નવી દિલ્હી, તા. 6 એપ્રિલ
સોનું ગિરવે રાખીને કરજ આપનારી કંપનીઓ ધિરાણની શરતો કડક બનાવી રહી છે. હવે તેઓ લોનની મુદ્દત ઘટાડી રહી છે અને સોનાના ભાવમાં ઘટાડા સામે રક્ષણ માટે વધુ સિક્યોરિટી માગે છે.
આ ક્ષેત્રની અગ્રણી મુથુટ ફાઇનાન્સ જે ગ્રાહકો દર મહિને અથવા તેથી ઓછા સમયાંતરે હપ્તા ચૂકવે તેમને વ્યાજદરમાં રાહત તથા અન્ય પ્રોત્સાહનો આપે છે. તેની હરીફ મુથુટ મિની ફાઇનાન્સર્સ અગાઉ 270 દિવસની લોન આપતી તે હવે 90 દિવસની જ આપે છે. અગાઉ સોનાના મૂલ્ય સામે મોટા ભાગની નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ 75 ટકા અને બૅન્કો 90 ટકા સુધીની લોન આપતી. પરંતુ તેઓ એનાથી ઘણી ઓછી રકમની લોન આપે છે.
ગયે વર્ષે સંખ્યાબંધ નાના વેપારીઓ, ધંધાદારીઓ અને ઉદ્યોજકોએ ધંધો તરતો રાખવા માટે પરિવારનું સોનું ગિરવે મૂકવાનું શરૂ કર્યું હોવાથી સોના સામેના ધિરાણમાં ઉછાળો આવ્યો હતો. મુથુટ ફાઇનાન્સનું સોના સામેનું ધિરાણ 25 ટકા વધ્યું હતું. લોકોને પોતાનાં આભૂષણો પ્રત્યે લગાવ હોય છે. સોનાના ભાવ ઘટશે તો પણ લોકો લોન ચૂકવવામાં પાછી પાની નહીં કરે કેમ કે તેમને પોતાનાં આભૂષણો પાછાં જોઈતાં હોય છે, એમ તેના મૅનેજિંગ ડિરેક્ટર જ્યોર્જ મુથુટ એક્લેઝાન્ડરે જણાવ્યું હતું.
વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુધારો થવાનો આશાવાદ તથા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્ઝની માગમાં થયેલા ઘટાડાને પગલે તાજેતરમાં સોનાના ભાવમાં વર્ષમાં પહેલીવાર ઘટાડો જોવાયો હતો. રોકાણકારો સલામતીના સ્વર્ગ સમાન સોનાને છોડીને જોખમી પણ વધુ વળતરદાયી અસ્કયામતો તરફ વળવાથી 2021માં સોનાના ભાવમાં 9 ટકાનો ઘટાડો આવ્યો છે.
જોકે અત્યારે ધિરાણકારોની સૌથી મોટી ચિંતા એ છે કે કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે વેપાર-ધંધા અને ઉદ્યોગોની યોજનાઓ ચોપટ થઈ જશે અને સધ્ધર કરજદારો પણ લોન ચૂકવવામાં નિષ્ફળ જશે.
કેપીએમજીના અગાઉના અંદાજ અનુસાર માર્ચ, 2022માં પૂરાં થનારાં બે વર્ષમાં ભારતની સોના સામેના ધિરાણની બજાર 34 ટકા વધીને રૂા. 4.6 લાખ કરોડ પર પહોંચી જશે.