પાકિસ્તાનના ઉદ્યોગો અને પ્રજા ત્રાહિમામ પોકારશે

પાકિસ્તાનના ઉદ્યોગો અને પ્રજા ત્રાહિમામ પોકારશે
ભારતથી રૂ-ખાંડની આયાત નહીં કરવાની જીદથી  
અમારા પ્રતિનિધિઓ તરફથી  
મુંબઈ, તા. 2 એપ્રિલ
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને  ભારતથી ખાંડ અને કપાસની આયાતનો નિર્ણય લીધો અને  પછી રાજકીય દબાણમાં આવીને તરત ઉલટાવી નાખ્યો તેનાં આકરાં પરિણામો એ દેશના ઉદ્યોગો અને વપરાશકારોને ભોગવવા પડશે, એવું અહીંના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું. 
પાકિસ્તાનમાં ખાંડના ભાવ અત્યારે ભારતની સરખામણીએ ઘણા ઊંચા ચાલી રહ્યા છે. રમઝાન મહિનો આવી રહ્યો છે ત્યારે તેની માગ વધતાં ભાવ ચરમસીમાએ પહોંચશે એવું ત્યાંના વેપારી સૂત્રોએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું.  
પાકિસ્તાને બુધવારે ઘરઆંગણે વધતા જતા ભાવને અંકુશમાં લેવા ભારતથી પાંચ લાખ ટન સફેદ સાકરની આયાતને મંજૂરી આપી હતી. એ દેશના નાણાપ્રધાન હમ્મદ અઝહરે કહ્યું હતું કે પાડોશી દેશ ભારતમાં ખાંડના ભાવ પાકિસ્તાન કરતાં ઘણા નીચા હોવાથી પાકિસ્તાન સરકારે ખાનગી ક્ષેત્રમાં ભારત સાથે ખાંડના વેપારને ખુલ્લો મૂક્યો છે. જૂન મહિનાના અંત સુધીમાં ભારતીય રૂની આયાત ઉપરનો પ્રતિબંધ પણ ઉઠાવી લેવામાં આવશે, એમ અઝહરે જણાવ્યું હતું.  
પાકિસ્તાનમાં હાલ રૂની ભારે માગ છે. ગયા વર્ષે પાકિસ્તાનની ટેક્સ્ટાઈલ્સની નિકાસ વધી હતી અને રૂનો પાક પણ સારો થયો નથી. એટલે, સમગ્ર વિશ્વમાંથી રૂની આયાતને મંજૂરી અપાઈ હતી, પરંતુ ભારતથી આયાત ઉપર પ્રતિબંધ હોવાના કારણે તેમના દેશના નાનાં અને મધ્યમ એકમોને સીધી અસર થઈ રહી હોવાનું જણાવ્યું હતું. પાકિસ્તાનના ટેક્સ્ટાઈલ્સ મેન્યુફેક્ચરર્સની લાંબા સમયથી માગ હતી કે ભારતથી રૂની આયાતને મંજૂરી અપાય, કેમકે આ વિકલ્પ તેમને સસ્તો પડે છે.  
વર્તમાન પાકિસ્તાની રૂ મોસમ (ઓગસ્ટ 2020થી જુલાઇ 2021) ઉત્પાદન 24 ટકા ઘટીને 50.19 લાખ ગાંસડી આવ્યું હોવાથી ભાવ ભડકે બોલી રહ્યા છે.  
નાયમેક્સ રૂ વાયદમાં હાલમાં ભાવ 79થી 80 સેંટ પ્રતિ પાઉન્ડ (454 ગ્રામ) એટલે કે 256 કિલોની ખાંડી દીઠ રૂા. 45,800 બોલાય છે. આની તુલનાએ ભારતમાં નિકાસબર બેન્ચમાર્ક સંકર-6 રૂ નો ભાવ રૂા. 45,000થી 45,200 બોલાય છે. આયત છૂટ મળે તો ખાંડના ભાવ જે કિલો દીઠ રૂા. 100 અને ભડકે બળતા રૂના ભાવ ઘટી શક્યા હોત.  
રાજકોટના એક વેપારી આનંદ પોપટે કહ્યું કે, પાકિસ્તાનમાં આ વર્ષે કપાસની મોટી તંગી છે.  ત્યાંના ઉદ્યોગો ભારતથી કપાસની આયાત કરવાનું દબાણ લાવ્યા પછી તેની સરકાર તૈયાર થઇ હતી.  
ત્યાંના મિલમાલિકોએ સરકારને સમજાવ્યું કે,  ભારતીય કોટન તેમ જ યાર્નના ભાવ દુનિયાના અન્ય દેશોની તુલનામાં ઓછા છે. ભારતથી મોકલેલો કપાસ પાકિસ્તાનમાં ત્રણથી ચાર દિવસમાં પહોંચી શકે છે. અન્ય દેશોમાંથી આયાત કરવા પર ઉંચો ખર્ચ અને પાકિસ્તાન પહોંચવામાં એકથી બે મહિના લાગે છે. તેથી ભારતથી આયાત કરવાનું
વ્યવહારુ છે. બીજી બાજુ, પાકિસ્તાને કપાસ ખરીદવાની તત્પરતા બતાવી પછી અહીંના નિકાસકારો પણ આ સિઝનમાં પાકિસ્તાનને 5-10 લાખ ગાંસડી કપાસની નિકાસ કરવા માટે આશાવાદી બન્યા હતા.  
પાકિસ્તાનની વાર્ષિક કોટન વપરાશ 120 લાખ ગાંસડી છે. તેની સામે આ વર્ષે ઉત્પાદન 77 લાખ ગાંસડીનું જ છે. અલબત્ત, અહીંના કોટન જિનર્સ તો આ ઉત્પાદનને માત્ર 55 લાખ ગાંસડી હોવાનું જ  માને છે. તેથી એ દેશમાં કપાસની અછત ઓછામાં ઓછી અછત 60 લાખ ગાંસડીની માનવામાં આવે છે.  પાકિસ્તાને અન્ય દેશોમાંથી આયાત કરી તે પછી પણ અત્યારે લગભગ 35 લાખ ગાંસડીની અછત અંદાજાય છે, જેને માત્ર આયાત દ્વારા જ પૂરી કરી શકાય છે. 
પાકિસ્તાનમાં રૂના ભાવ આ ચાલુ માર્કાટિંગ વર્ષ 2020-21 (ઓગસ્ટ-જુલાઇ)માં ઝડપથી વધ્યા છે. પાકિસ્તાનમાં કોટનનો પાક છેલ્લા માર્કાટિંગ વર્ષની તુલનામાં 24 ટકા ઘટી 60.19 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. વેપારી જગતનું માનવું છે કે, ભારતથી આયાતની શક્યતા હમણાં દેખાતી નહીં હોવાથી ભાવમાં ભડકો થશે.  
કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયા (સીએઆઇ) એ ભારતમાં ચાલુ સિઝનમાં કપાસના ઉત્પાદનનો અંદાજ 358.50 લાખ ગાંસડીનો મૂક્યો છે. કમિટી  ઓન કોટન પ્રોડક્શન એન્ડ કન્ઝમ્પ્શન (સીસીપીસી) એ દેશમાં ઉત્પાદન અનુમાન 371 લાખ ગાંસડીનો મૂક્યો છે.  
અમેરિકન કૃષિ સંસ્થા (યુએસડીએ) એ આ માર્કાટિંગ વર્ષ (ઓગસ્ટ 2020 જુલાઇ 2021)ની દરમિયાન કપાસનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં ઓછું અને વપરાશ વધુ રહેવાની ધારણાએ ભાવનો વૈશ્વિક ટ્રેન્ડ તેજીનો કહ્યો છે.   પાકિસ્તાનના વેપારીઓએ અફઘાનિસ્તાન માટે દુબઈ મારફતે ભારતની 50,000 ટન ખાંડની  આયાત માટે ગયા મહિને આંતરરાષ્ટ્રીય બજારમાં બે ટેન્ડર્સ મૂક્યાં હતાં. પહેલાં ટેન્ડરમાં ખર્ચ અને નૂરભાડાં ઉપર પ્રતિ ટન 540.10 ડૉલર તેમ જ બીજા ટેન્ડરમાં 544.10 ડૉલર ભાવ ઓફર થયો હતો. એક ડીલરના જણાવ્યા મુજબ થાઈલેન્ડની ઓફરની સરખામણીએ ભારતનો ભાવ ઘણો નીચો છે.  
વેપારીઓએ જણાવ્યું કે પાકિસ્તાનમાં ખાંડનો ભાવ પ્રતિ ટન 694 ડોલર છે, જેની સામે ભારતીય વેપારીઓ સફેદ સાકર ફ્રી-ઓન-બોર્ડ 410થી 420 ડોલર ઓફર કર્યો હોત. ભારતીય નિકાસકારો દરિયાઈ તેમ જ જમીન માર્ગ, બંને રીતે માલ મોકલી શકે છે, જેનાથી તેને વૈશ્વિક કન્ટેઇનર શાપિંગ માર્કેટ્સમાં નોંધપાત્ર સ્પર્ધાત્મકતા મળે છે. 
ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડર્સ ઍસોસિયેશનના અધ્યક્ષ પ્રફુલ્લ વિઠલાણીએ વ્યાપારને કહ્યું હતું કે પાકિસ્તાનમાં ખાંડના ભાવ અત્યારે ભારતની સરખામણીએ ઊંચા ચાલી રહ્યા છે. ભારત સરકાર ખાંડની નિકાસ પર પ્રતિ ટન રૂા. 4000 સબસિડી આપે છે. જહાજી માર્ગે પાકિસ્તાન પહોંચ ખર્ચ રૂા. 6000 થાય છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer