અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતનાં શહેરોમાં બહેનો-ભાઇઓ વેચે છે વિવિધ ચીજો
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, રાજકોટ, તા. 6 એપ્રિલ
કોરોનાએ ન માત્ર ધંધા-રોજગારનાં પરિમાણો બદલી નાખ્યા છે પણ માનવ જગતની રહેણી-કરણી પણ ધરમૂળથી ફેરવી નાખી છે. અસંખ્ય લોકોની નોકરી છૂટી છે, ધંધા બંધ થયા છે. આવા સંજોગોમાં હવે મહિલાઓ હોય કે પુરુષ બધે જ ઓનલાઇન ડ્રેસીસ, ડ્રેસ મટિરિયલ્સ કે કપડાં વેચવાનું શરૂ કરી દીધું છે. આવા વેપાર માટે વોટ્સએપ, ફેસબુક કે સોશિયલ મીડિયાના સ્ટેટસ કે સ્ટોરીનો આશરો લેવામાં આવે છે.
આપણા ફોનમાં એવા અનેક કોન્ટેક્ટસ હશે કે જેના સ્ટેટસમાં ડ્રેસ મટિરીયલ, કપડાં કે શૂઝના ફોટોગ્રાફ કોડ નંબર સાથે જોવા મળશે. ફેસબુકમાં પણ આવો જ ટ્રેન્ડ દેખાય છે. સમગ્ર ગુજરાતનાં વિવિધ શહેરોમાં આવું એક નવું બિઝનેસ મોડેલ દેખાવા લાગ્યું છે. ભલે એમાં ટર્નઓવર થતું હશે કે કેમ તે મોટો સવાલ છે પણ લોકો કમાણીની આશાએ નવો ધંધો કરવા લાગ્યા છે.
અમદાવાદમાં અનેક મહિલાઓએ ઘરે જ રહીને કારોબાર શરૂ કરી દેતા મોંઘવારીમાં એક કમાણીનું નવું સાધન ઉભું કર્યું છે. છેલ્લા એકાદ મહિનાથી કોરોનાએ લોકોની સ્વતંત્રતા છીનવી લીધી છે. હવે તો અગાઉ કરતાં પણ કેસ વધતા જાય છે અને આના કારણે ફરી લોકો ખરીદી કરવા જવાનું ટાળે છે. ત્યારે અમદાવાદની બહેનોએ ઘર ઘરાવ નાનો મોટો કારોબાર શરૂ કરી દીધો છે.
વસ્ત્રાપુરમાં કામ કરતા કામિનીબેન જણાવે છે કે `હું હોલસેલના ભાવે ડ્રેસ ઘરે લાવું છે, અને મારે એડવાન્સમાં પૈસા પણ નથી આપવા પડતા. હાલ દર મહિને હું 15થી 20 ડ્રેસનું વેચાણ આજુબાજુની બહેનોને કરું છે. લોકો ઘેર જોવા આવે તે ગમે તો લઇ જાય છે. મારે માત્ર ડ્રેસ વેચીને વચ્ચે મળતું કમિશન લઇ લેવાનું હોય છે. હાલ મને 4-5 હજાર રૂપિયા મહિને મળે છે.
અન્ય એક બહેન નામ ન આપવાની શરતે કહે છે કે એમ્બ્રોડરી વર્ક મોટા પાયે જ્યાં થતાં હતાં ત્યાં હવે કોરોના ગાઇડલાઇન પાલન કરવું પડતું હોવાથી અમે ઘરે જ કામ લાવીએ છીએ. પહેલાં અમે ફેક્ટરી ઉપર જે કામ કરતા તેના કરતાં 10 થી 15 ટકા વધુ કમાણી કરી લઈએ છીએ.
આ ઉપરાંત કુર્તી અને અન્ય ડ્રેસ મટિરિયલ્સ પણ ઘર બેઠા વેચવામાં આવે છે. મહિલાઓ ખાસ વોટ્સએપ ગ્રુપ બનાવે છે અને ગ્રુપમાં જ નવી ડિઝાઇન શેર કરે છે. આમ લોકડાઉન કે કર્ફ્યુનો સમય વેપારીઓ માટે મુશ્કેલીનું માધ્યમ બન્યો છે પરંતુ ઘરે બેસીને તૈયાર મટિરિયલ્સ વેચવાનો ટ્રેન્ડ વધ્યો છે.
જાણકારો કહે છે કે માત્ર કોરોના કાળમાં જ અમદાવાદમાં કમ સે કમ 3500 થી 4200 બહેનોએ ઘરે તૈયાર મટિરિયલ્સ,ખાખરા, તૈયાર ડ્રેસ અને અન્ય વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું છે. આવા વેપારનો આંકડો પણ લાખોએ પહોંચે છે.
શણગારની વસ્તુઓ પણ જે મોટા સ્ટોરમાં મળે છે, તેના એડવાન્સ ઓર્ડર આવી બહેનોને આપવામાં આવે છે અને બાદમાં નાના મોટા ગ્રાહકો સુધી આવી વસ્તુઓ પહોંચતી કરવામાં આવે છે.
કોરોનાનો કાળ આવી બહેનો માટે આશીર્વાદ બન્યો છે. ઘરનું કામ પણ થાય અને ફુરસદના સમયમાં મળેલું કામ પણ થઇ જાય છે.
ડ્રેસ મટિરિયલ ઓનલાઇન કે ઘેર બેઠાં વેચવાનો નવો ટ્રેન્ડ
