સુરતમાં ગરમ કપડાની બજારમાં ચમકારો

અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 23 નવે.
ઠંડીનો ચમકારો થતાં ગરમ કપડા બજાર ધમધમતી થઇ છે. દર વર્ષે નવેમ્બર માસ શરૂ થતાં ચોકબજાર ગાંધી બાગ પાસે મોટી સંખ્યામાં તિબેટિયનો દ્વારા ગરમ કપડાનો સ્ટોલ લગાવી દેતા હોય છે. કોરોના માહામારીને કારણે બે વર્ષ પછી આ વર્ષે તિબેટીયન બજારને અડાજણ તાપી કિનારા પાસે આવેલા મોટા ગ્રાઉન્ડમાં લગાવવાની મંજૂરી સુરત મનપાએ આપી છે. 
શહેરમાં છેલ્લા 58 વર્ષથી તિબેટિયન ગરમ કપડાની માર્કેટ ભરાય છે. સૌપ્રથમ વર્ષ 1963ની સાલમાં તિબેટિયાનો ઠંડીના વસ્ત્રો લઇ વેચાણ અર્થે સુરતમાં આવ્યા હતા. અને ચોકબજાર પાસે માત્ર દર રવિવારે વેચાણ કરતા હતા. શરૂઆતમાં તેઓ ખુબ ઓછી સંખ્યામાં આવ્યા હતા. ધીરે ધીરે તિબેટિયનોએ શહેરમાં માર્કેટનો વ્યાપ વધાર્યો અને વર્ષ 1989ની સાલથી તેઓએ ગાંધી બાગ પાસે 55 સ્ટોલ સાથે આ માર્કેટની શરૂઆત કરી હતી. 
તિબેટિયન માર્કેટના પ્રમુખ નામગ્યાલનું કહેવું છે કે, કોરોનાને કારણે બે વર્ષથી તિબેટીયન ગરમ કપડા માર્કેટ ભરાઇ ન હતી. હાલ કોરોના રસીકરણ સુરતમાં 100 ટકા પૂર્ણ થયું છે. જેને લઇ તિબેટીયન માર્કેટ શરૂઆત કરવામાં આવી છે. આ માર્કેટમાં 140 સ્ટોલ લગાવવામાં આવ્યા છે. અને 45 જેટલા પરિવારો ધંધો કરવા માટે આવ્યા છે. જાન્યુઆરીના અંત સુધી ચાલનારી આ માર્કેટમાં બાળકો, મહિલા, પુરૂષો દરેક માટે ગરમ કપડાના સ્ટોલ રાખવામાં આવ્યા છે. ગરમ કપડાની કિંમત કપડાની ક્વોલીટી ઉપર આધાર રાખે છે. ગરમ કપડાની કિંમત રૂપિયા 500 થી લઇને 3 હજાર સુધીની છે જે વેચાણ માટે સ્ટોલ પર રાખવામાં આવ્યા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer