અમદાવાદ ઍરપોર્ટ પર અનેકની નોકરી જોખમમાં મુકાવાની શક્યતા

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 6 એપ્રિલ
અદાણી જૂથે જ્યારથી અમદાવાદ ઍરપોર્ટનું સંચાલન સંભાળ્યું છે ત્યારથી જ પહેલા અમદાવાદ ઍરપોર્ટના નામમાં ફેરફાર, પાર્કિંગ ચાર્જમાં વધારો, વેઇટિંગ પિરીયડમાં ફેરફાર વગેરે મુદ્દા સાથે વિવાદમાં રહ્યું છે. એક બાજુ કોરોનાની મહામારી સામે લોકો માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે ઍરપોર્ટ પર કામકાજ કરતા અનેક કર્મચારીઓ નોકરી વિહોણા બને તેવી શક્યતા સેવાઇ રહી છે. 
અમદાવાદ ઍરપોર્ટનું ખાનગીકરણ થયા બાદ કાર્યરત ગ્રાઉન્ડ હેન્ડાલિંગની જુદી-જુદી 18 જેટલી કંપનીઓના શટર પડી જશે. તેના બદલે હવે એક જ ગ્રાઉન્ડ હેન્ડાલિંગ કંપની ઍરપોર્ટ પર કાર્યરત રહેશે. ટેન્ડરમાં અગાઉથી જ એવી શરતો રાખવામાં આવી હતી કે અન્ય કોઇ કંપની હરીફમાં આવી શકે નહીં, જેમાં અદાણીએ અંદરોઅંદર જ સહભાગી કંપની સાથે અને એક વિદેશી કંપની સાથે કરાર કરી મજબૂત ગોઠવણ કરી હોવાની ચર્ચાએ જોર પકડયું છે. 
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ઍરપોર્ટ પર વર્ષોથી શેડયુલ અને નોન શેડયુલ ફ્લાઇટનું ગ્રાઉન્ડ હેન્ડાલિંગ કરતી જુદી-જુદી કંપનીઓ કાર્યરત છે. ઍરપોર્ટ પર આઇટા રજિસ્ટર્ડ મુખ્ય ચાર શેડયુલ ગ્રાઉન્ડ હેન્ડલિંગ કરતી કંપનીઓ છે, જેમાં એઆઇએટીએસએલ, જીજીઆઇ, શેલ્બી, રણબંકા એવિએશન કંપનીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચાર્ટર્ડ ફલાઇટનું ગ્રાઉન્ડ હેન્ડાલિંગ કરતી અન્ય 18 જેટલી કંપનીઓ છે. આ તમામ કંપનીઓને રાતોરાત લેટર આપી દઇ 30 એપ્રિલ સુધીની છેલ્લી ડેડલાઇન આપી દેવામાં આવી છે. ત્યારબાદ આ  કંપનીઓ અમદાવાદ ઍરપોર્ટ પર શેડયુલ-નોન શેડયુઅલ ફલાઇટનું હેન્ડલિંગ કરી શકશે નહીં. તેના બદલે એક જ કંપનીનો દબદબો રહેશે. 
અદાણી બીડબ્લ્યુએફએસને સહભાગી કંપની તરીકે જીએસઇસી સાથે કરાર કરી તમામ પ્રકારની ફલાઇટોનું ગ્રાઉન્ડ હેન્ડાલિંગનો કોન્ટ્રેક્ટ આપશે, જેના કારણે ઍરપોર્ટ પર કામ કરતા નાના-મોટા એક હજાર જેટલા કર્મચારીઓની નોકરી જોખમમાં મુકાશે. હાલમાં કોરોનાકાળમાં નોકરીઓની અછત છે ત્યાં આ કર્મચારીઓ પર મોટી મુસીબત આવી પડશે. આ કંપની વિદેશની છે જે મુંબઈ અને દિલ્હી ઍરપોર્ટ પર શેડયુલ-નોન શેડયુલ ફલાઇટોના ગ્રાઉન્ડ હેન્ડલિંગની સવલત આપે છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer