વેપારીઓમાં સ્વયંભૂ આક્રોશ જાગી ઉઠ્યો , ભીવંડીથી 60 ટકાથી વધુ પરપ્રાંતીય મજદૂરોની હિજરત
દેવચંદ છેડા
મુંબઈ, તા. 6 એપ્રિલ
રિટલ અને જઠબંધ બજારોને એક મોટો આંચકો આપી રાજ્ય સરકારે આજે દક્ષિણ મુંબઈની મુળજી જેઠા માર્કેટ, મંગલદાસ માર્કેટ સહિતની જથાબંધ બજારો, અર્ધ જથાબંધ સ્વદેશી માર્કેટ, ઝવેરી બજારની દુકાનો તથા બીકેસીના ભારત ડાયમંડ બુર્સને તાત્કાલિક અમલમાં આવે એ રીતે આ મહિનાના અંત સુધી બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
સોમવારે બધા બજારો ખુલ્લા હતા પણ આજે અચાનક આ આદેશ આવ્યા પછી મહાનગરપાલિકાના ઇન્સ્પેકટરો દુકાનો બંધ કરાવવા નીકળી પડ્યા હતા. તેથી મૂળજી જેઠા માર્કેટ અને મંગલદાસ માર્કેટ બંધ રહ્યા પણ સ્વદેશી માર્કેટમાં વેપારીઓનો રોષ ભભૂકી ઉઠયો હતો. સ્વદેશી માર્કેટ ટેક્સ્ટાઈલ મરચન્ટ્સ ઍસોસિયેશનના દુકાનો નહીં ખોલવાના આદેશને અવગણી કેટલાક વેપારીઓએ ચીખલ માર્કેટ કંપની પાસેથી મંજૂરી મેળવી માલોની ડિલિવરી કરી હતા.
સ્વદેશી માર્કેટના ચોકમાં 100 જેટલા વેપારીઓ, મુકાદમો, દલાલો ભેગા થયા હતા અને અચાનક લદાયલા લૉકડાઉન સામે તેમણે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સી વૉર્ડના નાના નાના કાપડ બજારો, માર્કેટ બહારની દુકાનો, બહારની બિલ્ડિગોમાંની અૉફિસો, કિચન ગાર્ડન લેનના ફેરિયાઓએ મંગળવારે ધંધો ચાલુ રાખ્યો હતો. જોકે, પોલીસ ઈન્સ્પેક્ટરો આવીને ધંધો બંધ કરાવતા હતા.
ભીવંડી પાવરલૂમ નગરીમાં ભયનો માહોલ છે. ભીવંડીમાંથી 60 ટકાથી વધુ પ્રાંતીય શ્રમિકો હિજરત કરી ગયા છે અને હજી હિજરત ચાલુ છે. આથી ભીવંડીમાં હવે માત્ર 35થી 40 ટકા લૂમો જ ચાલુ છે. મુંબઈના કાપડ બજારો બંધ છે. વળી અમદાવાદથી વિવર્સને ચિક્કાર કન્સેલેસનો આવી ગયા છે.
ન્યૂ પીસગુડસ બજાર કંપનીના ચૅરમૅન મુકેશ દેસાઈએ જણાવ્યું હતું કે, મુંબઈના કાપડ બજારો એક મહિનો બંધ હોવાથી દેશાવરોના વેપારીઓ મુંબઈ આવતા નથી. મુંબઈનો ધંધો સુરત અને અમદાવાદ ખાતે ખેંચાઈ જવાની શક્યતા છે. ગત વર્ષના લૉકડાઉનની જેમ જો આ વર્ષે એક મહિનાથી વધુ લૉકડાઉન લંબાશે તો મુંબઈના કાપડના વેપારનો સારો એવો ખાત્મો બોલાઈ જવાની શક્યતા છે.
જુદા જુદા કાપડ બજારોવાળા મહારાષ્ટ્ર સરકાર પાસે રજૂઆત કરી રહ્યા છે પણ સંયુક્ત રજૂઆત કરવાના પ્રયત્નો થયા નથી. જૉઈન્ટ એક્શન કમિટી હજી સક્રિય થઈ નથી.
હવે સુતરના અને ગ્રે સુતરાઉ કાપડના ભાવો ઘટવા શરૂ થઈ ગયા છે. રમઝાન, સ્કૂલ યુનિફોર્મની સિઝન, ગરમીના કાપડની ઘરાકી, લગ્નસરાની ઘરાકી માર ખાઈ જવાની ભીતિ છે. આથી જૂની ઉઘરાણી વધુ ઢીલમાં પડવાની શક્યતા હોવાથી આર્થિક સમસ્યા વધુ ઘેરી બનશે.
ભારત ડાયમંડ બુર્સ અનિશ્ચિત મુદત સુધી બંધ
મુંબઈમાં વધતા જતાં કોરોના વાયરસ ચેપને કારણે મહારાષ્ટ્ર સરકારે રાજ્યવ્યાપી લૉકડાઉન લાગુ કર્યા બાદ બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે આવેલ ભારત ડાયમંડ બુર્સ(બીડીબી) અનિશ્ચિત મુદત સુધી બંધ રાખવાની બુર્સના સત્તાવાળાઓએ જાહેરાત કરી છે.
દક્ષિણ મુંબઈના કાપડ બજારો, ઝવેરી બજાર, ડાયમંડ બુર્સ આ મહિનાના અંત સુધી બંધ રહેશે
