ફેબ્રુઆરીના અંતથી 22 માર્ચ સુધીમાં બીડીઆઈ 38 ટકા ઊછળી 2319 પોઇન્ટ થઇ ગયો હતો, જે સપ્ટેમ્બર 2019 પછીની નવી ઊંચાઈ હતી. ઉછાળો આવવાનું એક કારણ ચીન અને ચીન બહાર ઉદ્ભવેલું એક પ્રકારની ચિંતાનું વાતાવરણ હતું. બીજું કારણ એ કે આ ગાળામાં સ્ટીલ ઉદ્યોગની બલ્ક ડ્રાય શાપિંગ માટેની માગ 42 ટકા જેવી વધી ગઈ હતી. તેમાં પણ કેપસાઈઝ જહાજોની માગમાં તો 82 ટકાનો ઉછાળો આવ્યો હતો. પરિણામે કેપસાઈઝ  ઇંડેક્સ 63 પોઈન્ટ વધીને 2293 પોઈન્ટ રહ્યો હતો, જો કે ગત સપ્તાહે છેલ્લાં ચાર અઠવાડિયામાં પહેલી વખત તેમાં ઘટાડો નોંધાયો હતો. દોઢ લાખ ટન જેટલો કોલસો કે ખનિજ લોખંડનું વહન કરનારાં કેપસાઈઝ જહાજોનું દૈનિક સરેરાશ નૂર 524 ડોલર વધીને 19014 ડોલર મુકાયું હતું. સુપ્રામેક્સ જહાજ ઇંડેક્સ 38 પોઈન્ટ ઘટીને 1983 પોઈન્ટ રહ્યો હતો, અલબત્ત સપ્તાહના આરંભે તે એપ્રિલ 2017 પછીની નવી ઊંચાઈએ 2133 પોઈન્ટ મુકાયો હતો. 
60થી 70 હજાર ટન અનાજ, કોલસો જેવી ચીજોનું વહન કરતાં પાનમેક્સ જહાજની દૈનિક સરેરાશ આવક 56 ડોલર ઘટીને 25,447 ડોલર મુકાઇ હતી. પાનમેક્સ ઇન્ડેક્સ 7 પોઈન્ટ ઘટી 2827 પોઈન્ટ રહ્યો હતો. સાપ્તાહિક ધોરણે પાંચ ટકા ઘટ્યો હતો, 21 માર્ચે તે 83 પોઇન્ટના ઉછાળે 3058 પોઈન્ટની ઊંચાઈએ પહોંચ્યો હતો, જે ઓગસ્ટ 2010 પછીની નવી ઊંચાઈ હતી. 
ઇન્વેસ્ટમેન્ટ બેન્કિગની આગેવાન પેઢી ગોલ્ડમેન સાશના કોમોડિટી એનાલિસ્ટ જેફરી ક્યુરી કહે છે કે આ વર્ષે પણ કોમોડિટી બજારોમાં તેજી જળવાઈ રહેશે. તેમના મતે આ વર્ષે કોમોડિટી સેક્ટરમાં સારું એવું રોકાણ આવશે. પરિણામે આગામી બાર મહિનામાં ભાવ 15 ટકા જેવા વધશે. માળખાગત તેજીની સાયકલનો આ આરંભ હશે.         
તેઓ કહે છે કે બાલ્ટિક ઇન્ડેક્સના ચાર્ટનો અભ્યાસ કરતાં જણાય છે કે આ ઇન્ડેક્સમાં પણ ભરપૂર તેજી છે. જગતના 20 કરતાં વધુ દરિયાઈ રૂટો પર માલ વહન કરતાં જહાજોની સરેરાશ નૂરનો આયનો આ ઇંડેક્સ ગણાય છે. ઇંડેક્સ અત્યારે 2020નાકોરોના મહામારીના આરંભકાળ પહેલાંની ઊંચાઈએ પહોચી ગયો છે, આ બધાના અભ્યાસના આધારે ગોલ્ડમેન સાશ નૂર વૃધ્ધિની આગાહી કરી રહી છે. અલબત્ત, લાંબાગાળા માટે તે ચેતવણીના સૂરમાં કહે છે કે નૂરબજારમાં મોટાપાયે ભાવવધારો સંભવિત જણાતો નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer