લૉકડાઉન વિશે બે દિવસમાં ફેંસલો : ઉદ્ધવ ઠાકરે

લૉકડાઉન વિશે બે દિવસમાં ફેંસલો : ઉદ્ધવ ઠાકરે
પીટીઆઈ
મુંબઈ, તા. 2 એપ્રિલ
મહારાષ્ટ્રમાં કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં નહીં આવે તો ફરીથી સંપૂર્ણ લૉકડાઉન જાહેર કરાશે એવી ચેતવણી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપી છે.
કોરોના ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકાર નિષ્ણાંતો સાથે ચર્ચા કરી એક-બે દિવસમાં લૉકડાઉન વિશે નિર્ણય જાહેર કરશે એમ તેમણે ટેલિવિઝન પર આપેલા પ્રવચનમાં જણાવ્યું હતું. અૉફિસો, સામાજિક પ્રસંગો, હોટલ-રેસ્ટોરાંમાં ભીડ ટાળવા માટે વધુ નિયંત્રણો જરૂરી છે, એમ કહીને તેમણે જનતાને તથા રાજકીય પક્ષો અને વિવિધ સંગઠનોને સરકારને સહકાર આપવાનો અનુરોધ કર્યો હતો.
રાજ્ય સરકાર આરોગ્ય સુવિધા વધારવા પ્રયત્નશીલ છે, પરંતુ ડૉક્ટરો, નર્સો વગેરેની સંખ્યામાં તાત્કાલિક વધારો કરવો અશક્ય નથી, એમ તેમણે જણાવ્યું હતું.
પુણેમાં બાર કલાકનો રાત્રિ કફ્ઍયુ
કોરોનાનો ફેલાવો રોકવા માટે પુણે જિલ્લામાં બાર કલાકનો રાત્રિ કર્ફ્યુ તથા અન્ય નિયંત્રણો લાદવામાં આવ્યાં છે.
આવતા શુક્રવારે પરિસ્થિતિની સમીક્ષા કરાશે. આવતા સાત દિવસ સુધી બધા ધર્મસ્થાનો સંપૂર્ણપણે બંધ રહેશે. બાર, હૉટલ, રેસ્ટોરાં બંધ રહેશે અને માત્ર હોમ ડિલીવરીથી કામકાજ કરી શકશે. લગ્ન અને સ્મશાનયાત્રા સિવાયના તમામ જાહેર સમારંભો બંધ રહેશે. લગ્નપ્રસંગમાં વધુમાં વધુ 50 અને સ્મશાનયાત્રામાં વધુમાં વધુ 20 લોકો સામેલ થઇ શકશે. આ આદેશ આવતી કાલે શનિવારથી અમલમાં આવે છે,' એમ પુણેના ડિવિઝનલ કમિશનર સૌરભ રાવે જણાવ્યું હતું.
પુણેના શિવાજીનગર મતવિસ્તારના વિધાનસભ્ય સિદ્ધાર્થ શિરોળેએ ટ્વીટર પર કહ્યંy કે, આવતા સાત દિવસ સુધી બાર, મૉલ્સ, સિનેમાઘરો, બસો, ધાર્મિક સ્થળો અને સાપ્તાહિક શાકબજાર બંધ રહેશે. પુણે જિલ્લામાં ગુરુવારે કોરોનાના 8011 નવા કેસ નોંધાયા હતા. ત્યાં ઉપરાઉપરી બીજા દિવસે નવા કેસની સંખ્યા 8000ને વટાવી ગઈ છે. બુધવારે 8605 નવા કેસ સામે આવ્યા હતા. ગુરુવારે કોરોનાથી 65 જણ મૃત્યુ પામતાં કુલ મરણાંક 10,039 થયો હતો. ગુરુવારના નવા કેસો પૈકી 4103 કેસ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં હતા, ત્યાં સંક્રમિતોની કુલ સંખ્યા 2,73,446 થઈ છે. પિંપરી અને ચીંચવડમાં 2113 નવા કેસો નોંધાતા કુલ સંખ્યા 1,42,251 થઈ હતી.
11 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અતિશય ગંભીર
દેશનાં અગિયાર રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાની સ્થિતિ અતિશય ગંભીર છે. ત્યાં કોરોનાનું સંક્રમણ ઝડપભેર વધતું જતું હોવા છતાં તેને ખાળવાનાં પગલાં પૂરતા પ્રમાણમાં લેવાતાં નથી એમ કેન્દ્ર સરકારે કહ્યું છે. છેલ્લા 14 દિવસમાં કોરોનાના 90 ટકા નવા કેસ તથા 90.5 ટકા મૃત્યુ આ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે. ઉચ્ચ સરકારી અમલદારોની એક બેઠકમાં કૅબિનેટ સચિવ રાજીવ ગૌબાએ કહ્યું કે માર્ચ મહિનામાં નવા કેસમાં 6.8 ટકાનો વધારો થયો જેણે અગાઉનો 5.5 ટકા (જૂન 2020)નો વિક્રમ તોડી નાખ્યો છે. માર્ચમાં કોરોનાથી થતાં મૃત્યુમાં 5.5 ટકાનો વધારો થયો હતો. સપ્ટેમ્બર 2020માં કોરોનાનો પ્રકોપ મધ્યાન્હે હતો ત્યારે રોજના 97,000 કેસ નોંધાતા હતા, જ્યારે આજે રોજ 81,000 નવા કેસ નોંધાય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer