બીએસઈ મિડકેપ એક ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.8 ટકા વધ્યા
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 6 એપ્રિલ
મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં કોરોના સંબંધિત કડક નિયંત્રણો ઉપરાંત દિલ્હીમાં પણ એક મહિના સુધી રાત્રી કર્ફ્યૂ લાદતા શૅરબજારમાં તેજી રૂંધાઈ હતી. સેન્સેક્ષ સત્ર દરમિયાન 400 પોઈન્ટ્સ વધ્યો હતો, જોકે અંતે 42 પોઈન્ટ્સ (0.09 ટકા) વધીને 49,201ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી સત્ર દરમિયાન 140 પોઈન્ટ્સ વધ્યો હતો, પરંતુ અંતે 46 પોઈન્ટ્સ (0.3 ટકા) વધીને 14,683ના સ્તરે બંધ રહ્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બૅન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક, એક્સિસ બૅન્ક, પાવર ગ્રીડ, એસબીઆઈ, અલ્ટ્રાટેક સિમેન્ટ, મારુતિ સુઝુકી અને ઈન્ડસઈન્ડ બૅન્કના શૅર્સ બે ટકા જેટલા ઘટતા શૅરબજારનો વધારો મર્યાદિત રહ્યો હતો, જોકે એશિયન પેઈન્ટ્સ, એચયુએલ, ટીસીએસ, સન ફાર્મા, ઈન્ફોસિસ અને ભારતી એરટેલના શૅર્સમાં ખરીદીથી શૅરબજારને ટેકો મળ્યો હતો.
વ્યાપક બજારમાં બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે એક ટકા અને 0.8 ટકા વધ્યા હતા. નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી ફાર્મા સૂચકાંક બે ટકા, એફએમસીજી એક ટકા, મેટલ 1.5 ટકા અને આઈટી સૂચકાંક 0.25 ટકા વધ્યા હતા. જ્યારે નિફ્ટી બૅન્ક અને પ્રાઈવેટ બૅન્ક સૂચકાંક પ્રત્યેક 0.4 ટકા ઘટયા હતા.
વૈશ્વિક બજારો
ચીન અને અમેરિકાના આર્થિક આંકડા સારા આવતા મંગળવારે વૈશ્વિક શૅરબજારો ટોચને સ્પર્શયા હતા. એમએસસીઆઈનો વર્લ્ડ ઈન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ ઉપર હતો. યુરોપનો સ્ટોક્સ 600 ઈન્ડેક્સ 0.8 ટકા અને જર્મનીનો ડેક્સ 1.1 ટકા વધ્યો હતો. ફ્રાન્સનો સીએસી 40 ઈન્ડેક્સ 0.6 ટકા અને યુકેનો એફટીએસઈ 100 ઈન્ડેક્સ 1.2 ટકા વધ્યો હતો. જોકે, જપાનનો નિક્કી 1 ટકા ઘટયો હતો.
લૉકડાઉન વચ્ચે એફએમસીજી અને ફાર્મા શૅર્સમાં લેવાલી
