ડાંગ જિલ્લામાં ખેડૂતોને પેદાશો વેચવાની વ્યવસ્થાનો અભાવ

ઓર્ગેનિક જિલ્લો ભલે જાહેર થયો પણ..
ખેડૂતો ખુલ્લા બજારમાં વેપારીઓને પેદાશ વેચીને ગુજરાન ચલાવે છે 
અમદાવાદ, તા. 23  નવે.
આદિવાસી વસ્તી અને પછાત ગણાતો ડાંગ જિલ્લો હવે દેશનો પ્રથમ 100 ટકા ઓર્ગેનિક જિલ્લો બની ગયો છે. સરકારે 31 કરોડ જેટલી મોટી રકમ ફાળવી છે. ડાંગના ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે એકર દીઠ 10,000 રૂપિયા જેટલી રકમ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે ત્યારે ડાંગ જિલ્લો સમગ્ર દેશમાં એક અલાયદુ સ્થાન પણ મેળવશે. જોકે ખેડૂતો જે પાક લે છે તેને વેચવાની હાલમાં કોઇ વ્યવસ્થા નથી. વેપારીઓ જે ભાવ નક્કી કરે તેનાથી વેચવા ખેડૂતોને મજબૂર થવું પડે છે. 
રાજ્ય સરકારે કરોડો રૂપિયાની સહાય જાહેર કરી હોવા છતાં પાકના વેચાણ માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી તે બાબતે ખેડૂતોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. કેન્દ્ર સરકારની એક સંસ્થા એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ સાથે સંકળાયેલા મિનેશ મલિન નામના એક ખેડૂતે જણાવ્યું હતુ કે આ સંસ્થા અમને ટેકનોલોજી તેમજ અનેક પ્રકારની તાલીમ આપી છે. આ સંસ્થા મારફતે લાભાર્થીઓને બિયારણ પણ પૂરું પાડવામાં આવે છે. પરંતુ અંતે તો ગુજરાન ચલાવવા માલનું વેચાણ થવું પણ આવશ્યક છે.  
તેમણે જણાવ્યું હતુ કે હાલમાં ઓર્ગેનિક ખેતી સાથે આશરે 12000 જેટલા ખેડૂતો સંકળાયેલા છે. ડાંગ જિલ્લામાં વઘઇ, સુબીર, આહવા એમ ત્રણ તાલુકાઓનો સમાવેશ થાય છે. આ ત્રણેય તાલુકાઓમાં 50થી 60 ક્લસ્ટર્સ છે. જેમાં એક ક્લસ્ટરમાં એકથી 10 જેટલા ખેડૂતોનો સમાવેશ થાય છે. આ ત્રણેય તાલુકોઓમાં ખાસ કરીને નગલી, વરઇ, અડદ, તુવેર અને દેશી ડાંગરનો પાક લેવાય છે. પરંતુ મોટે ભાગે ખેડૂતો ખુલ્લા બજારમાં વેચાણ કરવું પડે છે. એમાં અપૂરતા ભાવ મળવાની સમસ્યા રહે છે. 
વેચાણમાં ઘણી મુશ્કેલીઓ પડે છે. હાલમાં દરેક ખેડૂતોનો માલ છૂટક વેચાય છે. વઘઇ તાલુકામાં પણ ભાવ નહી મળતા હોવાથી એપીએમસીમાં કોઇ વેચાણ કરતું નથી. નાગલી, વરઇ અને થોડી ગણી મગફળીનો પાક ચોમાસામાં જ લેવામાં આવે છે. નાગલી, વરઇ ખાવામાં પણ વપરાય છે. વઘઇ તાલુકામાં નાસિકના એક વેપારીએ દુકાન ખોલી છે. તે જે ભાવ નક્કી કરે તે જ ભાવે તે ખરીદે છે. ટૂંકમાં સરકારનું કોઇ નિયંત્રણ નથી કે તેના ટેકાના ભાવ નક્કી કર્યા નથી.   
ડાંગ જિલ્લાના કિસાન સંઘના કોષાધ્યક્ષ હસમુખભાઇ માળીએ જણાવ્યું હતુ કે ડાંગ જિલ્લામાં વઘઇ, સુબીર અને આહવામાં એપીએમસી હોવા છતાં કોઇ પ્રકારની વ્યવસ્થા નથી. ઉપરાંત એપીએમસીમાં ખરીદનાર આવતા નથી. અહીંના ખેડૂતોને પોતાની ઉપજ ક્યાં વેચવી તે મોટો પ્રશ્ન છે. ખેડૂતો મોટે ભાગે વાંસદા, વ્યારા, સોનગઢમાં પોતાનો માલ વેચવા જવુ પડે છે. સરકારે વ્યવસ્થા કરી હોવા છતાં પેદાશનો નિકાલ કરવાની કોઇ વ્યવસ્થા નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer