ફરી લૉકડાઉનના ભયથી વેપારીઓમાં ફફડાટ

નિયંત્રણો સાથે ધંધા ચાલુ રહે તે ખૂબ જરૂરી 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 6 એપ્રિલ 
કોરોનાના કેસ વધતાં ગુજરાતમાં સ્થિતિ વણસી છે. કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઇ છે. એવા સમયે ફરીથી લોકડાઉનનો ફફડાટ ફેલાઇ ગયો છે. ખાસ કરીને હાઇકોર્ટના અવલોકન પછી ગુજરાતમાં લોકડાઉન લાગશે તેવી ધારણા તેજ બની છે. હવે ફરીથી વેપારીઓની સ્થિતિ કફોડી બની ગઈ છે. વેપારીઓ કહે છે કે નિયંત્રણો સાથે ધંધા શરૂ રહેવા જોઈએ.  
કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેન્દ્રભાઈ શાહ કહે છે, કે ગુજરાત સહિત દેશભરના વેપારીઓએ અત્યાર સુધીનો કપરો સમય જોયો છે અને સૌથી મોટું નુકસાન પણ જોયું છે. હવે આ દશામાં ગુજરાતમાં ફરી લોકડાઉન આવશે તો વેપારી તૂટી જશે. જોકે હાલ કોરોનાને કાબૂમાં લેવો પણ જરૂરી છે. સરકાર નિયંત્રણો મૂકે તો આવકાર્ય છે પણ વેપારીઓ ભાંગી ન જાય તે જોવું જરૂરી છે. સતત લોકડાઉન ન રાખવું અને કોરોના રોકવા અમુક દિવસ નિયંત્રણ લગાડવું હોઈ તો પણ વેપારીઓને અમુક છૂટછાટ આપવી જોઈએ. જનતાને ખરીદી કરવા માટે ફિક્સ ટાઈમ આપવાનું ધ્યાને લેવું જોઇએ.  
વેપારી સંસ્થાના આગેવાન હર્ષદ ગિલેટવાળા કહે છે કે `વેપાર ગુજરાતની કરોડરજ્જુ છે અને જો વેપાર તૂટી જશે તો વેપારીઓને તો નુકસાન થશે જ પરંતુ સાથે સાથે ગુજરાતને પણ મોટું નુકસાન થશે. ફૂલ લોકડાઉન આવી જાય તો વેપારની કમર તોડી નાખશે. 
અનેક વેપારીઓએ કહ્યું કે લોકડાઉન શબ્દનો ભય એટલો મોટો છે કે હવે તમામ સ્તરે ફફડાટ થાય છે. મજૂરોની હિજરતથી માંડીને અનેક નિયંત્રણો આવશે અને સૌથી મોટું નુકસાન વેપાર જગતને થવાની ભીતિ રહેલી છે. 
ઇલેક્ટ્રોનિક ગુડ્સ સાથે જોડાયેલા વેપારી અને રિલિફ રોડ વેપારી મંડળના પ્રમુખ મેઘરાજભાઈ કહે છે કે હવે નિયંત્રણ આવશે તો વેપારીઓ તૂટી જશે. એસી, કુલર, ફ્રીઝ, ટીવી સહિતની વસ્તુઓની ડિમાન્ડ નીકળી હતી અને હવે લોકડાઉન ગુજરાતમાં લાગુ પડશે તો વેપારીઓ ઉપર બહુ મોટું આર્થિક ભારણ આવી પડશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer