દરિયાઈ માર્ગે ઉતારુઓનાં પરિવહનની ક્ષમતા વિકસાવવાની જવાબદારી કેન્દ્રની સરકારે ડીપીટીને સોંપી છે

દરિયાઈ માર્ગે ઉતારુઓનાં પરિવહનની ક્ષમતા વિકસાવવાની જવાબદારી કેન્દ્રની સરકારે ડીપીટીને સોંપી છે
નિખિલ પંડયા
ભુજ, તા. 2 એપ્રિલ
 સ્વતંત્રતાને પગલે દેશને દરિયાઇ માલ પરિવહનમાં કરાચીની ખોટનો શૂન્યાવકાશ ભરવા માટે વિકસાવાયેલાં કંડલા બંદરે તેની સ્થાપનાની તુરંત બાદ આ શૂન્યાવકાશને તો સફળતાપૂર્વક ભરી દીધો છે, તેની સાથોસાથ આ બંદરને દેશના વિકાસમાં અગ્રેસર કરવા માટે તેની સંચાલક સંસ્થા દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ (ડીપીટી)એ હવે નિર્ણાયક પુરુષાર્થ આદર્યો છે.  બંદરની માળખાકીય સુવિધાઓથી માંડીને તેને સંલગ્ન ભારે ઉપયોગી અને કીમતી જમીનોનો ખજાનો ઔદ્યોગિક વિકાસ માટે ખોલવાની પહેલ કરાઇ છે, તેની સાથોસાથ માલ પરિવહન ઉપરાંત ઉતારુઓની હેરફેરમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા અને કચ્છને પણ તેનો લાભ મળે તે માટે ડીપીટીના અધ્યક્ષ એસ કે મેહતાના નેતૃત્વ હેઠળ પોર્ટ પ્રશાસને કમર કસી છે.    હજી એક વર્ષ અગાઉ ડીપીટીના ચૅરમૅન તરીકેનો કાર્યભાર સંભાળનારા મેહતાએ 5મી એપ્રિલે મેરિટાઈમ દિવસ નિમિત્તે જન્મભૂમિ પત્રોને જ્યારે આ નવા આયોજન અને તેના અમલીકરણની તલસ્પર્શી વિગતો આપી ત્યારે તેમના ઉત્સાહમાં સફળતાનો રણકો સ્પષ્ટ રીતે અનુભવી શકાતો હતો.   
દેશનાં બંદરો માલ પરિવહનની સાથોસાથ વિકાસનાં અન્ય માધ્યમોમાં પોતાની ભૂમિકા ભજવે એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રને ડીપીટીએ આત્મસાત કરીને શાપિંગપ્રધાન મનસુખભાઇ માંડવિયાના માર્ગદર્શન તળે તાકીદની યોજના બનાવીને તેને અમલમાં મૂકી છે.  માત્ર કંડલા આધારિત એવા 81 હજાર કરોડના ઔદ્યોગિક એકમો અને માળખાકીય સુવિધાઓને લગતા કરારો થઇ ગયા છે અને હવે આ કરારોને મૂર્તિમંત કરવાની વ્યવસ્થા ગોઠવાઇ રહી હોવાની વિગતો મેહતાએ આપી હતી.   
આરંભમાં ઉત્સાહ ઓછો હતો
દેશના મહાબંદરોએ ઔદ્યોગિક અને માળખાકીય સુવિધાઓમાં રોકાણને આકર્ષવા સક્રિય થવું જોઇએ એવા શાપિંગપ્રધાનના આગ્રહને પગલે ડીપીટીએ સૌ પ્રથમ આ વિચારને વહેતો મૂક્યો ત્યારે હાલ બંદરના વપરાશકારોએ તેના પ્રોજેક્ટના વિસ્તરણ માટે ચારેક હજાર કરોડના રોકાણની તૈયારી બતાવી હતી.    જોકે મૂળ વનવિભાગના અધિકારી રહેલા મેહતાએ એક સાવ નવા ક્ષેત્રમાં નિયુક્ત થયા બાદ કંડલા બંદરના તમામ વિભાગોની કામગીરીની ઝીણવટભરી માહિતી મેળવીને પોતાની વહીવટી સૂઝને સતેજ કરી હતી.  તેવામાં આયોજિત થયેલી મેરિટાઇમ સમિટમાં ગુજરાતમાં રોકાણ આકર્ષવાના વિષયની રજૂઆતની જવાબદારી ડીપીટીના આ નવા સવા ચૅરમૅન માથે આવી હતી. 
આ પ્રેઝન્ટેશન તેમણે સુપેરે પાર પાડયું, પણ ગુજરાતમાં  રિફાઇનરી માટે ઉત્સુક એસ્સાર જૂથને રાજ્ય સરકાર સાથેના સંપર્કોએ તેને કંડલા બોલાવવામાં તેમને સફળતા મળી હતી.   
એક જ દિવસમાં એસ્સાર તૈયાર 
માત્ર એક જ દિવસની મુલાકાતમાં એસ્સારે 55,000 કરોડના એમઓયુ માટે સંમતિ પણ વ્યક્ત કરી દીધી. પછી તો એમઓયુની લાઇન લાગી ગઇ અને આંકડો 81 હજાર કરોડને પાર કરી ગયો એવી માહિતી આપી રહેલા મેહતાએ આ માટેનાં કારણો આપવામાં પણ ખચકાટ અનુભવ્યો ન હતો.  તેમણે જણાવ્યું હતું કે એક તો કંડલા જેવા શક્તિશાળી અને સંપન્ન બંદર તથા તેને સંલગ્ન માળખાકીય સુવિધાઓ ઉપરાંત ડીપીટી તરફથી સરળતાથી જમીન મળવાની ખાતરીએ આ રોકાણમાં કામ કરી દીધું.  સાથોસાથ કોઇપણ રોકાણકારને રાજ્ય અને કેન્દ્રના વિવિધ લાભો પણ ઉપલબ્ધ કરાવી આપવાની ખાતરી પણ અપાઇ છે.    રોકાણકારોએ માત્ર કંડલાને પસંદગી માટે કેમ તારવ્યું? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યંુ કે, કંડલા બંદર જાહેર ક્ષેત્રના વહીવટ તળે પારદર્શક વ્યવસ્થા તંત્ર ધરાવે છે અને ખાસ તો રોકાણકારોને  આવા માળખામાં પોતાના વેપારને અન્ય કોઇ તાણી ન જાય એવો પૂરતો ભરોસો હોય છે.  
ખાસ બિઝનેસ ડેવલપમેન્ટ સેલ 
હવે આ એમઓયુને અમલી કરવા માટે ડીપીટીએ કેવી તૈયારી આરંભી છે ? એમ પૂછતાં તેમણે કહ્યંy કે અમે ખાસ બિઝનેસ ડેવલપમેન્ટ સેલ રચ્યો છે, જે આ નવા આવનારા રોકાણોની સતત સમીક્ષા કરે છે અને તેમને જરૂરી સહકાર અને માર્ગદર્શન પૂરું પાડે છે. આ સેલમાં ખાસ અધિકારીઓની નિમણૂક હાથ ધરાઇ હોવાનું તેમણે ઉમેર્યું હતું. 
આની સાથોસાથ દરેક પ્રોજેક્ટના અમલીકરણ પર સતત ડિજિટલ નજર રાખવા માટે ખાસ પ્રોગ્રામ પણ ડીપીટી દ્વારા તૈયાર થઇ રહ્યો હોવાની માહિતી પણ તેમણે આપી હતી.   
હવે પછી શું ? 
આ એમઓયુને આગળ ધપાવવા માટે જમીનની ફાળવણી માટે તેના દરના સંદર્ભે થોડી સમસ્યાઓ છે, જેનો ઉકેલ આગામી દિવસોમાં ડીપીટીની લેન્ડ પોલિસીમાં આવી જશે એવો વિશ્વાસ ચૅરમૅને આપ્યો હતો.  આ નવી પોલિસી તૈયાર થઇ ગઇ છે, માત્ર સરકારની બહાલી બાકી છે, જે આગામી ગણતરીના દિવસોમાં આવી જશે એમ તેમણે ઉમેર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer