ગુજરાતમાં વીક ઍન્ડ લૉકડાઉનની વધતી સંભાવના

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, 6 એપ્રિલ
રાજ્યમાં કોરોનાના કેસ 3000ની સપાટીને વટાવી ગયા છે.  ગઇકાલ સુધીમાં 15 વ્યક્તિઓના મોત થયા છે. દિનપ્રતિદિન વધુ ગંભીર સ્થિતિ સર્જાઇ રહી છે. ત્યારે હવે હાઇકોર્ટના ચીફ જાસ્ટિસ વિક્રમનાથ અને જાસ્ટિસ ભાર્ગવ કારીયાની ખંડપીઠે સરકારને નિર્દેશ કરતા કહ્યું છેકે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે.
રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. એ કારણે  ગુજરાતમાં વીક એન્ડ લોકડાઉન આવવાની શક્યતા વધી ગઇ છે. 
સરકાર લૉકડાઉન અંગે અભ્યાસ બાદ નિર્ણય કરશે : રૂપાણી 
હાઈ કોર્ટે રાજ્યમાં ફેલાયેલા કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે લૉકડાઉન જેવા આકરા પગલાં લેવાની ટકોર કરી છે. વિકેન્ડ લૉકડાઉન લાદવું કે કફર્યુ લાગુ કરવો કે નહિ તે અંગે રાજ્ય સરકાર અભ્યાસ અને કોર કમિટી સાથે બેઠક કરી નિર્ણય કરશે. તેમ આજે સુરત આવેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.  
દાંડિયાત્રાના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એકાએક સુરત આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે તાબડતોબ અધિકારીઓ અને પ્રધાનો સાથે બેઠક યોજીને સુરતમાં થયેલા કોરોના કેસ અટકાવવા માટે કેટલાક પગલાંઓ લેવાની જાહેરાત કરી હતી.  
શહેરમાં વધુ બીજા 50 ધન્વંતરી રથ શરૂ કરાશે. આમ 100 ધન્વંતરી રથ શહેરભરમાં કોરોનાના દર્દીઓને ટેસ્ટિંગ કરીને શોધી કાઢશે. મુખ્યપ્રધાને સુરતને વધુમાં વધુ રેમડેસીવીર ઇન્જેકશનનો વધુમાં વધુ જથ્થો ફાળવવાની જાહેરાત કરી હતી.    
રાજ્યમાં 60 ટકાથી વધુ કોરોનાના કેસ ચાર મહાનગરોમાં નોંધાઈ રહ્યા છે. તેમાં પણ સુરત અને અમદાવાદમાં હાઇએસ્ટ કેસ પ્રકાશમાં આવી રહ્યા છે. સુરતમાં આરોગ્ય વિભાગનું તંત્ર ખાડે ગયું છે. એક પછી એક ગંભીર બેદરકારીઓ બાદ આજે આરોગ્ય તંત્ર એકશન મોડમાં આવ્યું હોવાનું દેખાય રહ્યું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer