દુકાનો અને બજારો ખોલવા દેવાની `કેમિટ'ની માગણી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 એપ્રિલ
ચેમ્બર અૉફ ઍસોસિયેશન્સ અૉફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (કેમિટ)એ મહારાષ્ટ્ર સરકારને 72 કલાકની અંદર તમામ દુકાનો અને બજારો દરરોજ ખુલ્લી રાખવાની પરવાનગી આપવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. જો સરકાર આ પરવાનગી 8મી એપ્રિલ સુધી આપવામાં નિષ્ફળ જશે તો વેપારીઓ ઉગ્ર આંદોલન છેડશે અને તેના પરિણામો માટે રાજ્ય સરકાર જવાબદાર રહેશે.
કેમિટના પ્રમુખ દીપેન અગ્રવાલે આજે આ સંદર્ભે એક અખબારી યાદી પ્રસિદ્ધ કરી રાજ્ય સરકાર દ્વારા લૉકડાઉનના લેવાયેલા નિર્ણય સંદર્ભે તેમની સાથે સંકળાયેલા વિવિધ વેપારી સંગઠનોની એક તાકિદની બેઠક લીધી હતી. જેમાં મુંબઈ, નવી મુંબઈ, થાણે, પુણે, નાગપુર, સોલાપુર, ઔરંગાબાદ, કોલ્હાપુર, સાંગલી, ચંદ્રપુર, અકોલા, ઉલ્હાસનગર, નાશિક, સતારા, લાતુર, વાશિમ, બુલઢાણા, યવતમાળ વગેરે જિલ્લાઓમાંથી વિશાળ સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં સર્વાનુમતે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજ્ય સરકારે તમામ દુકાનો, બજારો, મૉલ્સ અને ખાનગી કચેરીઓ સપ્તાહના તમામ દિવસોએ ખુલ્લી રાખવાની પરવાનગી 72 કલાકની અંદર આપવી જોઈએ.
જો સરકાર આ પરવાનગી 8મી એપ્રિલ સુધી આપવામાં નિષ્ફળ જશે તો વેપારીઓ ઉગ્ર આંદોલન છેડશે અને તેના પરિણામો માટે રાજ્ય સરકાર જવાબદાર રહેશે, એમ કેમિટના પ્રમુખ દીપેન અગ્રવાલે જણાવ્યું હતું.
આ બેઠકમાં કેમિટના ચેરમેન મોહન ગુરનાની પણ ઉપસ્થિત રહ્યા હતા.