તુવેરની આ વરાયટી ઉત્પાદન, ઊપજ અને વળતર વધારશે

કઠોળની આયાત નિર્ભરતા ઘટે તેવી અપેક્ષા
નવી દિલ્હી, તા. 23 નવે. 
ઉત્તર પ્રદેશમાં અમેઠીના ખેડૂત અનંત બહાદુર સિંઘ તુવેરની નવી વરાયટી પુસા અરહર (તુવેર) - 16ની ખેતી કરે છે. ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ (આઈએઆરઆઈ)એ વર્ષ 2018માં જ્યારથી તુવેરની આ વરાયટી વિકસાવી, ત્યારથી અનંત સિંઘ તેની ખેતી કરી રહ્યા છે. વર્ષ 1990થી તમામ દાળ-કઠોળમાં તુવેર મુખ્ય વરાયટી રહી છે. સિંઘના જણાવ્યા મુજબ, પુસા તુવેર-16 લગભગ 120 દિવસમાં પરિપક્વ બને છે, જ્યારે આ શ્રેણીની અન્ય તમામ વરાયટી 165થી 190 દિવસમાં પાકે છે. પુસા તુવેર - 16 વહેલી પાકી જતી હોવાથી સિંઘ ઘઉંનું વાવેતર સમયસર કરી શકે છે. 
છેલ્લાં બે વર્ષથી સિંઘ જૂન અને જુલાઈમાં પોતાના ખરીફ પાક તરીકે પુસા તુવેર-16નું વાવેતર કરે છે અને અૉક્ટોબરથી નવેમ્બર દરમ્યાન તેની લણણી કરે છે. આને કારણે તેને ઘઉં અને સરસવ - બંને રવી પાકો માટે પોતાનું ખેતર તૈયાર કરવા પૂરતો સમય મળી રહે છે. 
પુસા-991 અને 992 તેમજ પુસા-2001 અને 2002 વગેરે જેવી અન્ય વરાયટીમાં પાકની ઉપજ 1.5થી 1.8 ટન પ્રતિ હેક્ટર રહે છે, જ્યારે પુસા-16ની ઉપજ પ્રતિ હેક્ટર બે ટનથી વધુ આવે છે. ઊંચા યિલ્ડથી પ્રોત્સાહિત થઈને સિંઘ પુસા તુવેર-16 વરાયટીના બિયારણ ઉત્તર પ્રદેશના અન્ય ખેડૂતોને સપ્લાય કરવા લાગ્યા છે. 
આઈએઆરઆઈના વૈજ્ઞાનિકોના મતે પુસા તુવેર-16 નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (એનસીટી) રિજ્યન માટે રીલીઝ કરાઈ હતી. જોકે, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિત અન્ય વિસ્તારોના ખેડૂતોએ પણ આ વરાયટીનું વાવેતર શરૂ કર્યું છે. હાલમાં ખાનગી ક્ષેત્રની બિયારણ કંપનીઓ સાથે બિયારણ વધારવા બાબતે વાતચીત ચાલી રહી છે, જેથી આ વરાયટી વધુ ખેડૂતો સુધી પહોંચી શકે.  
ઉત્તર - પશ્ચિમના પંજાબ જેવા મેદાની પ્રદેશો અને ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા વરસાદી વિસ્તારોમાં નવેમ્બરના અંતે તુવેર પાકે છે, જેના કારણે રવી કે શિયાળુ પાક માટે ખેતરને તૈયાર કરવાનો ખાસ સમય બચતો નથી. ઉપરાંત, ચણા અને સરસવ જેવા પાકોનું વાવેતર નવેમ્બર પછી કરી શકાતું નથી.  
આઈએઆરઆઈના મુખ્ય વૈજ્ઞાનિક આર.એસ. રાજે જણાવે છે કે જો ઉત્તરી વિસ્તારોમાં ચોમાસું વિલંબિત થાય તો પુસા તુવેર-16નું વાવેતર જુલાઈના પહેલા સપ્તાહમાં પણ કરી શકાય છે અને છતાંયે તેને અૉક્ટોબરના અંતે કે નવેમ્બરના પહેલા સપ્તાહમાં લણી શકાય છે.  
પરીક્ષણોમાં પુરવાર થયું છે કે આ વરાયટીની ગુણવત્તા અન્ય વરાયટીઝ કરતાં વધુ સારી છે અને તેને રાંધવામાં ઓછો સમય લાગે છે. દાળ-કઠોળ સામાન્ય રીતે વરસાદી સ્થિતિમાં પાકતા હોવાથી જે કઠોળને પાકવામાં વધુ સમય લાગે તેના વાવેતરને ખેડૂતો જોખમી ગણે છે. તમામ કઠોળમાં પાકવાનો સૌથી વધુ સમય તુવેરને લાગે છે. 
પુસા તુવેર-16 વરાયટી વૈવિધ્યીકરણ માટે મહત્ત્વની છે અને તેને કારણે જમીનની તંદુરસ્તી જાળવવામાં અને કુદરતી સંસાધનોના જતનમાં મદદ મળે છે. વળી, આ વરાયટી ખેડૂતોને ઊંચું વળતર પણ રળી આપે છે, એમ આઈએઆરઆઈના ડાયરેક્ટર અશોક કુમાર સિંઘે જણાવ્યું હતું. આ વરાયટી ઉત્પાદન વધારશે અને ભારતની આયાત નિર્ભરતા ઘટાડશે તેવી આશા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer